Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

હવે એઆઇની મદદથી પાસપોર્ટનું ફોર્મ ભરી શકાશેઃ સ્‍પેલિંગ કે ફોટામાં ભુલ હશે તો સિસ્‍ટમ થાણ કરશે

વિગતો ભરતા ગુનાહિત ઇતિહાસ હશે તો અરજદારને જાણ કરશે

નવી દિલ્‍હીઃ વિદેશ જવા માટે તમારી પાસે પાસપોર્ટ હોવો જરૂરી છે. તમે વિદેશ જાઓ કે ન જાઓ પણ તમારી પાસે પાસપોર્ટ હોવો જોઈએ. કારણકે, પાસપોર્ટ એક એવો પુરાવો છે જે દુનિયાભરમાં બધે જ વેલિડ ગણાય છે. એમાંય હવે આપણાં ત્યાં પાસપોર્ટની પ્રક્રિયા પહેલાં કરતા વધુ સરળ બની ગઈ છે. હવે તમારે પાસપોર્ટ કઢાવવા માટે જાતે ફોર્મ પણ ભરવાની જરૂર નહીં પડે. તમને થશે કે તો પછી ફોર્મ કઈ રીતે ભરાશે...તો એનો જવાબ છે AI, આર્ટીફિશ્યલ ઈન્ટેલિજન્સ. જીહાં હવે AI ની મદદથી પાસપોર્ટનું ફોર્મ ભરાઈ જશે. નામ, સ્પેલિંગ કે ફોટોમાં ભૂલ હશે તો પણ સામે થી સિસ્ટમ તમને જાણ કરશે.

હવે એઆઇ ફ્રેશ પાસપોર્ટની ઓનલાઇન અરજી કરતા અરજદારોની તમામ માહિતી આપોઆપ લઇ લેશે. જ્યારે રિન્યુ પાસપોર્ટ માટે જો અરજદારો પાસપોર્ટ, મોબાઇલ નંબર, સાચું મેલ આઇડી નાંખશે તો તુરંત જ તમામ ડેટા ઓપન થઇ જશે અને ફોર્મમાં ભરાઇ જશે. કોઇ ગુનાઇત ઇતિહાસ ધરાવતા અજદારોને કોઇ છુપાવી શકશે નહીં અને જો તે પ્રયાસ કરશે તો કાઉન્ટર પર એઆઇથી પકડાઇ જશે. પાસપોર્ટ સેવા કેન્દ્રમાં એ-બી-સી એમ ત્રણ કાઉન્ટર આખી પાસપોર્ટ સંબંધિત પ્રક્રિયા પૂર્ણ કરવામાં એક અરજદારને 45 મિનિટ જેટલો સમય લાગે છે તે હવે ઘટી ફક્ત 25 મિનિટ થઇ જશે.

ડીજી લોકરમાંથી આપોઆપ વિગતો મેળવી લેશે AI:

હવે પાસપોર્ટ અરજીની પ્રક્રિયામાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું આગમન થઈ ગયું છે. નવા ફેરફાર મુજબ હવે પાસપોર્ટ અરજી આપતી વખતે અરજદારે પાસપોર્ટ ફોર્મ જાતે ભરવું નહીં પડે. એઆઇ ટેક્નોલોજી જાતે જ અરજદારની વિગતો ડીજી લૉકરમાંથી મેળવીને ફોર્મ ભરી આપશે. પાસપોર્ટ સંબંધિત ઓનલાઇન અરજી માટે ઉપયોગમાં લેવાતા ટીસીએસના સોફ્ટવેરમાં મોટા પાયે ફેરફાર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં પ્રથમ વખત વર્ઝન-2 આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરવામાં આવશે. તે અંતર્ગત પાસપોર્ટ સેવા કેન્દ્ર પર કામ કરતા કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

પાસપોર્ટ પ્રક્રિયામાં AI કરી દેશે તમામ જરૂરી સુધારાઃ

રિન્યુ પાસપોર્ટ માટે ઓનલાઇન ફોર્મ ભરતી વખતે અરજદારોને ફરીથી તમામ માહિતી ભરવાની જરૂર પડશે નહીં કેમ કે પાસપોર્ટ, મોબાઇલ નંબર અને ઈમેલ આઇડી નાંખતા જ તમામ વિગતો ઓપન થઇ જશે. જો સુધારાવધારા કરવા હશે તોપણ થઇ શકશે જેથી અરજદારોને ફોર્મ ભરવાનો સમય વેડફાશે નહીં.

એઆઈની મદદથી બદલાઈ જશે પેમેન્ટની પ્રક્રિયાઃ

પાસપોર્ટની ફી હાલમાં ક્રેડિટ, ડેબિટ અને એસબીઆઇ ચલણ મારફતે લેવાય છે પરંતુ એઆઇથી પેમેન્ટની પ્રક્રિયા સરળ કરી ક્યૂઆર કોડ અને ભીમ એપ્લિકેશન દ્વારા અરજદારો ઓનલાઇન પેમેન્ટ સરળ રીતે કરી શકશે અને ખૂબ જ ઓછા સમયમાં ફોર્મ ભરાઇ જશે.

ફોટો પણ આપમેળે સેટ થઈ જશેઃ

હાલમાં ચાર પેજના આખા માળખામાં વિગતો ભરવામાં સમય લાગે છે હવે ઓનલાઇન ફોર્મેટ બદલીને એઆઇના માધ્મથી બે પેજનું સરળ કરાતા સમય બચશે. જો અરજદાર પાસપોર્ટની ગાઇડલાઇન મુજબ વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં ક્વોલિટી મુજબ ફોટો અપલોડ કરશે તો એઆઇ ઓટોમેટિક એપ્રૂવડ કરી દેશે. આ સિસ્ટમથી સ્ટાફની અછત વચ્ચે પણ કામ ઝડપી થશે.

(6:20 pm IST)