Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

હાય હાય... કોરોનાનું વિકરાળ સ્વરૂપ જોવા મળે છે અમદાવાદમાં : મૃત્યુદર દિલ્હી - મુંબઇથી વધુ

મધ્યપ્રદેશ ૪.૯૩ ટકા મૃત્યુદર સાથે ગુજરાતથી આગળ

નવી દિલ્હી તા. ૨૮ : ભારતમાં કોરોના વાયરસના કારણે મૃત્યુદર ૩.૧ ટકા છે. પરંતુ અમદાવાદમાં આ મૃત્યુદર ૪.૭૧ ટકા છે. ભલે મુંબઈ અને દિલ્હીમાં કદાચ કોરોના પોઝિટિવના વધારે કેસ હોય પરંતુ ભારતમાં કુલ ૨૮,૬૨૨ કેસ પૈકી ૮૯૯ મૃત્યુની સામે અમદાવાદમાં ૨૧૬૭ કેસ પૈકી ૧૦૨ મૃત્યુ થયા છે. જે ૫૪૦૭ જેટલા નોંધાયેલા કેસ પૈકી ૨૦૪ લોકોના મોત ધરાવનાર મુંબઈ કરતાપણ વધારે છે. મુંબઈમાં મૃત્યુદર ૩.૭૭ ટકા છે. જયારે દિલ્હીમાં ૨૯૧૯ કેસ પૈકી ૫૪ મૃત્યુ સાથે મૃત્યુ દર ૧.૮૫ ટકા જેટલો જ છે.

સોમવાર સુધીના આંકડા પ્રમાણે સરખામણી કરવામાં આવે તો ગુજરાતનો મૃત્યુદર મહારાષ્ટ્ર(૪.૨૪%), રાજસ્થાન (૨.૦૫%), ઉત્તરપ્રદેશ (૧.૫૧%) અને તામિલનાડુ(૧.૨૪%) કરતા ઘણો વધારે છે. આ તમામ રાજયોમાં ૧૫૦૦ કરતા વધારે કેસ નોંધાયેલ છે. દેશના તમામ રાજયો પૈકી ફકત મધ્યપ્રદેશ ૪.૯૩ ટકા મૃત્યુદર સાથે ગુજરાત કરતા આગળ છે.

આ કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નહેરાએ એવા તમામ નાગરીકો જેમની ઉંમર ૬૦ વર્ષ કરતા વધારે છે અને તેમને ડાયાબિટિઝથી લઈને બ્લડપ્રેશર જેવી અન્ય બિમારીઓ છે. તેમને ખાસ સારસંભાળ રાખવા કહ્યું છે. તેમણે કહ્યું કે, 'યુવા દર્દીઓ ટ્રિટમેન્ટને રિસ્પોન્સ આપે છે અને રિકવર થઈ રહ્યા છે. આપણે વૃદ્ઘોનું વધુ ધ્યાન રાખવાનું છે. આ પરિસ્થિતિ હજુ થોડો સમય આમ જ રહેશે જેથી આપણે ઘરની અંદર જ રહેવું હિતાવહ છે.'

સોમવારે ગુજરાતમાં ૨૪૭ જેટલા નવા કેસ નોંધાયા જે સાથે રાજયમાં કોવિડ-૧૯ સંક્રમિતોની સંખ્યા ૩૫૪૮ પહોંચી ગઈ છે. ગઈકાલે નોંધાયેલા ૨૪૭ નવા કેસ પૈકી ૧૯૭ જેટલા કેસ તો એકલા અમદાવાદમાંથી છે. જયારે ૩૦ જેટલા કેસ સુરતમાંથી છે.

(11:28 am IST)