Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

પાકિસ્તાન બીજાને માનવાધિકારની સલાહ આપવાનું બંધ કરે : સંયુકત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં ભારતનો જવાબ

આતંકવાદ માનવાધિકારનું સૌથી મોટું ઉલ્લંઘન

જીનીવા તા. ૨૮ : પાકિસ્તાનને આતંકવાદનું ઘાતક આશ્રય સ્થાન ગણાવતા ભારતે જમ્મુ - કાશ્મીરમાં માનવાધિકાર બાબતે પાકિસ્તાન દ્વારા કરાયેલી કાગારોળનો જવાબ આપ્યો હતો. ઇસ્લામાબાદને સલાહ આપતા ભારતે કહ્યું કે, તેણે સ્વયં એ યાદ રાખવું જોઇએ કે આતંકવાદને પોષણ આપવું એ માનવાધિકાર ઉલ્લંઘનની સૌથી ખતરનાક બાબત છે.

માનવાધિકાર પરિષદના ૪૩માં સત્રમાં જમ્મુ-કાશ્મીર અંગે પાકિસ્તાન દ્વારા વ્યકત કરાયેલ ચિંતા પર ભારતે પોતાના જવાબ આપવાના અધિકારનો ઉપયોગ કર્યો હતો. ભારતના ફર્સ્ટ સેક્રેટરી વિમર્શ આર્યને કહ્યું કે, ભારતે છેલ્લા ૭ મહિનાથી જમ્મુ-કાશ્મીરમાં કેટલાય લોકશાહી અને પ્રગતિશીલ કાયદાકીય સુધારાઓ કર્યા છે. તેમણે કહ્યું કે આ સુધારાનું લક્ષ્ય ભારતના નાગરિકોને સંપૂર્ણ માનવાધિકાર સંરક્ષણ આપવાનું છે અને ભારતીય સમાજના તાણાવાણાને નુકસાન પહોંચાડવાની પાકિસ્તાનની કોશિષને રોકવાનું છે.

આર્યને કહ્યું કે જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હતું અને છે તથા ભવિષ્યમાં પણ રહેશે અને પાકિસ્તાને તેના પર લલચાવાનું બંધ કરવું જોઇએ. તેમણે કહ્યું કે, પાકિસ્તાને બીજાને માનવાધિકારનું જ્ઞાન આપવાનું બંધ કરવું જોઇએ અને તેણે યાદ રાખવું જોઇએ કે આતંકવાદ એ માનવાધિકાર ઉલ્લંઘનનું સૌથી ભયંકરરૂપ છે.

(12:47 pm IST)