Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

૬૦ ટકા પરિવારો પાસે સપ્તાહ ચાલે તેટલુ જ અનાજ

ચોંકાવનારો સર્વે : ૭૬ ટકા પરિવારોની આવક બંધ થઇ ગઇ : ૮૦ ટકા પાસે રાશન કાર્ડ હોવા છતાં ૫૩ ટકા એ જ ૧ માસનું રાશન લીધું: સર્વેમાં ઓછી આવક વાળા પરિવારોને આવરી લેવાયા

અમદાવાદ તા. ૨૮ : લોકડાઉન લંબાયા બાદ ઓછી આવક ધરાવતા લોકો પર તેની કેવી અસર પડી? આ મામલે IIM અમદાવાદના વોલેન્ટીયર્સ દ્વારા ૧૦થી ૨૨ એપ્રિલ વચ્ચે ૧૧૦ જેટલા ઘરોમાં કરાયેલા સર્વે મુજબ અંદાજે ૭૬ ટકા લોકો પાસે હવે કાયમી આવકનો કોઈ  સ્ત્રોત નથી રહ્યો. આ પહેલા લોકડાઉનના પહેલા ફેઝમાં આ જ પ્રકારનો સર્વે ૫૦૦ જેટલા ઘરોને આવરીને કરવામાં આવ્યો હતો. જેમાં પણ આવા જ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. IIM-Aના પ્રોફેસર અંકુર સરિન દ્વારા આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

આ સર્વેનો હેતુ લોકડાઉનના સમયમાં ઓછી આવક ધરાવતા પરિવારો બદલાતી પરિસ્થિતિનો કેવી રીતે સામનો કરી રહ્યા છે તે જાણવાનો હતો. સરિન કહે છે, આ સર્વેમાં પ્રાથમિક રિસ્પોન્ડન્ટ્સ તરીકે બસ, વાન અથવા ઓટો ડ્રાઈવર્સ, દૈનિક વેતન કામદારો, પ્લમ્બર્સ, હાથલારી ખેંચનારા અને શાકભાજી તથા ફળ વિક્રેતાઓ હતા તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા જણાવે છે. સર્વે દરમિયાન ઘણા પરિવારોએ દાવો કર્યો કે, તેમણે પરિવારના નાના સભ્યો માટે પોતે રોજ દૂધ પીવાનું તથા ખાવાનું ઓછું કર્યું છે. કેટલાક સભ્યોએ જણાવ્યું કે, તેઓ કોમ્યુનિટી કિચનમાંથી આવતી ખીચડી પર જ નિર્ભર છે. આ પહેલા કરાયેલા સર્વેમાં ઉલ્લેખ કરાયો હતો કે ચાર વોર્ડમાં અન્ય રાજયોમાં ૪૫૦૦ કામદાર મળ્યા હતા. આથી શહેરના ૪૮ વોર્ડમાં આ આંકડો વધારે હોઈ શકે છે. કોઈપણ પ્રકારની આવક ન હોવાના કારણે તેમણે ફૂડ માટે અન્ય લોકો પર નિર્ભર રહેવું પડે છે.

સર્વેથી શું જાણવા મળ્યું ? આવકની અનિશ્ચતતા

.   ભવિષ્યની આવક અને ટેલિફોન, લાઈટબિલ જેવા બિલો ન ભરી શકવાને લઈને ચિંતા

.   ઘણા લોકોએ પોતાની સામાન્ય જરૂરિયાતો પૂરી કરવા માટે લોન લીધી છે.

ફૂડની ઉપલબ્ધતા

.   સર્વેમાં ૬૦ ટકા લોકોએ કહ્યું કે, તેમની પાસે હવે માત્ર એક અઠવાડિયું ચાલે તેટલું જ રાશન બચ્યું છે. આ પહેલા ૪૪ ટકા લોકોએ આવું જણાવ્યું હતું.

.   માત્ર ૧૩ ટકા લોકોએ જણાવ્યું કે તેઓ ૨-૪ અઠવાડિયા સુધી કોઈપણ મદદ વિના જીવી શકે છે.

સરકારી રાશનની દુકાનો

.   ૮૦ ટકા લોકો પાસે રાશન કાર્ડ હોવા છતાં માત્ર ૫૩ ટકા લોકોએ જ એક મહિનાનું રાશન લીધું છે.

.   તેમાંથી કેટલાક લોકોએ જણાવ્યું કે, તેઓ રાશનની દુકાને ઘણીવાર ગયા, પરંતુ પહોંચે તે પહેલા જ અનાજનો જથ્થો ખતમ થઈ ગયો.

.   ૧૦ લોકોએ કહ્યું કે, તેના કાર્ડમાં NFSA સ્ટેમ્પ ન હોવાથી તેમને રાશન ન આપવામાં આવ્યું.

.   કેટલાક લોકોએ પ્રોમિસ કરેલી કવોન્ટીટી કરતા ઓછું અનાજ મળતું હોવાનું જણાવ્યું.

શું સમાધાન કરવું જોઈએ

.   વધારેથી વધારે કોમ્યુનિટી કિચન શરૂ કરવા જોઈએ. કામદારો રસ્તા પરની રેકડી કે દુકાનો પર મળતા ફૂડ પર નિર્ભર હતા. પરંતુ હવે કોઈ લોકડાઉનના કારણે તેમને ભોજન મળતું નથી.

.   આ માટે કેરળનું કુદુમ્બશ્રી મોડલ અપનાવવું જોઈએ, જયાં લોકો કોમ્યુનિટી રસોડું ચલાવતા અને મેનેજ કરતા હોય.

.   કામદારોને સ્કૂલ અને કોમ્યુનિટી હોલ જેવા કામચલાઉ શેલ્ટર્સમાં લાવવા જોઈએ. જેમાં પૂરતી સોશિયલ ડિસ્ટન્સિંગની જગ્યા હોય

(11:26 am IST)