Gujarati News

Gujarati News

News of Saturday, 28th April 2018

ભારતમાં ધાર્મિક સ્વાતંત્ર્ય જોખમમાં, ભગવાકરણ જોરમાં: અમેરિકા

અમેરિકન સંસ્થાનો આકરો રિપોર્ટઃ ભગવાકરણ માટે હિંસાઃ વડાપ્રધાન મોદીજી વિરોધ કરે છે, પણ ભાજપના જ લોકો - હિન્દુ સંગઠનો ઉગ્ર બન્યાઃ વિવાદ સર્જાવાના એંધાણ

નવી દિલ્હી તા. ૨૮ : અમેરિકન સંસ્થા યુએસ કમિશન ઓન ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ (યુએસસીઆઈઆરએફ)એ ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાના સતત ઘટતા સ્તર અંગે આકરી ટીકા કરી છે. અમેરિકાની આ સંસ્થાએ ધર્મની આઝાદીના મામલે ભારતને ૨-ટીઅર શ્રેણીમાં રાખ્યું છે, જેમાં અનેક અજીબ દેશો સામેલ છે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતના જમણેરી રાષ્ટ્રવાદીઓએ 'ભગવાકરણ' કરવાની કોશિશમાં હિંસા, બિનહિન્દુઓ અને દલિત હિન્દુઓ પર અત્યાચાર કર્યા છે. આ રિપોર્ટ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભીડ દ્વારા કરાયેલી હિંસાની ભલે ટીકા કરી હોય પણ તેમની જ પાર્ટીના સભ્યો ઉગ્ર હિન્દુ સંગઠનો સાથે સંકળાયેલા છે અને તેમાંથી અનેક લોકોએ ધાર્મિક લઘુમતીઓ વિરુદ્ઘ અયોગ્ય ભાષાનો ઉપયોગ કર્યો છે..

યુએસસીઆઈઆરએફએ કહ્યું છે કે ઉત્ત્।રપ્રદેશ, આંધ્રપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ગુજરાત, ઓડિશા, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનની પરિસ્થિતિઓ ધર્મની આઝાદીના મામલે ઘણી જ બદતર છે. રિપોર્ટ અનુસાર આ જ ચિંતાને જોઈને ભારતને ટીઅર-૨ શ્રેણીમાં રાખવામાં આવ્યું છે, જેમાં ધાર્મિક હિંસા અને અસહિષ્ણુતા જેવી ઘટનાઓ બની છે.અમેરિકાના આ રિપોર્ટે ભારતને એ દેશોની શ્રેણીમાં રાખ્યું છે, જયાં ધર્મની આઝાદી અંગે હિંસા થાય છે. ભારત સાથે ટીઅર-૨ની શ્રેણીમાં અફઘાનિસ્તાન, આઝરબેજાન, બહેરિન, કયુબા, ઈજિપ્ત, ઈન્ડોનેશિયા, ઈરાક, કઝાકિસ્તાન, લાઓસ, મલેશિયા અને તુર્કી જેવા દેશો સામેલ છે.

જો કે, આ રિપોર્ટે દેશની સુપ્રીમ કોર્ટ, લઘુમતી મંત્રાલય અને લઘુમતીઓ માટે રાષ્ટ્રીય પંચ દ્વારા લઘુમતીઓની રક્ષા કરવા માટે અને અસહિષ્ણુતાને પડકાર આપવા માટે પ્રશંસા કરી છે. આ રિપોર્ટ અંગે હાલ ગૃહ મંત્રાલયે કોઈ અધિકૃત નિવેદન આપ્યું નથી. આ રિપોર્ટ અનુસાર, ભારતમાં ૨૦૧૭માં ધાર્મિક આઝાદીની સ્થિતિનું સ્તર નીચું હોવાનું જણાવાયું હતું. જે પ્રવાહ હજુ પણ ચાલુ છે. ભારતમાં ગૌહત્યા અને ધર્માંતરણ જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કરાયો છે. USCIRFએ આ રિપોર્ટમાં અમેરિકન સરકારને એવો અનુરોધ કર્યો છે કે તે ભારત પર દબાણ કરે કે યુએસસીઆઈઆરએફની ટીમને મુલાકાત માટે મંજૂરી આપે. ઉલ્લેખનીય છે કે ભારત સરકાર USCIRFના આ રિપોર્ટને શરૂઆતથી જ નકારતી આવી છે.(૨૧.૨૬)

(4:07 pm IST)