Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

કોરોના ગુજરાત-મહારાષ્ટ્રમાં તાંડવ મચાવે છેઃ બે રાજ્યોમાંથી જ ૪૧ ટકા જેટલા દર્દીઓ

૮૫ જીલ્લાઓમાં ૧ પખવાડીયાથી એકેય નવા કેસ નથી

નવી દિલ્હી, તા. ૨૮ :. કોરોના વાયરસનો ભારતમાં હુમલાનો પહેલો તબક્કો ભલે દક્ષિણ ભારતના કેરળ અને કર્ણાટક જેવા રાજ્યોથી શરૂ થયો, પણ પશ્ચિમ ભારતના બે મોટા રાજ્યો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તે વિકરાળ બની ચૂકયો છે. ભારતના કુલ કોરોના દર્દીઓમાંથી ૪૧ ટકા મહારાષ્ટ્ર અને ગુજરાતના જ છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરીયાણા સહિત ઉત્તર ભારતના છ મોટા રાજ્યોના દર્દીઓ જેટલા દર્દીઓ ફકત મહારાષ્ટ્રમાં છે.

દેશના બે સૌથી મોટા ઔદ્યોગિક રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓનો આંકડો ૧૧૩૬૯ ઉપર પહોંચી ગયો છે. તેમાથી ૮૦૬૮ દર્દી મહારાષ્ટ્રના અને ૩૩૦૧ ગુજરાતના છે. ગુજરાતમાં પહેલો કેસ ૧૯ માર્ચે આવ્યો હતો પણ ત્યારથી લોકડાઉનના ૪૦ દિવસમાં ૯૯ ટકાનો વધારો થયો છે.

યુપી, રાજસ્થાન, પંજાબ, જમ્મુ કાશ્મીર, દિલ્હી અને હરીયાણા ઉત્તર ભારતના આ ૬ રાજ્યોમાં કુલ ૮૦૮૦ કેસ છે. ૩૦ કરોડ વસ્તીવાળા ત્રણ રાજ્યો રાજસ્થાન, દિલ્હી અને યુપીમાં લગભગ બે - બે હજાર છે.

દેશના પૂર્વ ભાગમાં બંગાળ, બિહાર અને ઝારખંડ આ ત્રણ રાજ્યો સૌથી વધારે અસરગ્રસ્ત છે. જેમાં બંગાળની સ્થિતિ વધારે ચિંતાજનક છે ત્યાં લોકડાઉનના નિયમોનું બરાબર પાલન ન થતું હોવાથી કેન્દ્ર ચિંતિત છે. કેન્દ્ર સરકારનો દાવો છે કે દેશમાં ૮૫ જીલ્લાઓમાં છેલ્લા ૧૪ દિવસથી કોરોનાનો એક પણ નવો કેસ નથી આવ્યો. ૧૬ જીલ્લાઓ એવા છે જ્યાં છેલ્લા ૨૮ દિવસથી નવો દર્દી નથી આવ્યો. કેટલાક જીલ્લાઓ એવા પણ છે, જ્યાં ૨૮ દિવસ પછી નવા કેસો જાહેર થયા છે. જેમાં યુપીના પીલીભીત અને પંજાબના એસબીએસ નગર સામેલ છે. દેશમાં સાથ થઈને પાછા ફરવાના દરમાં પણ સતત સુધારો થઈ રહ્યો છે. આ દર વધીને ૨૨.૧૭ ટકાએ પહોંચી ગયો છે.

(11:26 am IST)