Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

દિલ્હી ચૂંટણીમાં કોંગ્રેસમાં પ્રિયંકા ગાંધી વાઢેરાની વધુ માંગ

૭૦ પૈકી ૬૬ સીટ પર કોંગ્રેસ ચૂંટણી મેદાનમાં : સ્ટાર પ્રચારકની કોંગીની યાદી તૈયાર થઇ : પ્રિયંકા ગાંધી , રાહુલ ગાંધી , શત્રુઘ્ન સિંહા , નવજોત સિદ્ધૂ, કિર્તી આઝાદ તેમજ અમરિન્દરનો સમાવેશ

નવીદિલ્હી, તા. ૨૮ : દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી આડે હવે વધારે દિવસ રહ્યા નથી ત્યારે કોંગ્રેસે પણ ચૂંટણી પ્રચાર માટે કમરકસી લીધી છે. પ્રાપ્ત માહિતી મુજબ પ્રિયંકા  ગાંધી વાઢેરાની સૌથી વધારે માંગ જોવા મળી રહી છે. કોંગ્રેસ પાર્ટી વિધાનસભાની ચૂંટણીમાં ૭૦ પૈકી ૬૬ સીટો ઉપર ચૂંટણી મેદાનમાં છે. ચાર સીટો ઉપર આરજેડી સાથે ગઠબંધન છે. ૬૬ પૈકી ૬૦ વિધાનસભા ક્ષેત્રોમાં ઉમેદવાર પ્રિયંકાને પોતાને ત્યાં બોલાવવા માટે ઇચ્છુક છે. તેમને આશા છે કે, પ્રિયંકા વાઢેરા મતદારોને કોંગ્રેસ તરફ ખેંચવામાં સફળ રહેશે. પ્રિયંકા ગાંધીના રોડ શો અથવા રેલીને લઇને કોંગ્રેસી ઉમેદવારો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. બીજા નંબર રાહુલ ગાંધી દેખાઈ રહ્યા છે જ્યારે ત્રીજા નંબર ઉપર અભિનેતા શત્રુઘ્ન સિંહા રહેલા છે. જાતિ અને સામાજિક સમીકરણના આધાર પર ઉમેદવાર પોતાને ત્યાં કોંગ્રેસના સ્ટાર પ્રચારકોને બોલાવવા ઇચ્છુક છે. કયા સ્ટાર પ્રચારક ક્યારે ક્યાં જશે તેને લઇને હજુ સુધી માહિતી જાહેર કરવામાં આવી નથી.

            કોંગ્રેસની રણનીતિ જમીન પર ક્યારે આવશે તેને લઇને હજુ સુધી વિગતો જાહેર કરાઈ નથી. ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના નેતાઓ મોરચા સંભાળી ચુક્યા છે. આ વખતે તેમની વચ્ચે જ સીધી સ્પર્ધા દેખાઈ રહી છે. કોંગ્રેસ સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સૌથી વધારે માંગ પ્રિયંકા ગાંધીની દેખાઈ રહી છે. કોંગ્રેસ આ વિધાનસભા ચૂંટણીમાં ૭૦ પૈકી ૬૬ બેઠક પર ચૂંટણી મેદાનમાં છે. ચાર સીટો ઉપર આરજેડી સાથે ગઠબંધન છે. ૬૬ પૈકી ૬૦માં ઉમેદવાર પ્રિયંકા ગાંધીને બોલાવવા ઇચ્છુક છે. પ્રિયંકાની સરખામણીમાં રાહુલની માંગ ઓછી દેખાઈ રહી છે. શત્રુઘ્ન સિંહાની પણ માંગ રહેલી છે. ૩૫થી ૪૦ જેટલા ઉમેદવાર દિલ્હીમાં રહેતા પૂર્વાંચલના મતદારોને પ્રભાવિત કરવા શત્રુઘ્નસિંહાની રેલી અથવા કાર્યક્રમો યોજવા ઇચ્છુક છે.

           નવજોત સિદ્ધૂની માંગ પણ ૨૦ વિધાનસભા ક્ષેત્રોમાં રહેલી છે. જ્યોતિરાદિત્ય સિંધિયા માટે ૨૦થી ૨૫ વિધાનસભામાં માંગ રહેલી છે. બોલીવુડ અભિનેત્રી નગ્માની પણ માંગ રહેલી છે. હરિયાણા સાથે જોડાયેલા વિધાનસભા ક્ષેત્રોમાં ભુપેન્દ્રસિંહ હુડાને બોલાવવાની માંગ થઇ રહી છે. દિલ્હીમાં નેતાઓમાં પ્રદેશ અધ્યક્ષ સુભાષ ચોપડાની સાથે સાથે કિર્તી આઝાદની માંગ સૌથી વધારે છે. આશરે એક ડઝનથી વધારે ઉમેદવાર તેમને બોલાવવા ઇચ્છુક છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહની માંગ પણ રહેલી છે. પ્રદેશ કોંગ્રેસના અનિલ ભારદ્વાજનું કહેવું છે કે, ઉમેદવાર તરફથી જે માંગ કરવામાં આવી હતી તે મુજબ રાષ્ટ્રીય કોંગ્રેસના વોર રુમને જાણ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ હવે પ્રચારમાં ઉતરનાર છે.

(7:35 pm IST)