Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

જીએસટીઆર-૩બી માટે નવી સિસ્ટમ આજથી અમલી

વારંવાર વેબસાઇટ હેંગ થઇ જવાની સમસ્યાના કારણે નિર્ણય, નોટિફિકેશન જાહેર

નવી દિલ્હી તા ર૮: દર મહિનાની ર૦મી તારીખે જીએસટીમાં ૩-બી રિટર્ન ભરવાનું હોય છે, પરંતુ એ જ સમયે વેબસાઇટ ન ચાલવી, એકસાથે ધસારો થઇ જવો, લોગઇન ન થવું, ઓટીપી ન આવવા કે મોડા આવવા જેવી સમસ્યા વારંવાર થતાં ત્રાહિમામ્ થતા વેપારીઓને કામચલાઉ રાહત આપવામાં આવી છે અને વિભાગ દ્વારા નવી સિસ્ટમ જાહેર કરવામાં આવી છે, જે આજથી અમલી થઇ રહી છે.

છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, દમણ-દીવ, દાદરા-નગર હવેલી, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા, લક્ષદ્વીપ, કેરાલા, તામિલનાડુ, પોંડિચેરી, આંદામાન નિકોબાર, તેલંગાણા, આંધ્રપ્રદેશના વેપારીઓ માટે નવા નિયમ મુજબ દર મહિનાની રર તારીખે રિટર્ન ફાઇલ કવરાનું સરળ રહેશે. જમ્મુ-કાશ્મીર, લદાખ, હિમાચલપ્રદેશ, પંજાબ, ચંડીગઢ, ઉત્તરાખંડ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, સિક્કિમ, અરૂણાચલપ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય, આસામ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશામાં પેઢી ધરાવતા વેપારીઓનાં ર૪ તારીખે રિટર્ન ફાઇલ થશે.

સિસ્ટમ મુજબ નિયમિત કરદાતા હોય, જેમનું ટર્નઓવર રૂ. પ કરોડથી વધારે હોય તેમના માટે દર મહિનાની ર૦મી તારીખ, બાકીનાં ૧પ રાજયમાં પેઢી ધરાવતા વેપારીઓ માટે દર મહિનાની રરમી તારીખ અને બાકીનાં રર રાજય માટે દર મહિનાની ર૪ તારીખે રિટર્ન ફાઇલ કરવાનું જાહેર કરાયું છે. વન નેશન વન ટેકસ જીએસટીમાં એક જ રિટર્ન ફાઇલ કરવા માટે પહેલી વાર કુલ ત્રણ તારીખ જાહેર કરવામાં આવી છે. આ નવા ફેરફાર બાદ વેપારીઓ જીએસટીને વન નેશન મલ્ટિપલ ડેટ તરીકે ઓળખવા લાગ્યા છે. આ માટેનું નોટિફિકેશન તો જાહેર કરી દેવાયું છે, પરંતુ ક્રેડિટ ન મળવી, રિટર્ન ફાઇલમાં ડેટા મેચ ન થવા જેવી મુશ્કેલી એની એ જ રહેશે.

(3:22 pm IST)