Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

તમિલનાડુ સરકારનો મોટો નિર્ણય : 1લી ફેબ્રુઆરીથી ધો- 1 થી 12 સુધી શાળાઓ - કોલેજો ખોલવા નિર્ણય

શુક્રવારથી રાજ્યમાં નાઈટ કર્ફ્યુ પણ હટાવી લેવાશે અને રવિવારે લોકડાઉન પણ ખતમ થઈ જશે.

તમિલનાડુમાં કોરોનાના કેસમાં ઘટાડો થયા બાદ રાજ્ય સરકારે 1લી ફેબ્રુઆરીથી ધોરણ 1 થી 12 સુધી શાળાઓ અને કોલેજો ખોલવાનો નિર્ણય લીધો છે. શુક્રવારથી રાજ્યમાં નાઈટ કર્ફ્યુ પણ હટાવી લેવામાં આવશે અને રવિવારે લોકડાઉન પણ ખતમ થઈ જશે. મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને ગુરુવારે આરોગ્ય નિષ્ણાતો અને અધિકારીઓ સાથેની બેઠક બાદ આ જાહેરાત કરી હતી. છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે, ત્યારબાદ સરકારે પ્રતિબંધોમાં છૂટ આપવાનું કહ્યું છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં પ્રતિબંધો હજુ પણ ચાલુ રહેશે.

તમિલનાડુ સરકારના જણાવ્યા અનુસાર, રાજ્યમાં હજુ સુધી નર્સરી અને પ્લે સ્કૂલ ખોલવામાં આવશે નહીં. જ્યારે બાકીની શાળાઓ અને કોલેજોમાં કોરોનાની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. આ સિવાય સાંસ્કૃતિક મેળાવડા અને રાજકીય રેલીઓ પર પ્રતિબંધ ચાલુ રહેશે. સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી દરમિયાન લોકોએ કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું પડશે. તાજેતરમાં, કોરોના સંક્રમણ વધ્યા પછી, સરકારે આ નિયંત્રણો લાદવાનો નિર્ણય લીધો હતો.

સરકારના જણાવ્યા અનુસાર, લગ્ન સમારોહમાં 100 લોકો હાજર રહી શકશે, જ્યારે અંતિમ સંસ્કારમાં માત્ર 50 લોકોને જ જવાની મંજૂરી આપવામાં આવશે. આ સિવાય રાજ્યમાં હોટલ અને બેકરીઓને 50% ક્ષમતા સાથે ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. થિયેટર, મલ્ટિપ્લેક્સ, જીમ, ક્લબ, બ્યુટી પાર્લર, સલુન્સ, કોન્સર્ટ, કોન્ફરન્સ, ઇન્ડોર સ્ટેડિયમને 50% ક્ષમતા સાથે કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે. મુખ્યમંત્રી એમકે સ્ટાલિને તમામ લોકોને કોવિડ-19 માર્ગદર્શિકાનું પાલન કરવા અને સરકારના પ્રયાસોમાં સહકાર આપવાની અપીલ કરી છે.

(12:00 am IST)