Gujarati News

Gujarati News

News of Saturday, 28th April 2018

રિલાયન્સનો ત્રિમાસિક ચોખ્ખો નફો ૧૭.૩ ટકા વધીને રૂ. ૯૪૩૫ કરોડ

રેકોર્ડ બ્રેક રૂ. ૩૬,૦૭૫ વાર્ષિક કરોડો ચોખ્ખો નફો

જામનગર તા. ૨૮ : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે ૩૧,માર્ચ ૨૦૧૮ના પૂરા થયેલા ચોથા ત્રિમાસિક અને સંપૂર્ણ નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ના પ્રોત્સાહક પરિણામ હાંસલ કર્યા છે. કોન્સોલિડેટેડ ધોરણે કંપનીનો ચોથા ત્રિમાસિકમાં ચોખ્ખો નફો ગત વર્ષના સમાનગાળાના રૂ.૮૦૪૬ કરોડની તુલનાએ ૧૭.૩ ટકા વધીને રૂ.૯૪૩૫ કરોડ અને કુલ આવક રૂ.૯૨,૮૮૯ કરોડની તુલનાએ ૩૯ ટકા વધીને રૂ.૧,૨૯,૧૨૦ કરોડ થયા છે. જયારે સંપૂર્ણ નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮નો ચોખ્ખો નફો રૂ.૨૯,૯૦૧ કરોડની તુલનાએ ૨૦.૬ ટકા વધીને રૂ.૩૬,૦૭૫ કરોડ અને કુલ આવક રૂ.૩,૩૦,૧૮૦ કરોડની તુલનાએ ૩૦.૫ ટકા વધીને રૂ.૪,૩૦,૭૩૧ કરોડ હાંસલ કર્યા છે. કંપનીએ બેરલ દીઠ ૧૧ ડોલર ગ્રોસ રિફાઈનીંગ માર્જિન(જીઆરએમ) હાંસલ કર્યું છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર મુકેશ ડી. અંબાણીએ કંપનીના પરિણામ વિશે જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ રિલાયન્સ માટે સીમાચિન્હરૂપ વર્ષ રહ્યું છે. કંપનીએ બન્ને ઓપરેટીંગ અને નાણાકીય માપદંડોની રીતે ઘણા રેકોર્ડ સર્જયા છે. રિલાયન્સ રેકોર્ડ ૧૦ અબજ ડોલરથી વધુ પીબીડીઆઈટી હાંસલ કરનાર ભારતની પ્રથમ કંપની બની છે, જેમાં કંપનીના પ્રમુખ બિઝનેસો રિફાઈનીંગ, પેટ્રોકેમિકલ્સ, રીટેલ અને ડીજીટલ સર્વિસિઝે રેકોર્ડ કમાણીની કામગીરી નોંધાવી છે.

કંપનીએ રીટેઈલીંગ અને ડીજીટલ સર્વિસિઝ બિઝનેસમાં વિશ્વકક્ષાની ચેઈન મેનેજમેન્ટ તેમ જ નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રકચર સાથે મજબૂત પાયા સ્થાપિત કર્યા છે. કંપનીએ કુલ રિફાઈનીંગ માર્જિન(જીઆરએમ) ગત વર્ષના સમાનગાળાના બેરલ દીઠ ૧૧.૫ ડોલરની તુલનાએ આ વખતે દ્યટીને ૧૧ ડોલર હાંસલ કર્યું છે. રીફાઈનીંગ અને માર્કેટીંગ બિઝનેસની ત્રિમાસિક આવક રૂ.૭૨,૦૪૫ કરોડની તુલનાએ ૨૯.૮ ટકા વધીને રૂ.૯૩,૫૧૯ કરોડ થઈ છે. કંપનીએ ક્રુડનું રીફાઈનીંગ ૧૭૫ લાખ ટનની તુલનાએ ઘટીને ૧૬૭ લાખ ટન કર્યું છે. પેટ્રોકેમિકલ્સ બિઝનેસની આવક રૂ.૨૬,૪૭૮ કરોડની તુલનાએ ૪૩.૯ ટકા વધીને રૂ.૩૮,૧૧૩ કરોડ હાંસલ કરી છે.

ભારતમાં પેટ્રોકેમિકલ્સનું ઉત્પાદન ૬૨ લાખ ટનથી વધીને ૮૮ લાખ ટન થયું છે. ઈબીટા માર્જિન ૧૩ ટકાથી વધીને ૧૬.૯ ટકા મેળવ્યું છે. ઓઈલ અને ગેસ બિઝનેસની આવક રૂ.૧૩૦૯ કરોડની તુલનાએ ૪૩ ટકા ઘટીને રૂ.૭૪૬ કરોડ થઈ છે. સંગઠિત-ઓર્ગેનાઈઝડ રીટેલ બિઝનેસની ત્રિમાસિક આવક રૂ.૧૦,૩૩૨ કરોડની તુલનાએ ૧૩૪.૧ ટકા વધીને રૂ.૨૪,૧૮૩ કરોડ અને વાર્ષિક આવક રૂ.૩૩,૭૬૫ કરોડની તુલનાએ ૧૦૪.૯ ટકા વધીને રૂ. ૬૯,૧૯૮ કરોડ થઈ છે. રીટેલ બિઝનેસમાં ઈબીટા માર્જિન ૨.૪ ટકાથી વધીને ૩.૯ ટકા હાંસલ કર્યું છે. રીટેલ બિઝનેસમાં ઓપરેશન હેઠળનો વિસ્તાર ૧૩૫ લાખ ચોરસ ફૂટથી વધીને ૧૭૭ લાખ ચોરસ ફૂટ થયો છે. મીડિયા બિઝનેસમાં કંપનીએ ત્રિમાસિક આવક રૂ.૩૮૮ કરોડથી ૧૧૨.૬ ટકા વધીને રૂ.૮૨૫ કરોડ હાંસલ કરી છે. જે વાર્ષિક આવક રૂ.૧૪૯૧ કરોડથી ૨૩.૩ ટકા વધીને રૂ.૧૮૩૯ કરોડ થઈ છે. ડીજીટલ સર્વિસિઝ બિઝનેસમાં કંપનીની ત્રિમાસિક આવક રૂ.૧૫૪ કરોડની તુલનાએ રૂ.૮૪૨૧ કરોડની થઈ છે.

જયારે સંપૂર્ણ નાણાકીય વર્ષમાં આવક રૂ.૨૩,૯૧૬ કરોડની હાંસલ કરી છે. સબસ્ક્રાઈબરોની સંખ્યા ૧૦.૮૯ કરોડની તુલનાએ વધીને ૧૮.૬૬ કરોડ થઈ છે. રિલાયન્સ જીઓ દ્વારા કમર્શિયલ ધોરણે કામગીરીના પ્રથમ વર્ષમાં રૂ.૭૨૩ કરોડનો ચોખ્ખો નફો હાંસલ કર્યો છે. ચોથા ત્રિમાસિકમાં ડાટા વપરાશ રેકોર્ડ ૫૦૬ કરોડ જીબી નોંધાયો છે. રિલાયન્સ જીઓની સર્વિસિઝનું ત્રિમાસિક મૂલ્ય રૂ.૮૧૧૪ કરોડની તુલનાએ ૩.૬ ટકા વધીને રૂ.૮૪૦૪ કરોડ થયું છે. ઓપરેટીંગ આવક રૂ.૬૮૭૯ કરોડની તુલનાએ ૩.૬ ટકા વધીને રૂ.૭૧૨૮ કરોડ અને ચોખ્ખો નફો રૂ.૫૦૪ કરોડની તુલનાએ ૧.૨ ટકા વધીને રૂ.૫૧૦ કરોડ થયો છે.(૨૧.૧૦)

(12:12 pm IST)