Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

ગયા વર્ષે ફેબ્રુઆરીમાં 'ગુજરાત્રી'ના આરંભ સાથે 'અકિલા ઇન્ડિયા ઇવેન્ટસ' અંતર્ગત પ્રથમ શો 'કોકટેલ દેશી' રજૂ થયો આ ફેબ્રુઆરીમાં લાવ્યા સેકન્ડ સીઝનઃ શ્રી હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતે વિખ્યાત કોર્પોરેટ ગ્રુપ બાન લેબ્સના સથવારે વધુ એક વખત

કાલે 'ગુજરાત્રી' પ્રસ્તુત-'કોકટેલ desi-season 2'

ગુજરાતી કવિતા,ગીત-સંગીત અને અભિનય થકી ગુજરાત્રીયન્સને ઝુમાવશે અત્ર તત્ર સર્વત્ર જાણીતા એક એકથી ચઢીયાતા કવિઓ, અભિનેતા-અભિનેત્રી, ગાયિકા-ગાયકો અને સંગીતકારો : મુંબઇના ખુબ જ જાણીતા કવિ હિતેન આનંદપરા, નેશનલ એવોર્ડ વિજેતા કવિ બોલીવૂડના લેખક સોૈમ્ય જોષી, અભિનેતા ચેતન ધનાણી, અભિનેત્રી જીજ્ઞા વ્યાસ, યુવા ગાયિકા ગાથા પોટા, ડો. કવન પોટા અને ધૈર્ય રાજપરા 'કોકટેલ desi-season 2'માં કરશે જમાવટઃ સંકલન-એન્કરીંગ ગોૈરવ પુરસ્કાર વિજેતા વિરલ રાચ્છ અને કવિશ્રી મિલિન્દ ગઢવીની જૂગલબંદી સોૈને જકડી રાખશે

રાજકોટ તા.૨૮: રાજકોટીયન્સ અને ગુજરાત્રીયન્સના હૈયે તથા હોઠે વસી ગયેલું એક ખુબ જાણીતું નામ છે-'ગુજરાત્રી'...  'અકિલા સાંધ્ય દૈનિક'ની વેબ આવૃતિના એડિટર શ્રી નિમિષભાઇ ગણાત્રાએ જેના જન્મદાતા છે એ 'ગુજરાત્રી' પ્લેટફોર્મનો હેતુ આજનું યુવાધન ગુજરાતી ભાષા સાથે જોડાઇ રહે અને ગુજરાતી ગીત-સંગીત, કવિતાઓ, ગુજરાતી સાહિત્ય પ્રત્યે તેમને વધુને વધુ પ્રેમ જાગે તે માટેનો છે.  આ પ્રયાસ સ્વરૂપે 'ગુજરાત્રી' પ્લેટફોર્મનો 'અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ' અંતર્ગત એક વર્ષ પહેલા ગયા ફેબ્રુઆરી મહિનામાં પ્રારંભ થયો હતો. ગુજરાત્રી અંતર્ગત પહેલો કાર્યક્રમ 'કોકટેલ દેશી' આપવામાં આવ્યો હતો. પહેલા પ્રયાસે જ મળેલી અનેરી સફળતા સાથે ગુજરાત્રી અંતર્ગત ગુજરાતી સાહિત્ય, સંગીત-કવિતાઓને આજની પેઢીને પસંદ પડે એ રીતે રજૂ કરતી અન્ય ઇવેન્ટ્સ પણ આપવામાં આવી હતી. જેને પણ રાજકોટીયન્સ અને ગુજરાત્રીયન્સે વધાવી લીધી હતી. હવે વિખ્યાત કોર્પોરેટ ગ્રુપ બાન લેબ્સના સથવારે 'ગુજરાત્રી' લાવ્યું છે...'કોકટેલ desi-season 2'. આવતી કાલે રાત્રે ૯:૩૦ કલાકે શ્રી હેમુ ગઢવી નાટ્ય ગૃહ ખાતે ગુજરાતી કવિતા, ગીત-સંગીત અને અભિનયનો લ્હાવો માણવા મળશે. જેમાં ખુબ જ જાણીતા અભિનેતા, અભિનેત્રી, કવિઓ અને ગાયક-ગાયિકાઓ એક એકથી ચઢીયાતી રચનાઓ રજૂ કરી સોૈને રસતરબોળ કરી દેશે.

કવિતા, સંગીત અને સંચાલનનો સંગમ પહેલી સિઝનમાં સોૈએ માણ્યો હતો. હવે કોકટેલ દેશીની બીજી સિઝનમાં કવિતા, સંગીતની સાથે અભિનયના તિરંગો ખીલી ઉઠશે. કોકટેલ desi-season 2'માં. 'અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ' દ્વારા 'ગુજરાત્રી'ના પ્લેટફોર્મ પર ગુજરાતી ભાષાના અલગ-અલગ કાર્યક્રમો કરવા તેની શરૂઆત ગયા વર્ષે કોકટેલ દેશી કાર્યક્રમથી થઇ હતી. 'અકિલા'નો ઉદ્દેશ ગુજરાતી ભાષા અને તેનો પ્રચાર થાય અને ખાસ કરીને આ ભાષા આપણા યુથને જોડે અને આપણી ભાષા, આપણી કવિતાઓ, સાહિત્ય અને સંગીત સાથે આજનો વર્ગ, આજનું યુથ કનેકટ થાય તો જ ગુજરાતી ભાષા બચી શકે. આજની પેઢીને ગુજરાતી ભાષા, ગીતો, કવિતાઓ ગમે એ રીતે તેને મનોરંજન સાથે રજૂ કરવામાં આવે તે જરૂરી છે. આ જ ઉદ્દેશ સાથે શ્રી નિમિષભાઇ ગણાત્રાએ કવિ મિત્ર હિરેન સુબા સાથે બ્લેક કોફી પીતા-પીતા 'ગુજરાત્રી' પ્લેટફોર્મ શરૂ કર્યુ અને સાથે જોડાયા યુવા કવિ મિલિન્દ ગઢવી અને વિખ્યાત દિગ્દર્શક-શો ડિઝાઇનર વિરલ રાચ્છ અને તેના અંતર્ગત અલગ-અલગ એવા ગુજરાતી કાર્યક્રમો આપ્યા કે સોૈ કોઇ આફરીન પોકારી ગયા. પહેલો જ કાર્યક્રમ 'કોકટેલ દેશી' કાર્યક્રમ કર્યો હતો. આ વખતે ફેબ્રુઆરીમાં 'કોકટેલ desi-season 2' લાવવામાં આવ્યો છે.

કોકટેલ દેશીની પહેલી સિઝન લોકોને ખુબ ગમી હતી. તેમાં ત્રણ વસ્તુ ગુજરાતી કવિતા, ગુજરાતી સંગીત અને સંકલન-સંચાલનનું કોકટેલ માણવા મળ્યું હતું. આ ત્રણેયમાં માહેર એવા ધૂરંધરોએ સોૈને રસતરબોળ કર્યા હતાં. આ વખતે 'કોકટેલ  desi-season 2'માં ગુજરાતી કવિતા અને સંગીત તો છે જ, સાથોસાથ નવા પાસા રૂપે હશે અભિનય. આમ સિઝન-૨માં ગુજરાત્રીયન્સ અને રાજકોટીયન્સને ગુજરાતી ભાષાની એક એકથી ચઢીયાતી કવિતાઓ અને ગીત-સંગીતની સાથો સાથ અભિનયના રંગે પણ રંગાઇ જવાનો લ્હાવો મળવાનો છે.

કવિઓઓ કરશે મંત્રમુગ્ધ

કવિતાઓના વિભાગમાં મુંબઇના ખુબ જ જાણીતા સુપ્રસિધ્ધ કવિશ્રી હિતેન આનંંદપરા મોજ કરાવશે. તેઓ ગુજરાત્રીના મંચ પર પહેલી જ વખત આવી રહ્યા છે. બીજા કવિશ્રી સોૈમ્ય જોષી છે. તેમનું નામ પણ ખુબ જ મોટુ છે. તેઓ ગુજરાતી ભાષાના વિખ્યાત કવિ અને નાટ્યકાર-લેખક છે. તેમના નામથી ગુજરાતીઓ જ નહિ હિન્દી ભાષાના ચાહકો પણ જરાય અજાણ નથી. સોૈમ્ય જોષીએ અમિતાભ બચ્ચન અને ઋષી કપૂરની ફિલ્મ '૧૦૧ નોટઆઉટ' અને એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ 'હેલ્લારો'નું લેખન પણ કર્યુ છે. તો ત્રીજા કવિ જે છે એ 'ગુજરાત્રી' સાથે તેના આરંભથી જ જોડાયેલા છે, એ છે જુનાગઢના કવિશ્રી મિલિન્દ ગઢવી. તેમના લખાણ કે વખાણની જરૂર નથી. છતાં કહી દઇએ કે તેમના બે ગ્રંથો 'રાઇજાઇ' અને 'નન્હે આંસુ' કાવ્યસંગ્રહોનું 'અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ' અંતર્ગત જ વિમોચન થઇ ચુકયું છે અને આ કાવ્યસંગ્રહો ખુબ લોકપ્રિય પણ બની ચુકયા છે.

અભિનેતા-અભિનેત્રી આ વખતે નવું નઝરાણું

'કોકટેલ desi-season 2'માં બીજા તબક્કે   ગુજરાતી તખ્તા-ફિલ્મોના ધૂરંધર અભિનેતાઓને માણવાનો લ્હાવો પણ મળવાનો છે. જેમાં 'રેવા' ફિલ્મના મુખ્ય અભિનેતા શ્રી ચેતન ધનાણી કે જેઓને આ ફિલ્મ માટે નેશનલ એવોર્ડ પણ મળી ચુકયો છે તેઓ ગુજરાત્રી પ્લેટફોર્મ ઉપસ્થિત રહેશે.  તેમની સાથે બીજા અભિનેત્રી સુ.શ્રી જીજ્ઞા વ્યાસ કે જેઓ નાટકોની દુનિયામાં ખુબ ખુબ અગ્રેસર નામના ધરાવે છે તે પણ સામેલ છે. આ બંને કવિતાઓને નાટ્યાત્મક ઢબથી અભિનય સાથે રજૂ કરશે. આ તદ્દન નવો જ પ્રયોગ 'ગુજરાત્રી'ના પ્લેટફોર્મ પરથી 'અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ'ના માધ્યમથી માણી શકાશે.

ગીત-સંગીતમાં રાજકોટના યુવાઓનું બેન્ડ મચાવશે ધૂમ

કોકટેલ desi-season 2માં કવિતા-અભિનય તો છે જ, પણ સંગીત-ગીત તેનું હાર્દ છે. સોહામણું સંગીત અને સાથોસાથ ગુજરાતી ગીતોને નવી જ રીતે રજૂ કરવા માટે જાણીતું રાજકોટનું જ બેન્ડ 'રાજકોટ બ્લુઝ' ચારચાંદ લગાવશે. આ બેન્ડના યુવા ગાયિકા સુશ્રી ગાથા પોટા જમાવટ કરશે તો તેમની સાથે ડો. કવન પોટા અને ધૈર્ય રાજપરા પણ પોતાની કલાથી સોૈને જકડી રાખશે.

આગવું સંચાલન-નિદર્શન

સમગ્ર કાર્યક્રમને મોજીલો, ચમકીલો અને નયનરમ્ય બનાવવા માટેની મહત્વની જવાબદારી ગોૈરવ પુરષ્કાર વિજેતા  નાટ્યકાર-દિગ્દર્શક એવા શ્રી વિરલ રાચ્છ નિભાવશે. કોકટેલ desi-season 2 શોના સેટની સમગ્ર ડિઝાઇન, સકંલન, નિદર્શનની મહત્વની જવાબદારી તેઓ ગુજરાત્રીના પ્લેટફોર્મ પર અગાઉ પણ નિભાવી ચુકયા છે. તાજેતરમાં જ વિરલ રાચ્છ દ્વારા અભિનીત નાટક અંતિમ અપરાધ 'અકિલા ઇન્ડ્યિા ઇવેન્ટ્સ' અંતર્ગત સોૈએ માણ્યું હતું. સ્ક્રીપ્ટ પરામર્શમાં શ્રી વિરલ રાચ્છને કવિશ્રી મિલીંદ ગઢવીનો પણ ભરપુર સહયોગ સાંપડ્યો છે. 

ગુજરાત્રીનું પ્લેટફોર્મ એ શ્રી નિમિષભાઇ ગણાત્રાનું માનસ સંતાન છે. આ પ્લેટફોર્મ થકી ગુજરાતી ભાષાને નવું જોમ આપવાના તેમના પ્રયાસમાં શ્રી હિરેન સુબાનો સહકાર પણ સાંપડી રહ્યો છે. 'કોકટેલ desi-season 2' માણવા માટે આવતીકાલે શનિવારે રાત્રે ૯:૩૦ કલાકે શ્રી હેમુ ગઢવી હોલ ખાતે આમંત્રિતો અને ઓનલાઇન ફ્રી રજીસ્ટ્રેશનથી પાસ મેળવી ચુકેલા ગુજરાત્રીયન્સ સમયસર પહોંચી સ્થાન મેળવી લેશો, વહેલા તે પહેલાના ધારાધોરણ હમેંશાની મુજબ યથાવત રહેશે. ગુજરાતી કવિતાઓ, ગીત સંગીત અને અભિનયના નવા  રંગોથી રંગાવા માટે રાહ જુઓ બસ થોડા કલાકોની.

કાર્યક્રમ માણનારા માટે ટી-પોસ્ટ દ્વારા ચા-કોફી-કૂકીઝની વિનામુલ્યે સેવા

'અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ-ગુજરાત્રી' દ્વારા ચોથી ઇવેન્ટ 'કોકટેલ desi-season 2' શ્રી હેમુ ગઢવી હોલ ખાતે શનિવારે યોજાઇ છે. આ ઇવેન્ટ્સને મોજથી માણવાની સાથો સાથ શ્રોતાઓને વિનામુલ્યે ચા-કોફી અને કૂકીઝનો સ્વાદ પણ માણવા મળશે. આ માટેની વ્યવસ્થા ટી-પોસ્ટ દ્વારા કરવામાં આવી છે. અગાઉની ઇવેન્ટ્સમાં પણ ટી-પોસ્ટ દ્વારા આ સુવિધા પુરી પાડવામાં આવી હતી.

(11:42 am IST)