Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

અમેરિકાના પ્રસિધ્ધ અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ ઉપર ટ્રમ્પ કેમ્પેઈન દ્વારા કેસ

૨૦૧૬ની ચૂંટણીમાં રશિયા પાસેથી મદદ લેવાના આર્ટીકલ અંગે

વોશીંગ્ટનઃ ટ્રમ્પ કેમ્પેઈન દ્વારા અમેરિકાના અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ ઉપર કેસ દાખલ કર્યો છે. ૨૦૧૬ની ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઉપર રશિયા સાથે કરાર કર્યાની ખોટી ખબર છાપવાનો આરોપ અખબાર ઉપર લગાવાયો છે. ન્યુયોર્ક ટાઈમ્સે ખબરમાં લખેલ કે ૨૦૧૬માં રાષ્ટ્રપતિ પદના ડેમોક્રેટીક ઉમેદવાર હીલેરી કલીનટનને હરાવવા માટે ટ્રમ્પે રશિયા સાથે કરાર કરેલ. આ રિપોર્ટ માર્ચ ૨૦૧૯માં ઓપિનિયન સેકશનમાં ''ધ રિયલ ટ્રમ્પ- રશિયા કવીડ પ્રોકયુ'' મથાળા સાથે પ્રકાશીત કરાયેલ.

આ આર્ટીકલને ન્યુયોર્ક ટાઈમ્સના જ પૂર્વ કાર્યકારી સંપાદક મેકસ ફેંકલે લખ્યો હતો. આર્ટીકલમાં ટ્રમ્પના કેટલાક અધિકારીઓ અને રશિયન રાજદુત વચ્ચે થયેલ વાતચિત અંગે લખ્યુ હતું. ફ્રેંકલે ચોખ્ખુ લખેલ કે ટ્રમ્પ કેમ્પેઈન અને રશિયન અધિકારીઓએ હિલેરીને હરાવવા માટે સોદો કર્યો હતો.

આ અંગે ટ્રમ્પના વરિષ્ઠ કાયદાકીય સલાહકાર જેના ઈલીસે જણાવેલ કે આ આર્ટીકલ કોઈ આધાર પુરાવા વગર પ્રકાશિત કરાયેલ. કેસનો હેતુ ટ્રમ્પ વિરૂધ્ધ જાણી જોઈને ખોટો રિપોર્ટ પ્રકાશીત કરવા બદલ સમાચાર સંસ્થાને જવાબદેહી કરવાનો છે. અખબારની ખબર પુરી રીતે ખોટી છે.

ન્યુયોર્ક ટાઈમ્સે આ અંગે જવાબ આપેલ કે અખબાર આ કેસ વિરૂધ્ધ કાયદાકીય લડાઈ લડશે. પ્રવકતા એલીન મર્ફીએ નિવેદનમાં જણાવેલ કે ટ્રમ્પ કેમ્પેઈને ઓપીનિયન રાઈટરને પોતાના વિચાર માટે સજા અપાવવા કેસ કર્યો છે. દેશનો કાયદો અમેરિકીઓના અધિકારો અને અભિવ્યકતીની આઝાદીની રક્ષા કરે છે. ખાસ કરીને સાર્વજનીક ઘટનાઓ ઉપર ખુલીને અમે અમારૂ મંતવ્ય રજુ કરી શકીએ છીએ.

(3:25 pm IST)