Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

સંપત્તિને નમસ્કાર કરવાવાળા બહુ ઓછા, પરંતુ સંસ્કારોને સમગ્ર જગત નમસ્કાર કરે છેઃ પૂ.નમ્રમુનિ મ.સા.

ગાંધીજી સમગ્ર વિશ્વમાં અહિંસા, સત્ય, અસ્તેય જેવાં મૂળભૂત ગુણધર્મો પ્રગટ કરી શકયા તો તેનું કારણ તેમના બાળપણના આસપાસના રહેનારા જૈનો દ્વારા મળેલા સંસ્કાર : દિલ્હીના ગાંધી સ્મૃતિ પરિસરમાં અહિંસા સદભાવના સમ્માન અલંકરણ સમારોહ યોજાયો

રાજકોટ,તા.૨૮:  રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના રાજધાની દિલ્લી આગમનના શુભ અવસર પર ગાંધીજીના સહાદત સ્થાનને સાંભળનાર, શ્રી ગાંધી સ્મૃતિ એવમ્ દર્શન સમિતિ - નવી દિલ્હી, આયોજિત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જયંતીના ઉપક્રમે અહિંસા અને સત્ય ધર્મનો સંદેશ આપતાં અહિંસા સદભાવના સન્માન અલંકરણ સમારોહ, જયાં ગાંધીજીએ તેમનો અંતિમ શ્વાસ લીધો હતો તે ભૂમિ, ગાંધી સ્મૃતિમાં, દિલ્લી ખાતે ઉજવવામાં આવ્યો.

સમગ્ર જગતને સ્વયંના સત્ય અને અહિંસાના ગુણથી પ્રભાવિત કરનાર મહાત્મા ગાંધીજીની ગુણ સ્મૃતિ કરતાં પરમ ગુરુદેવે ફરમાવ્યું કે,  એક બીજ કેટલું પણ સારૃં હોય પરંતુ તેને કેવા પ્રકારની માટીમાં વાવવામાં આવે છે અને કઈ રીતે તેની રક્ષા કરવામાં આવે છે તેના આધાર પર તેની વિકાસ યાત્રા પ્રારંભ થાય છે. એક મહાસત્વશાળી બીજ, ગાંધીજી , જેમનો જયારે પોરબંદરની ધરા પર જન્મ થયો ત્યારે તેમના બાળપણના દિવસોથી જ માતાની સાથે-સાથે આસપાસના પડોશીઓ, જે જૈન પરિવાર હતાં તેઓના ઘરે આવવા-જવાનો, ખાવા- પીવાનો વ્યવહાર હોવાથી ગાંધીજીમાં જૈનોની રહેણી - કરણીના સંસ્કાર આવવાં લાગ્યાં. જેવું અન્ન તેવું મન, જે પ્રકારનાં આસપાસના નિમિત્તો હોય છે તે જ પ્રકારની નિયતિનું સર્જન થાય છે. જો ગાંધીજી સમગ્ર વિશ્વને અહિંસા, સત્ય, અસ્તેય જેવા મૂળભૂત ગુણધર્મોને પ્રદાન કરી શકયાં હોય તો તેનું કારણ છે તેમનાં બાળપણના આસપાસના જૈનો દ્વારા મળેલા સંસ્કાર.

ગાંધીજીના જીવનમાં જૈનત્વના સંતોનો જબરદસ્ત પ્રભાવ હતો. ગોંડલ સંપ્રદાયના પૂજયશ્રી બેચરદાસજી સ્વામી, જેમના માટે ગાંધીજીએ સ્વયંની આત્મકથામાં લખ્યું છે 'મારા જીવનને અગર કોઈએ મહાન બનાવ્યું હોય અને અહિંસા, સદભાવનાથી જોડી રાખ્યું હોય તો તે ત્રણ પ્રતિજ્ઞાઓ  હતી, જે પૂજય બેચરદાસજી સ્વામીએ આપી હતી.' શ્રમણ સંઘના શ્રેષ્ઠ મહાસાધ્વીજી પૂજય ઉજજવલ કુમારીજી મહાસતીજીની સાથે પણ ગાંધીજીએ ૧૯ દિવસ સુધી ધર્મ ચર્ચા કરી હતી.

આ અવસરે,ગાંધી સ્મૃતિના  સેક્રેટરી શ્રી રાજદીપજી દ્વારા ગાંધી સ્મૃતિ દર્શન સમિતિની પ્રાર્થના અને ગાંધી ધૂન ભકિત બાદ દેશ અને દુનિયા સમક્ષ અહિંસા અને સત્યની પ્રસ્તુતિ કરી રહેલાં મહાનુભાવ પ્રોફેસર શ્રી મનોજજી દીક્ષિત - રામ મનોહર લોહિયા, અવધ વિશ્વ વિદ્યાલય - અયોધ્યા, પ્રોફેસર શ્રી અનુપજી સ્વરૂપ - જાગરણ લેકસિટી વિશ્વવિદ્યાલય - ભોપાલના કુલપતિ, મિત્તલભાઈ ખેતાણી એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિ, રાજકોટ અને મુંબઈના વિરેન્દ્રભાઈ શાહના જીવદયા અને અહિંસાના સેવા કાર્યોની પ્રશસ્તિ કરતાં તેઓને પરમ ગુરુદેવના કરકમલથી 'અહિંસા સદભાવના સમ્માન અવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ગાંધીસ્મૃતિ પ્રતિક - અંગવસ્ત્ર અને ચરખો ભેટ આપી આ સર્વ મહાનુભાવોના કાર્યોને બિરદાવવામાં આવ્યાં  હતાં.

આ અહિંસા સમારોહના અધ્યક્ષ  દિલીપભાઇ ધોળકિયા અને સંયોજક,  પ્રશાંતજી જૈનને ગાંધી સ્મૃતિ પ્રતિક –અંગ વસ્ત્ર અને ચરખા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. સાથે જ, દિલ્લી ગુજરાતી સંઘના  નિલેશભાઈ ગોહેલ,  કેતનભાઈ વોરા,  મુકેશભાઇ દોશી, ભવિનભાઈ દોશી દ્વારા આ કાર્યક્રમના પ્રયોજક, અમિતરાયજી જૈનને નવકાર મંત્રની ફ્રેમ અર્પણ કરવામાં આવી.

૧૯૪૪, મુંબઈમાં મહાત્મા ગાંધીજીએ સ્વયંના જીવનના ૧૯ દિવસ જૈન સાધ્વીજી શ્રી ઉજ્જવલાજી મહાસતીજીની સાથે વાર્તાલાપ કર્યો હતો, તે અણમોલ ક્ષણોની દુર્લભ તસવીર જે લન્ડનની વેબસાઈટ પર રેર ફોટોઝમાં રાખવામાં આવી હતી, એ દુર્લભ ફોટો ફ્રેમનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેની સાથે જૈન સંત શ્રી બેચરદાસજી સ્વામી, જેમનો પ્રભાવ મહાત્મા ગાંધીના જીવન પર રહ્યો છે તેમના મુખેથી ત્રણ નિયમોથી પ્રતિજ્ઞાબધ્ધ થયેલા ગાંધીજીની અલભ્ય પેઇન્ટિંગનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ફોટોઝને ગાંધી સ્મૃતિ ચિત્ર ગેલેરીમાં સ્થાપિત કરવાની દ્યોષણા કરતાં આ શુભ અવસર ચિરસ્થાયી અને અવિસ્મરણીય બની ગયો હતો.

આ સમાજ ઉપર પરમ ગુરૂદેવ દ્વારા કરવામાં આવેલા નિર્દેશન, અનુશાસનના ઝલક દર્શાવતી પુસ્તિકા 'ગુરૂદેવશ્રી મહા ગ્રંથ' નું  લોકાર્પણ  કર્યાં બાદ શ્રી અમિતભાઈ જૈન દ્વારા રચિત ગાંધીજીના જીવનમાં જૈનિઝમનો પ્રભાવ દર્શાવતી પુસ્તિકા 'મહાત્મા ગાંધી અને જૈનિઝમ' નું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કલ્પના પાલખીવાલજી દ્વારા ગાંધી ગુણ સ્મૃતિ કરાવતા ભકિત ગીતની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

પૂજય શ્રી પરમ સમ્યકતાજી મહાસતીજી એ ગાંધી વિચારધારા અને જૈન સિદ્ઘાંતોની એકરૂપતા પર પ્રકાશ પાડતાં ગાંધીજીની ગુણોની પ્રશસ્તિ કરી. પૂજય શ્રી પરમ અસ્મિતાજી મહાસતીજીએ પાછલા એક વર્ષથી ચાલી રહેલી વિહાર યાત્રાની રૂપરેખા બતાવતાં રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવના અહિંસા પ્રધાન કરૂણાના ગુણથી સહુને પરિચિત કરાવ્યા હતાં.

ગાંધી સ્મૃતિ દર્શન સમિતિના અધ્યક્ષ શ્રી દિપાંકરજી, શ્રીનાથજી એ પરમ ગુરુદેવના પ્રતિ અહોભાવ અભિવ્યકત કરી સ્વાગત કરતા કહ્યું કે, દુનિયા અહિંસાથી ચાલી રહી છે, તે પ્રમાણિત સત્યની પ્રેરણા કરવા સ્વયં ગુરુદેવ દિલ્લી પધાર્યા છે. અમિતરાયજીનુ સંચાલન, પ્રશાંતજી જૈને આભાર વિધિ તેમજ પરમ ગુરૂદેવના શ્રી મુખેથી પ્રાર્થનીય ભાવો સાથે મહાત્મા ગાંધીજીને અર્પણ કરેલી શ્રદ્ઘાંજલિ સાથે આ અવસર દિલ્લી માટે અવિસ્મરણિય બની ગયો હતો.

(3:35 pm IST)