Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

અફઘાનિસ્તાનથી દિલ્હી આવી રહેલું વિમાન ક્રેશઃ૧૧૦નાં મોતની આશંકા

વિમાન પડતાની સાથે જ આગની જવાળામાં લપેટાઈ ગયું હતુ

કાબુલ, તા.૨૮: અફદ્યાનિસ્તાનમાં સોમવારે એક પ્રવાસી વિમાન ક્રેશ થયું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પૂર્વ ગઝની પ્રાંતમાં સોમવારે સ્થાનિક સમય પ્રમાણે ૧.૧૦ કલાકે આ દુર્દ્યટના બની હતી. સૂત્રોના મતે અફદ્યાન એરલાઈન્સનું વિમાન તૂટી પડયું હતું. જે વિસ્તારમાં વિમાન તૂટી પડયું હતું તે વિસ્તાર તાલિબાનના નિયંત્રણ હેઠળનો હતો. કેટલા લોકોના મોત થયા છે તે અંગે કોઈ નક્કર માહિતી નથી. આ પ્લેનમાં ૧૧૦ પ્રવાસીઓ સવાર હતા તેવી માહિતી પ્રાથમિક ધોરણે મળતી હતી. તમામ પ્રવાસીઓના મોત થયાની આશંકા છે. આ વિસ્તારમાં રાહત અને બચાવ માટે વિશેષ ટુકડી મોકલવામાં આવી છે. તેની પાસેથી નક્કર માહિતી મળી શકે તેમ છે. વિમાન પડતાની સાથે જ આગની જવાળામાં લપેટાઈ ગયું હતું. કેટલા લોકોના મોત થયા તે અંગે જાણ થઇ નથી.

ગઝની પ્રાન્તના ગવર્નરના પ્રવકતા આરિફ નૂરીએ જણાવ્યું કે, જે સ્થળે વિમાન તૂટયું છે તે તાલિબાનોના નિયંત્રણ હેઠળનો વિસ્તાર છે. બપોરે ત્યાં પ્લેન તૂટી પડયું હતું. પ્લેન તૂટવાના કારણો અંગે કોઈ માહિતી મળતી નથી. સૂત્રોના મતે તાલિબાનોએ આ પ્લેન તોડી પાડયું હોય તેવી પણ શકયતા છે. બીજી તરફ સરકારી સૂત્રો જણાવે છે કે, શિયાળામાં આ વિસ્તારમાં સખત ઠંડી પડે છે અને વાતાવરણ પણ અયોગ્ય હોય છે. ખરાબ વાતાવરણને પગલે ધુમ્મસને કારણે વિમાન તૂટી પડયું હશે. બીજી તરફ એવો પણ દાવો કરાયો છે કે, અફદ્યાનિસ્તાનથી દિલ્હી માટે ઉડેલી તેની ફ્લાઈટ સુરક્ષિત છે. તેમાં ૧૧૦ લોકો સવાર હતા તે પણ સલામત છે. તેમની કોઈ ફ્લાઈટ તૂટી પડી નથી.

એરિયાના એરલાઈન્સ અફદ્યાનિસ્તાનની સૌથી મોટો એરલાઈન સર્વિસ છે. એરલાઈન્સના સૂત્રોએ જણાવ્યું કે, તેમનું બોઈંગ ૭૩૭-૪૦૦ પર્વતીય વિસ્તારમાં તૂટી પડયું છે. તૂટી પડેલું વિમાન અંદાજે ૩૦ વર્ષ જૂનું હતું. ગઝની પ્રાન્તના અધિકારીઓએ જણાવ્યું કે, ટેકિનકલ ફોલ્ટના કારણે વિમાન તૂટી પડયું હતું. તેના એન્જિનમાં કોઈ ખામી સર્જાતા વિમાન ધડાકા સાથે તૂટી પડયું હતું.(૨૩.૩)

(10:42 am IST)