Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

મંદીનો માર? સૈનિકોના પગાર ચુકવવાના પણ પૈસા નથી

સશસ્ત્ર સીમા દળના ૯૪,૦૦૦થી વધુ જવાનો મુશ્કેલીમાં: દળ પાસે જાન્યુઆરી-ફેબ્રુઆરીના પગાર ચુકવવા જેટલા પૈસા નથી : અર્ધ સૈનિક દળોના તમામ ભથ્થાઓ અટકાવી દેવાયાઃ ૪ મહિનામાં બીજી વખત ભથ્થાઓ ઉપર લગામઃ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સીઆરપીએફના ૩ લાખ જવાનોનું ૩૬૦૦ રૂ.નું રાશન ભથ્થુ અટકાવી દેવાયુ હતું

નવી દિલ્હી, તા. ૨૮ :. દેશમાં આર્થિક મંદીની અસર શું સરહદે તૈનાત જવાનો પર પણ પડી રહી છે ? મળતા અહેવાલો મુજબ સરહદે તૈનાત સશસ્ત્ર સીમા દળના લગભગ ૯૦,૦૦૦ કર્મચારીઓને સરકાર તરફથી જાન્યુઆરી અને ફેબ્રુઆરીના ભથ્થાઓનું ચુકવણુ કરવામાં આવ્યુ નથી. ૪ મહિનામાં આ બીજો મોકો છે કે જ્યારે અર્ધ સૈનિક દળોના કર્મચારીઓના ભથ્થા રોકવામાં આવ્યા હોય. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સીઆરપીએફના ૩ લાખ જવાનોનું રૂ. ૩૬૦૦નું રાશન ભથ્થુ રોકી દેવામાં આવ્યુ હતું. ધ ટેલીગ્રાફના એક રીપોર્ટ અનુસાર સૈન્ય કર્મચારીઓને મળતા ચાઈલ્ડ એજ્યુકેશન ભથ્થુ પણ નથી ચુકવાયું. આનુ કારણ ફંડની અછત અથવા તો નાણાની અછત આપવામાં આવી રહ્યુ છે.

મળતા અહેવાલો મુજબ સીમા દળે સરકારને જણાવ્યુ છે કે અમારી પાસે આવતા બે મહિનાનું વેતન દેવાના પૈસા નથી. સરકાર ભલે આર્થિક મંદીની વાતનો ઈન્કાર કરે પરંતુ બજેટ નજીક આવવાની સાથે જ આ મુદ્દો વધુ ચર્ચામાં આવી રહ્યો છે.

મળતા અહેવાલો અનુસાર છેલ્લા ૪ મહિનામાં આ બીજો મોકો છે જ્યારે અર્ધ લશ્કરી દળોના કર્મચારીઓનુ ભથ્થુ અટકાવી દેવાયું હોય. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સીઆરપીએફના ૩ લાખ જવાનોનું રૂ. ૩૬૦૦નુ રાશન ભથ્થુ અટકાવી દેવાયુ હતું. આનુ કારણ એ હતુ કે ગૃહ મંત્રાલયે ફંડની અછતને લઈને મોકલાયેલા ૩ રીમાઈન્ડરને અવગણ્યા હતા. સરકાર એવા ઢોલ વગાડે છે કે તે જવાનોની પડખે છે પરંતુ વાસ્તવિકતા અલગ હોવાનું જણાય છે. મામલો સામે આવી ગયા બાદ વિવાદ વધ્યો હતો અને એ જોઈને સરકારે ઓકટોબર મહિનામાં ફંડ જારી કર્યુ હતું. અત્રે નોંધનીય છે કે સશસ્ત્ર સીમા દળમાં ૯૪૨૬૧ કર્મચારીઓ છે. જેઓ નેપાળ અને ભુટાન સાથે લાગેલી ૨૪૫૦ કિ.મી. લાંબી સરહદ પર નજર રાખે છે. તેઓ બાતમીઓ એકઠી કરે છે અને માઓવાદી બેલ્ટમાં આંતરીક સુરક્ષા માટે મદદ પણ કરે છે. તેઓ જમ્મુ કાશ્મીર અને આસામના બોડો ત્રાસવાદીના વિસ્તારોમાં પણ સુરક્ષા કરે છે.

મળતી માહિતી અનુસાર એસએસબી એટલે કે સશસ્ત્ર સીમા દળ તરફથી ૨૩ જાન્યુઆરીના રોજ જારી આંતરીક પત્ર વ્યવહાર દરમિયાન તમામ જવાનોના ભથ્થા બે મહિના માટે રોકી દેવાની જાહેરાત કરી દેવામાં આવી હતી. જેમાં ચાઈલ્ડ એજ્યુકેશન ભથ્થુ અને લીવ ટ્રાવેલ કન્સેશન પણ સામેલ છે.

પરિપત્રમાં જણાવાયુ છે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીના પગારના બીલો કલીયર કરવા જેટલુ તેની પાસે ફંડ નથી તેથી ભથ્થાઓ અટકાવી દેવામાં આવ્યા છે.

જો કે ગૃહ મંત્રાલયના પ્રકવતાનું કહેવુ છે કે ફંડની કોઈ અછત નથી.

(11:37 am IST)