Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

દિપોત્સવ, શિવોત્સવ પછી હવે વૃંદાવનમાં અદ્દભૂત રંગોત્સવ

૪૦ દિવસ ચાલનારા હોળી મહોત્સવમાં રોજ નવારંગ જોવા મળશેઃ૪ માર્ચે અનેક રાજયોના મુખ્ય પ્રધાનો સાથે હોળી રમશે યોગી અદિત્યનાથ

મથુરા તા. ર૮ : યુપીમાં અત્યારે ધાર્મિક મહોત્સ્વોની ધૂમધામ છે. અયોધ્યામાં રામનામની ચર્ચા છે. તો કાશી હજુ પણ શિવમય છે.ગોકુળ રંગોત્સવમાં ડૂબેલું છે.

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે અયોધ્યા, કાશી અને મથુરને નવી આધ્યાત્મિક ઓળખ આપી છે દશેરા, શિવરાત્રી અને હોળીને એક રીતે સરકારી આયોજન બનાવીને લોકોનો ઉત્સાહ બમણો કરી દીધો છે. આમ તો વસંત પંચમી પહેલા જ વૃંદાવનમાં રંગોની ધૂમધામ છે. પણ હોળી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તેમાં વધારો થતો જાય છે.

આ વખતે બરસાનામાં લઠુમાર હોળી ખેલવા મુખ્યપ્રધાન યોગી પોતે આવવાના છે. રાજય સરકાર તરફથી કેટલાક અન્ય રાજયોના મુખ્ય પ્રધાનોને પણ રંગોત્સવનું નિમંત્રણ મોકલાયું છે યોગી સાથે તેમના કેબિનેટ પ્રધાનો પણ હોળી રમતા દેખાશે.

મથુરામાં વસંત પંચમીના તહેવાર પર વૃંદાવન સ્થિત બાંકેબિહારી મંદિરમાં ઠાકોરજીએ પોતાના ભકતો સાથે ગુલાલથી હોળી ખેલી હતી તે દિવસે શ્રદ્ધાળુઓ પર ગુલાલના છાંટણા સાથે ૪૦ દિવસના ફાગ મહોત્સવનો આરંભ થયો હતો અત્યારે વ્રજના લગભગ બધા મંદિરોમાં પોત પોતાની રીતે હોળી મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. દરેક વ્યકિત વાસંતી લેવાશમાં જોવા મળી રહ્યા છે. ભકતો પણ અલગ અલગ મંદિરોમાં કાનુડા સાથે હોળી રમી રહ્યા છે.

ગઇકાલે રમણરેતી ખાતેના ગુરૂ શરણાનંદજી મહારાજના આશ્રમમાં પારંપરિક હોળીનું આયોજન કરાયું હતું અહી કેસુડાના ફુલોના રંગથી હોળી રમવામાંં આવી હતી. વ્રજની હોળીમાં સમાજ ગાયનની ખાસ પરંપરા છે. સમાજ ગાયનમાં હોળી ગીતો અને પદ ગાયન ગવાય છે જે દેશ-વિદેશમાં પ્રખ્યાત વ્રજની હોળીનો એક ભાગ છે. પારંપરિક અંદાજમાં ઠાકોરજી સામે વ્રજવાસીઓ વ્રજભાષામાં હોળીના પદો ગાય છે.

(3:35 pm IST)