Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

ઝંડો લહેરાવનારા જુગરાજ સિંઘના પરિવારે ગામ છોડ્યું

૨૬મીએ લાલ કિલ્લા પર ખાલસા ઝંડો લહેરાવ્યો હતો : ૨૬મીની ઘટના બાદ પોલીસ અનેકવાર જુગરાજના ઘરે આવી ચૂકી છે, પરંતુ દર વખતે ખાલી હાથે પાછી ફરી

તરન તારન, તા. ૨૮ : ૨૬મી જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન ફાટી નીકળેલી હિંસા વચ્ચે લાલ કિલ્લા પર ખાલસા ઝંડો લહેરાવનારા શખ્સના માતાપિતા ગામમાંથી ગાયબ થઈ ગયા છે. જુગરાજ સિંઘ નામના શખ્સે લાલ કિલ્લા પર ઝંડો લહેરાવ્યો ત્યારે પહેલા તો તેના ગામના લોકો તેમજ તેના પરિવારજનોને તેના પર ગર્વ થઈ રહ્યો હતો. જોકે, ત્યારબાદ ભડકેલા વિવાદને લીધે હવે પોલીસના ડરને કારણે તેના પરિવારજનો તેમજ તેની આસપાસ રહેતા લોકો ગામ છોડીને જતા રહ્યા છે.

૨૩ વર્ષનો જુગરાજ વાન તારા સિંઘ ગામનો રહેવાસી છે, અને તેણે ૨૬મી જાન્યુઆરીએ લાલ કિલ્લામાં તોફાનીઓએ મચાવેલા ઉત્પાત વચ્ચે કિલ્લા પર નિશાન સાહિબ ફરકાવાયો હોવાનું મનાઈ રહ્યું છે. જુગરાજના માતા-પિતા તો ગામ છોડીને જતાં રહ્યાં છે, પરંતુ તેઓ ઘરે પોલીસ કે મીડિયાવાળા આવે તો તેમને જવાબ આપવા માટે તેના દાદા-દાદીને મૂકતા ગયા છે.

જુગરાજના દાદા મહેલ સિંઘે જ્યારે ઘટના બની ત્યારે તેના પર ગર્વ મહેસૂસ કર્યો હતો, પરંતુ બીજા દિવસે જ્યારે તેમને મીડિયાએ સવાલ પૂછ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે કઈ રીતે શું થઈ ગયું તેની તેમને કંઈ માહિતી નથી, જુગરાજ ખૂબ સારો છોકરો છે અને તેણે ક્યારેય તેની સામે ફરિયાદ કરવાનો મોકો નથી આપ્યો. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ૨૬મી જાન્યુઆરીની ઘટના બાદ પોલીસ અનેકવાર જુગરાજના ઘરે આવી ચૂકી છે, પરંતુ દર વખતે તેને ખાલી હાથ પાછા જવું પડ્યું છે. ગામના એક વ્યક્તિ પ્રેમ સિંઘના જણાવ્યા અનુસાર, તેમણે ૨૬મીની ઘટના ટીવી પર જોઈ હતી. જુગરાજના ગામના લોકોનું કહેવું છે કે તેના હાથે જે થયું તે એક કમનસીબ ઘટના છે. જોકે, જુગરાજને પોતાને ખબર નહોતી કે લાલ કિલ્લા પર ઝંડો ફરકાવવાનું આવું પરિણામ આવશે. તેણે જે કર્યું તે અગાઉથી આયોજીત કૃત્ય નહોતું. ટ્રેક્ટર પર ઝંડા અગાઉથી લગાવેલા હતા, અને કોઈએ તેના હાથમાં ઝંડો પકડાવી દીધો અને તેને કિલ્લા પર ચઢી તે ફરકાવવા ઉશ્કેર્યો.

(7:36 pm IST)