Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

દિલ્હીમાં સ્થિતિમાં આંશિક સુધાર : મોતનો આંકડો ૪૨

અસરગ્રસ્ત વિસ્તારોમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા : ત્રણ દશકોમાં સૌથી વિનાશક હિંસા બાદ હવે જનજીવનને ટ્રેક ઉપર લાવવાના પ્રયાસો : દુકાનો-વેપારી પેઢીઓ ખુલી

નવી દિલ્હી, તા.૨૮ : દિલ્હીમાં સીએએના વિરોધ અને સમર્થનમાં હિંસક દેખાવો કોમી રમખાણમાં ફરી ગયા બાદ મોતનો આંકડો ચિંતાજનકરીતે હજુ પણ વધી રહ્યો છે. દિલ્હીમાં છેલ્લા ત્રણ દશકમાં સૌથી વિનાશક કોમી રમખાણોમાં નુકસાનનો આંકડો અને ખુવારીનો આંકડો હવે વધી રહ્યો છે. આજે મોતનો આંકડો વધીને ૪૨ ઉપર પહોંચ્યો હતો. નુકસાનના વાસ્તવિક આંકડા હજુ સુધી મળી શક્યા નથી પરંતુ લોકો આજે કામ ઉપર પરત ફર્યા હતા અને દુકાનો અને વેપારી પેઢીઓ ખુલી હતી. દિલ્હીમાં હિંસક દેખાવો, રમખાણો બાદ સ્થિતિને કાબૂમાં લેવા માટે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. હિંસગ્રસ્ત વિસ્તારમાં મજબૂત સુરક્ષા રાખવામાં આવી છે. મોતનો આંકડો હજુ પણ વધી રહ્યો છે

          આંકડો આજે ૪૨ ઉપર પહોંચ્યો હતો. બીજી બાજુ દિલ્હીના નાયબ રાજ્યપાલ અનિલ બેજલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. છેલ્લા ચાર દિવસથી સાંપ્રદાયિક હિંસાના પરિણામ સ્વરુપે હાલત કફોડી બનેલી હતી. આજે દુકાનો અને વેપારી પેઢીઓ ખુલ્યા બાદ જનજીવન આંશિકરીતે સામાન્ય બન્યું હતું. કર્મચારીઓ માર્ગો પરથી પથ્થરો અને કાંચના ટુકટા સાફસફાઈ કરતા નજરે પડ્યા હતા. દુકાનોમાં થયેલા નુકસાનની ખાતરી કરતા પણ લોકો નજરે પડ્યા હતા. પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનો મસ્જિદોમાં આજે શુક્રવારની નમાઝને ધ્યાનમાં લઇને મજબૂત સુરક્ષા વ્યવસ્થા રાખી હતી. કેટલાક વિસ્તારોમાં દુકાનો અને પેઢીઓ ખુલી હતી પરંતુ અજંપાભરી શાંતિ રહી હતી. કેટલાક વિસ્તારોમાં ઓટો અને રિક્ષા પણ દેખાયા હતા.

         પોલીસના અધિકારીઓના કહેવા મુજબ અફવાઓ ઉપર ધ્યાન નહીં આપવા માટે સૂચના અપાઈ છે. લોકો વચ્ચે વિશ્વાસ જગાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં નિયમિતરીતે ફ્લેગમાર્ચ ચાલી રહ્યા છે. રવિવારથી દિલ્હીના પોલીસ કમિશનરના હોદ્દા પર આવી રહેલા એસએમ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, દિલ્હીમાં લોકો પોતાને સુરક્ષિત અનુભવ કરે તેવી ખાતરી કરવાનો તેમનો હેતુ રહેલો છે. છેલ્લા બે દિવસના ગાળામાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ૩૩૧ શાંતિ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે.

           અસરગ્રસ્ત વિસ્તારોની સ્થાનિક મસ્જિદોમાં શાંતિ અને સુરક્ષા માટે અપીલ કરવામાં આવી હતી. રમખાણોમાં હજુ સુધી ૪૨ લોકોના મોત થઇ ચુક્યા છે જેમાં આઈબીના કર્મચારી અંકિત શર્મા, પોલીસ હેડકોન્સ્ટેબલ રતનલાલ સહિત ૪૨ લોકોનો સમાવેશ થાય છે. ઉત્તરપૂર્વીય દિલ્હીના જાફરાબાદ, મોજપુર, ચાંદબાગ, ખુરેજીખાસ અને ભજનપુરા જેવા વિસ્તારોમાં સાંપ્રદાયિક હિંસામાં ૨૫૦થી વધુ લોકો ઘાયલ થઇ ચુક્યા છે. ઉત્તરપૂર્વીય દિલ્હીમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં સોમવારથી ૭૦૦૦થી વધુ સુરક્ષા જવાનો ગોઠવવામાં આવ્યા છે. જુદા જુદા ઘટનાક્રમોની અસર હજુ પણ દેખાઈ રહી છે. છેલ્લા ત્રણ દશકના ગાળામાં સૌથી વિનાશક હિંસા તરીકે આને જોવામાં આવે છે.

(7:46 pm IST)