Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

ચોંકાવનારો અભ્યાસ

કોલકાત્તાની હવામાં કેન્સરજન્ય કણોનો મોટો જથ્થો મળ્યો

અમદાવાદ સહિતના મહાનગરોની હવા પણ પ્રદૂષણના મુદ્દે અભ્યાસનો વિષય

કોલકાત્તા, તા.૨૮: કોલકાત્તાની હવામાં કેન્સરજન્ય કણોનો મોટો જથ્થો હોવાનું જણાયું હતું. બોઝ ઈન્સ્ટિટયૂટના સંશોધનમાં કહેવાયું હતું કે શિયાળા દરમિયાન કોલકાત્તાની હવા અતિશય ઝેરીલી બની જાય છે અને એમાં દર કયૂબિક મીટરે ૯૪ નેનોગ્રામ કેન્સરજન્ય કણો હોય છે.

કચરો અને પ્લાસ્ટિક બાળવાથી નીકળતો ધુમાડો, વાહનોમાંથી નીકળતો કાર્બન અને કારખાનાઓમાંથી વહેતા કરાતા કેમિકલના કદડામાંથી કેન્સરજન્ય પાર્ટિકલ્સ હવામાં ભળે છે. એનું પ્રમાણ કોલકાત્ત્।ામાં ભયજનક રીતે વધ્યું હોવાનું અહેવાલમાં કહેવાયું હતું.

બોઝ ઈન્સ્ટિટયૂટના દેબાજયોતિ રાયે જણાવ્યું હતું કે તેમના સંશોધનમાં જણાયું હતું કે કોલકાત્તાની હવામાં ૧૭ પ્રકારના ખતરનાક કણોની હાજરી દર્જ થઈ હતી. તડકો ઓછો પડે ત્યારે હવા ભેજવાળી રહે છે અને એ કારણે વાતાવરણમાં તેની હાજરી સતત રહે છે. તેથી શિયાળા અને ચોમાસા દરમિયાન કોલકાત્તાની હવા વધુ ઝેરીલી બની જાય છે. આ રીસર્ચ પેપર ઈન્ટરનેશનલ જર્નલમાં પ્રસિદ્ઘ થયું હતું.

કોલસો, ડીઝલ વગેરે બળે ત્યારે સૌથી વધુ માત્રામાં પીએએચ એટલે કે પોલિસાઈકિલક એરોમેટિક હાઈડ્રોકાર્બનના કણો ઉત્સર્જિત થાય છે અને હવામાં ભળે છે. જો તાપમાન વધારે હોય તો એ કણોનું હવામાંથી બાષ્મિભવન થાય છે, પરંતુ શિયાળા દરમિયાન તાપમાન નીચું હોય ત્યારે એ કણો હવામાં ટકી રહે છે. એ શ્વાસમાં જાય તો કેન્સરની શકયતા વધી જાય છે.

(9:52 am IST)