Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

ગુડ ન્યુઝ... ભારતમાંથી ૨૬ જુલાઈ સુધીમાં કોરોનાનો ખાત્મો

સમગ્ર વિશ્વ કોરોનાથી ત્રાહીમામ પોકારી ઉઠયુ છે ત્યારે સિંગાપુરના સંશોધનકારોએ આપ્યા રાહતના સમાચારઃ વિશ્વમાંથી કોરોના વાયરસનો ૧૦૦ ટકા ખાત્મો ડીસેમ્બર સુધીમાં: ભારતમાં કોરોનાના ૯૭ ટકા કેસ ૨૨મી મે સુધીમાં, ૯૯ ટકા કેસ ૧લી જૂન અને ૧૦૦ ટકા કેસ ૨૬ જુલાઈ સુધીમાં સમાપ્ત થઈ જશેઃ ચીન અંગે સંશોધનકારોએ સચોટ અનુમાન આપ્યુ હતુઃ સમગ્ર વિશ્વમાંથી કોરોનાના ૯૭ ટકા કેસ ૩૦ મે સુધી, ૯૯ ટકા કેસ ૧૭ જૂન સુધીમાં અને ૧૦૦ ટકા કેસ ૯ ડીસે. ૨૦૨૦ સુધીમાં સમાપ્ત થઈ જશે

નવી દિલ્હી, તા. ૨૮ :. કોરોના વાયરસથી સમગ્ર વિશ્વ ત્રાહીમામ પોકારી ઉઠયુ છે. આ વાયરસે અત્યાર સુધીમા ૨ લાખ લોકોનો ભોગ લીધો છે અને ૩૦ લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે. વિશ્વની અડધી વસ્તી ઘરોમાં કેદ છે. કેટલાક દેશોમાં લોકડાઉનમા છૂટ આપવામાં આવી છે પરંતુ તમામ લોકોના મનમાં એક જ સવાલ છે કે આખરે કોરોનાથી વિશ્વને કયારે મુકિત મળશે ? લોકડાઉન કયારે પુરૂ થશે ? આ બધા સવાલો વચ્ચે સિંગાપુરથી એક ગુડ ન્યુઝ આવ્યા છે. સિંગાપુર યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી એન્ડ ડીઝાઈનના સંશોધનકારોએ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ ડ્રીવેન ડેટા એનાલીસીસ થકી જણાવ્યુ છે કે વિશ્વમાંથી કોરોના વાયરસ કયારે નાબુદ થશે ? અભ્યાસ અનુસાર વિશ્વના તમામ દેશોમાંથી કોરોનાનો અંત ૯ ડીસેમ્બર ૨૦૨૦ સુધીમા થઈ જશે. ભારતમાં કોરોનાથી મુકિત ૨૬ જુલાઈ સુધીમાં મળી જશે. અમેરિકામાં ૨૭ ઓગષ્ટ સુધીમાં કોરોના નાબુદ થવાનુ અનુમાન છે તો સ્પેનમાં ૭ ઓગષ્ટ અને ઈટાલીમાં ૨૫ ઓગષ્ટ સુધીમા કોરોના સમાપ્ત થઈ જશે.

સંશોધનકારોએ આ મહામારીની સમાપ્તિ થવાના ૩ અનુમાનિત સમય બતાવ્યા છે. જે અનુસાર ૯૭ ટકા કયારે સમાપ્ત થશે, ૯૯ ટકા અને ૧૦૦ ટકા કયારે સમાપ્ત થશે ? વિશ્વના દરેક દેશમાંથી કોરોના સમાપ્ત થવાનો સંભવિત સમય પણ દર્શાવાયો છે. સંશોધનકારોએ સ્પષ્ટ કર્યુ છે કે અમારા અનુમાનની સમય સીમામાં થોડો ઘણો ફેરફાર સંભવ છે, કારણ કે અનુમાન અનુસાર ચીનમાં કોરોના સમાપ્ત થવાનો સમય ૯ એપ્રિલ ૨૦૨૦ આપવામાં આવ્યો હતો. એ જ દિવસે વુહાનમાં લોકડાઉન ખોલવામાં આવ્યુ હતુ. જો કે ચીનમાં હજુ કેસ આવી રહ્યા છે પરંતુ તેની સંખ્યા ઓછી છે.

સંશોધનકારોએ આ અનુમાન વિશ્વભરમાં રોજ કોરોનાના આવી રહેલા કેસો, મોત અને ફીટ થનાર દર્દીઓના આંકડાઓનો તુલનાત્મક અભ્યાસ કરી લગાવ્યુ છે. જે અનુસાર વિશ્વમાંથી કોરોનાના ૯૭ ટકા કેસ ૩૦મી મે સુધીમાં, ૯૯ ટકા કેસ ૧૭ જૂન સુધીમાં અને ૧૦૦ ટકા કેસ ૯ ડીસે. ૨૦૨૦એ સમાપ્ત થઈ જશે. ભારતમાં કોરોનાના ૯૭ ટકા કેસ ૨૨ મે સુધી, ૯૯ ટકા કેસ ૧લી જુન અને ૧૦૦ ટકા મામલા ૨૬ જુલાઈ સુધીમાં પુરા થઈ જશે. જો અમેરિકાની વાત કરીએ તો ત્યાં ૯૭ ટકા કેસ ૧૨ મે સુધી, ૯૯ ટકા કેસ ૨૪ મે સુધી અને ૧૦૦ ટકા કેસ ૨૭ ઓગષ્ટ સુધીમાં સમાપ્ત થવાનું અનુમાન છે.  કોરોનાને નિપટવાનો હજુ કોઈ નક્કર ઈલાજ સામે નથી આવ્યો પરંતુ વૈજ્ઞાનિકોએ આવો દાવો કર્યો છે. જેનાથી નવી આશા જાગી છે.

(11:25 am IST)