Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

પ્રશાસન જ સારી રીતે આપત્તિને હેન્ડલ કરી શકેઃ બોબડે

લોકોનું જીવન સંકટમાં હશે તો કરશું હસ્તક્ષેપઃ ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા

નવી દિલ્હીઃ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડેએ મીડીયા સાથેની વાતચીત દરમિયાન કોરોના વાયરસ સામે લડવામાં સુપ્રિમ કોર્ટની ભૂમિકા અને લોકડાઉનના કારણે હેરાન લોકો અંગેના મુદ્દાઓ પર સવાલોના જવાબ આપ્યા હતા.

બોબડેએ કહ્યું કે મહામારી અથવા કોઈ આપત્તિને પ્રશાસન જ સારી રીતે નિયંત્રીત કરી શકે. તેમણે કહ્યુ કે લોકો, નાણા અને સામગ્રીનો કેવી રીતે ઉપયોગ કરવો અને કોને પ્રાથમિકતા આપવી ? એ નક્કી કરવાની જવાબદારી પણ પ્રશાસનની જ છે. તેમણે પ્રશાસન પર પોતાનો વિશ્વાસ વ્યકત કરતા કહ્યું કે પ્રશાસન લોકોના જીવને જોખમમાં ન મુકી શકે અને જો આવુ થશે તો અમે હસ્તક્ષેપ કરશું.

સીજેઆઈ બોબડે એ સંકટના સમયે લોકશાહીના ત્રણેય અંગોએ મળીને કામ કરવા પર ભાર મુકતા કહ્યુ કે અત્યારે સંકટના સમયે ત્રણેય અંગોએ સાથે મળીને કામ કરવુ જોઈએ અને અમે અમારા બધા પ્રયત્નો કરશું. અમે બધાને આશ્રય, ભોજન અને આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરાવવાના પ્રયત્નો કર્યા છે પણ અમે ફિલ્ડ પર નથી.

લોકડાઉન દરમિયાન લોકોને પડી રહેલી તકલીફ અંગેના એક સવાલના જવાબમાં તેમણે કહ્યુ કે જ્યારે અધિકારોના અતિક્રમણની વાત આવશે ત્યારે અમે હસ્તક્ષેપ કરશું પણ દરેક વખતે અને દરેક વાતમાં નહીં.

(11:31 am IST)