Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

અયોધ્યામાં બે માળનું બનશે ભવ્ય રામ મંદિરઃ ગ્રાઉન્ડ ફલોર પર બિરાજશે રામલલા

પ્રથમ માળે હશે રામ દરબાર : મંદિરની તૈયારી અંતિમ તબક્કેઃ બે ગર્ભગૃહઃ ૧ લાખ ઘનફુટ પથ્થરનું કોતરકામ પુરૂ

અયોધ્યા, તા. ૨૮ :. રામ જન્મભૂમિ ન્યાસના નકશામાં જે બે માળનું મંદિરનું મોડલ તૈયાર કરાયું છે. તેમા ગ્રાઉન્ડ ફલોર પર રામલલ્લા બિરાજશે, જ્યારે પ્રથમ માળ પર શ્રધ્ધાળુઓ રામ દરબારના દર્શન થશે. શ્રી રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પણ આ મોડલ પર આગળ વધી રહ્યુ છે. કોઈ મોટો ફેરફાર નહીં થાય તો રામ મંદિર બે થી અઢી વર્ષમાં તૈયાર થઈ જશે તેવો દાવો કરાયો છે.

પ્રસ્તાવિત મંદિર માટે શિલાઓની કોતરણીનું કામ ૧૯૯૧થી રામઘાટ ખાતે મંદિર નિર્માણ વર્કશોપમાં ચાલી રહ્યુ છે. વર્કશોપમાં લગભગ ૧ લાખ ઘનફુટ પથ્થરોની કોતરણી પુરી થઈ ગઈ છે. બે માળના મંદિર માટે હજુ લગભગ ૭૫ હજાર ઘનફુટ પથ્થરો કોતરવાના છે. મંદિર નિર્માણની તારીખ નક્કી થતા જ તેમાં વધુ ઝડપ આવશે.

જે કક્ષમાં રામલલ્લા બિરાજશે, તેની ઉપર ૧૬ ફુટ ૩ ઈંચનું બીજુ ગર્ભગૃહ હશે. આ ગર્ભગૃહમાં ભગવાન રામ રાજાના રૂપમાં ભાઈઓ, માં સીતા અને હનુમાનજી સાથે બિરાજશે. માહિતી અનુસાર બન્ને ગર્ભગૃહ બહુ ભવ્ય હશે. પ્રસ્તાવિત મંદિર જે બે તૃત્યાંશ પથ્થરોની કોતરણી થઈ ચૂકી છે. તેમા બન્ને ગર્ભગૃહના પથ્થરો પણ સામેલ છે.

(11:42 am IST)