Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

ઇલેકટોરલ બોન્ડ માત્ર દેશનું સૌથી મોટું કૌભાંડ નથી પરંતુ વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે

ભાજપની લડાઈ વિરોધ પક્ષો કે અન્ય કોઈ પક્ષો સાથે નહીં હોય, પરંતુ આ મુદ્દાને કારણે ખરી લડાઈ ભાજપ અને ભારતની જનતા વચ્ચે જોવા મળશે : નિર્મલા સીતારમણના પતિનો મોટો દાવો...'મતદારો મોદી સરકારને કડક સજા કરશે'

નવી દિલ્હી,તા. ૨૮: કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણના પતિ અર્થશાસ્ત્રી પરાકલા પ્રભાકરે ઈલેકટોરલ બોન્ડ મુદ્દે મોટી ટિપ્પણી કરી છે. તેમણે દાવો કર્યો કે આ માત્ર દેશનું સૌથી મોટું કૌભાંડ નથી, પરંતુ વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે. ન્યૂઝ ચેનલ 'રિપોર્ટર ટીવી' સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, 'મને લાગે છે કે ઈલેકટોરલ બોન્ડનો મુદ્દો ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો બની જશે. ભાજપની લડાઈ વિરોધ પક્ષો કે અન્ય કોઈ પક્ષો સાથે નહીં હોય, પરંતુ આ મુદ્દાને કારણે ખરી લડાઈ ભાજપ અને ભારતની જનતા વચ્ચે જોવા મળશે.'

નાણાપ્રધાનના પતિ એ પત્રકારને આગળ કહ્યું કે, 'મને લાગે છે કે ચૂંટણી બોન્ડ સંબંધિત મુદ્દો આજની સરખામણીએ વધુ વેગ પકડશે. તે ઝડપથી સામાન્ય લોકો સુધી પહોંચી રહ્યો છે. હવે બધા ધીમે-ધીમે સમજી રહ્યા છે કે આ ભારતનું જ નહીં પણ વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે. આવી સ્થિતિમાં મને લાગે છે કે આ મુદ્દાને કારણે આ સરકારને મતદારો દ્વારા સખત સજા કરવામાં આવશે.'  નાણાપ્રધાનના પતિ પરાકલા પ્રભાકર જાણીતા અર્થશાસ્ત્રી છે. તેમણે ૨૦૧૪થી ૨૦૧૮ સુધી આંધ્ર પ્રદેશ સરકારમાં સેવા આપી હતી, જયારે તેઓ સંચાર સલાહકાર પણ હતા. આંધ્ર પ્રદેશના પશ્યિમ ગોદાવરી જિલ્લાના નરસાપુરમમાં ૨ જાન્યુઆરી, ૧૯૫૯ના રોજ જન્મેલા પરાકલા પ્રભાકર, વર્ષ ૧૯૯૧માં લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિકસ એન્ડ પોલિટિકલ સાયન્સમાં અભ્યાસ કર્યો હતો. આ સિવાય તેમણે કેટલાક પુસ્તકો પણ લખ્યા છે.

ચૂંટણી બોન્ડ દ્વારા ૨૦૧૯થી ૧,૨૭,૬૯,૦૮,૯૩,૦૦૦ રૂપિયા દેશના ઉદ્યોગોમાંથી રાજકીય પક્ષો અને વ્યકિતગત સ્તરે કેટલીક વ્યકિતઓને દાનમાં આપવામાં આવ્યા હતા. આ ખુલાસો ત્યારે થયો જયારે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટના આદેશ પર સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) તરફથી મળેલા ડેટાને વેબસાઈટ પર જાહેર કર્યો હતો. માહિતી અનુસાર, રાજકીય પક્ષોએ પાંચ વર્ષમાં કુલ ૨૦,૪૨૧ ઈલેકટોરલ બોન્ડ રિડિમ કર્યા, જેમાંથી ૧૨,૨૦૭ ૧ કરોડ રૂપિયાના હતા.

૬૦,૬૦,૫૧,૧૧,૦૦૦ રૂપિયાની મહત્ત્।મ રકમ ભાજપને ગઈ છે, જે કુલ રકમની લગભગ અડધી છે. પાર્ટીએ રૂા. ૧ કરોડના ૫,૮૫૪ બોન્ડ અને રૂા. ૧૦ લાખના ૧,૯૯૪ બોન્ડ રિડિમ કર્યા હતા. ૧ લાખ અને ૧૦ હજાર રૂપિયા ઉપરાંત તેણે ૧૦૦૦ રૂપિયાના ૩૧ બોન્ડ પણ રિડિમ કર્યા હતા. બીજા સ્થાને, તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ રૂા. ૧૬,૦૯,૫૦,૧૪,૦૦૦ના ૩,૨૭૫ ઇલેકટોરલ બોન્ડ્સ રિડિમ કર્યા, જેમાં પ્રત્યેક રૂા. ૧ કરોડના ૧,૪૬૭ બોન્ડ અને રૂા. ૧૦ લાખના ૧,૩૮૪ બોન્ડનો સમાવેશ થાય છે.  

(11:28 am IST)