Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

પૃથ્વીને મળ્યો નવો ચંદ્રઃ વૈજ્ઞાનિકોએ તેને ર૦ર૦ સીડીક નામ આપ્યું છે

ત્રણ વર્ષથી ફરી રહ્યો છે પ્રદક્ષિણા

નવી દિલ્હી તા. ર૮: અત્યાર સુધી આપણે એવું માની રહ્યા હતા કે પૃથ્વીને એક જ ચંદ્ર છે પણ હવે આશ્ચર્ય ચકિત કરનારૃં એક નવું તથ્ય સામે આવ્યું છે. હવે આપણને પૃથ્વીના બીજા ચંદ્ર અંગેની પણ માહિતી મળી છે.

ધૂમકેતુ અને લઘુ ગ્રહોની શોધ કરનારી અમેરિકન સંસ્થા ''કેટાલીના સ્કાય સર્વે'' એ અવકાશમાં એક પિંડ શોધ્યો છે જે લગભગ ત્રણ વર્ષથી પૃથ્વીના ગુરૂત્વાકર્ષણ સાથે જોડાઇને ચંદ્રની જેમ પૃથ્વીની પ્રદક્ષિણા ફરી રહ્યો છે. વૈજ્ઞાનિકોએ તેને ર૦ર૦ સીડીક નામ આપ્યું છે. ૧૯ ફેબ્રુઆરીએ કૈટાલીના સ્કાય સર્વેના ખગોળશાસ્ત્રીઓએ એક ધીમી વસ્તુને પૃથ્વીની નજીક ફરતી જોઇ. તે પૃથ્વીની બહુ નજીક હતી અને આકારમાંચંદ્રથી નાની હતી. આ વસ્તુને ત્યારે દુનિયાભરની છ અન્ય વેધશાળાઓના રીસર્ચરોએ પણ જોઇ હતી. રિસર્ચરોનું કહેવું છે કે આને મિની ચંદ્ર ગણી શકાય. તેમણે એમ પણ કહ્યું કે નવો અને કદાચ અસ્થાયી મિની ચંદ્ર ૧.૯ અને ૩.પ મીટર વચ્ચેનો છે જે લગભગ એક નાના આકારની કાર જેવો છે.

ખગોળશાસ્ત્રી કેસ્પર વિર્કોજે ૧૯ ફેબ્રુઆરીએ ટવીટ કર્યું કે મેં અને ટેડી પ્રયુયનેએ ર૦ મેગ્નીટયુડનો પિંડ શોધ્યો છે જે પૃથ્વીના ગુરૂત્વાકર્ષણ સાથે જોડાયેલો છે. જો કે આવું પહેલીવાર નથી બન્યું કે પૃથ્વીના એકથી વધારે ચંદ્રની ભાળ મળી હોય. આ પહેલા ર૦૦૬માં આરએચ ૧ર૦ નામના અસ્થાયી ચંદ્રની ભાળ મળી હતી. તે જૂન ર૦૦૭ સુધી પૃથ્વીના ગુરૂત્વાકર્ષણમાં રહ્યા પછી નોખો પડી ગયો હતો. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ર૦ર૦ સીડીક પણ કદાચ અસ્થાયી જ હશે.

(12:46 pm IST)