Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

ટેટની પરીક્ષામાં ઉમેદવારોને પૈસા લઈને પાસ કરાયા

મહારાષ્ટ્રમાં શિક્ષકોની ભરતી માટેની પરીક્ષામાં કૌભાંડ : ૨૦૧૯ની ટેટ પરીક્ષામાં ૧૬૦૦૦ જેટલા ઉમેદવારોને પાસ જાહેર કરાયા હતા, ૭૮૦૦ ઉમેદવારો નાપાસ હતા

મુંબઈ, તા.૨૭ : ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં શિક્ષકોની ભરતી માટેની ટેટ પરીક્ષામાં બહુ મોટુ કૌભાંડ સપાટી પર આવ્યુ છે.જેના પગલે મહારાષ્ટ્રના રાજકારણમાં હડકંપ મચી ગયો છે. મળતી વિગતો પ્રમાણે ૨૦૧૮માં થયેલી પરીક્ષામાં મોટા પાયે ઉમેદવારોને પૈસા લઈને પાસ કરાયા હોવાના આક્ષેપો બાદ પૂણે સાયબર પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.

આ દરમિયાન ૨૦૧૯ની પરીક્ષામાં થયેલા કૌભાંડની પણ જાણકારી પોલીસને હાથ લાગી છે. પોલીસના કહેવા પ્રમાણે ૨૦૧૯ની ટેટ પરીક્ષામાં કુલ ૧૬૦૦૦ જેટલા ઉમેદવારોને પાસ જાહેર કરાયા હતા પણ હવે આ રિઝલ્ટની જ્યારે વધારે તપાસ કરવામાં આવી છે ત્યારે ખબર પડી છે કે, આ પૈકીના ૭૮૦૦ ઉમેદવારો તો નાપાસ હતા પણ તેમને પાસ બતાવાયા હતા.

દરમિયાન સરકારે નિર્ણય લીધો છે કે, ૨૦૧૩ થી ટેટ પરીક્ષામાં પાસ થઈને જે શિક્ષકોની ભરતી કરાઈ છે તેમના  પરિણામની તપાસ કરવામાં આવે.કારણકે સરકારને આ કૌભાંડ ઘણા વખતથી ચાલતુ હોવાની આશંકા છે. છેલ્લા ૧૫ દિવસમાં ૫૦૦૦ જેટલા શિક્ષકો સરકારના આદેશના આધારે પોતાના પ્રમાણપત્રો અને પરિણામ તાપસ માટે મોકલી ચુકયા છે. આ કૌભાંડ સપાટી પર આવ્યા બાદ ટેટ પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો સ્તબ્ધ થઈ ગયા છે.માત્ર પૈસાના જોરે નાપાસ ઉમેદવારો પાસ થઈ ગયા છે તે જાણીને તેમને આઘાત પણ લાગ્યો છે.

(7:58 pm IST)