Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

ખેડૂતો માટે સસ્તા ખાતરની વ્યવસ્થા કરશે સરકાર

બજેટમાં ખેડૂતો માટે થશે મોટું એલાન : ખેડૂતો ઓછી કિંમતે ખાતર ખરીદી શકશેઃ ગેસ સબસીડી માફક જ ખાતર સબસીડી ઉપલબ્ધ થશે : કાચા માલ પર લાગતી આયાત ડ્યુટીમાં થશે ઘટાડો

નવી દિલ્હી તા. ૨૮ : કેન્દ્ર સરકાર આગામી બજેટમાં ખેડૂતો માટે મોટું એલાન કરશે. સરકાર મિશન મેક ઇન ઇન્ડિયા હેઠળ દેશમાં ખાતર બનાવાનું સસ્તુ કરશે. જેનાથી ખેડૂતોને અત્યારથી સરખામણીએ ઓછી કિંમત પર ખાતર મળી શકશે.

એટલું જ નહિ પાંચ ટ્રિલીયન ડોલરની ઇકોનોમી બનાવાની દિશામાં ભારત આવનારા દિવસોમાં ખાતરના નિકાસનો માર્ગ પણ ખોલશે. સૂત્રોના જણાવ્યા મુજબ હાલના સમયમાં ખાતરની મોટા પાયે આયાત થાય છે. તેનાથી ફકત સરકારનું આયાત બિલ જ નહી પરંતુ ખેડૂતો સુધી પહોંચનાર ખાતરની કિંમત પણ વધે છે. તેના પર અપાતી સબસીડીનો બોજ પણ સરકાર પર પડે જ છે.

એવામાં સરકાર વિચારી રહી છે કે દેશમાં ખાતર માટે જરૂરી કાચો માલ સસ્તો કરવામાં આવે. વિદેશોથી આયાત થનારો કાચો માલ સસ્તો કરવા માટે તેના પર લાગતી આયાત ડયુટીને ઘટાડી શકાય છે. અંદાજ લગાવામાં આવી રહ્યો છે કે, સરકાર ડાઇ એમોનિયમ ફાસ્ફેટના ઉપયોગ માટે કાચા માલ પર લાગતી ડયુટીને ઘટાડશે.

હાલના સમયમાં ડીએપીના કાચા માલ પર પાંચ ટકા આયાત ડયુટી લાગે છે. દેશમાં ડીએપી માટે ૯૫ ટકા કાચો માલ આયાત કરવામાં આવે છે. સરકાર આવનારા દિવસોમાં ખેડૂતોના ખાતામાં ગેસ સબસીડી હેઠળ સીધી ખાતર સબસીડી પણ ટ્રાન્સફર કરવાની વ્યવસ્થા કરી શકે છે. સીધી ખાતામાં સબસીડી પહોંચ્યા બાદ ખેડૂત તે રકમથી સમયાંતરે ખાતર ખરીદવા માટે આઝાદ થશે.

(11:34 am IST)