Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

કાશ્મીર સરહદે પાકિસ્તાની 'ડ્રોન' દેખાતા તોડી પડાયુ

સુરક્ષાદળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું

શ્રીનગર તા. ૨૮ : જમ્મુ-કાશ્મીરમાં ભારત-પાકિસ્તાન સીમા પર સુરક્ષા દળોએ એક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું હતું તેની સાથે બીએસએફે તપાસ શરુ કરી છે. ચીની બનાવટનું આ પાકિસ્તાની ડ્રોન રવિવારે સાંજે જમ્મુના આરએચપુરા વિસ્તારમાંથી મળ્યું હતું. માનવામાં આવે છે કે પ્રજાસત્તાક દિને પાકિસ્તાન તરફથી સીમામાં ઘૂસપેઠ કરાવવા માટે આ ડ્રોનનો ઉપયોગ કરાયો હતો.

સીમા સુરક્ષા દળોએ સોમવારની રાત્રે જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સીમા પર એક પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યું હતું. આ ડ્રોન કેમેરા વિનાનું હતું.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ભારત-પાકિસ્તાન સીમા પર ડ્રોન મળ્યા છે. સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે સામાન્ય રીતે ભારતીય ક્ષેત્રમાં સેનાનું લોકેશન કે અન્ય હલચલ જાણવા ડ્રોનનો ઉપયોગ થાય છે. વધુમાં જમ્મુ-કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાનાં બિજબહેરા વિસ્તારમાં ગઇકાલે સુરક્ષાકર્મીઓ અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી ઠાર થયો હતો. આ કાર્યવાહીમાં સુરક્ષા દળનો એક જવાન શહીદ થયો હતો. દરમિયાન આતંકીઓ પાસેથી ભારે માત્રામાં હથિયારો જપ્ત થયા હતાં.

(10:33 am IST)