Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

કેજરીવાલને મુખ્‍યમંત્રી પદેથી હટાવવાની અરજી દિલ્‍હી હાઈકોર્ટે ફગાવી

નવી દિલ્‍હી, તા.૨૮: દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલને મુખ્‍યમંત્રી પદેથી હટાવવાની અરજી હાઈકોર્ટમાં ફગાવી દેવામાં આવી છે. વાત જાણે એમ છે કે, દિલ્‍હી હાઈકોર્ટનું કહેવું છે કે આ એક રાજકીય મામલો છે, જે ન્‍યાયતંત્રની મર્યાદામાં નથી આવતો. તેથી આમાં ન્‍યાયિક હસ્‍તક્ષેપની જરૂર નથી.

દિલ્‍હી હાઈકોર્ટે કહ્યું કે, આ મામલો કારોબારીના અધિકારક્ષેત્રમાં છે. અમે તેની ન્‍યાયિક સમીક્ષા કરી શકતા નથી. કોર્ટે પૂછયું કે શું એવી કોઈ કાનૂની જવાબદારી છે કે જેના હેઠળ કેજરીવાલને કસ્‍ટડીમાં આવ્‍યા બાદ હટાવવાની જરૂર છે. તેના પર અરજદારે કહ્યું કે, આવી સ્‍થિતિમાં રાષ્‍ટ્રપતિ અથવા લેફ્‌ટનન્‍ટ ગવર્નરે વિચાર કરીને દરમિયાનગીરી કરવી જોઈએ.

કોર્ટે કહ્યું કે આ બધું કાર્યપાલિકાના અધિકારક્ષેત્રમાં છે. ન્‍યાયતંત્રની મર્યાદામાં નથી. અમે તેની ન્‍યાયિક સમીક્ષા કરી શકતા નથી, તેમને તે કરવા દો. આ રાજકીય મામલો છે. તમે નક્કી કરો.

(2:56 pm IST)