Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

અત્તરના વેપારી પિયુષ જૈન પાસેથી મળી ૧૦૦૦ કરોડની સંપત્તિ

૬૦ કલાકથી ચાલુ છે એકધારૂ સર્ચ ઓપરેશનઃ દિવાલોમાંથી નીકળી રહ્યુ છે સોનુઃ જમીનમાંથી નીકળી રહ્યા છે નોટોના બંડલઃ ૧૮૫ કરોડ રોકડા, ૧૨૫ કિલો સોનુ, કાનપુરથી લઈને દુબઈ સુધીની પ્રોપર્ટી ધરાવતો જૈન ચલાવે છે માત્ર બાઈકઃ જીવન પણ સાદુ જીવે છે

નવી દિલ્હી, તા. ૨૭: ખુશ્બુના શહેરમાં ખજાનાની શોધમાં આવેલી જીએસટીની વિજીલન્સ ટીમ સતત ૬૦ કલાકથી સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આ દરમિયાન ટીમના ઓફિસરોએ ઉંંઘ પણ લીધી નથી. એટલુ જ નહિ છેલ્લા ૬૦ કલાકથી સર્ચ ઓપરેશન ચાલુ છે. વેપારી પિયુષ જૈનના ઘરે ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં ૧૮૦ કરોડ રૂા. જપ્ત થયા બાદ કનૌજથી કરોડોની કેશ, ૧૨૫ કિલો સોનુ તથા અબજોની સંપત્તિના દસ્તાવેજો મળ્યા છે. ડીજીજીઆઈના દરોડામાં અત્યાર સુધી ૧૦૦૦ કરોડની સંપત્તિનો ખુલાસો થયો છે. કાનપુર બાદ ટીમ પિયુષ જૈનના કનૌજ સ્થિત નિવાસની તપાસ કરી રહી છે. તેના ૭ ઘરોની દિવાલો, છુપા ખાનાઓ, કબાટો અને લોકરોને તોડવામાં આવી રહ્યા છે. જે કબાટમાં કટર ચાલી રહ્યા છે તેમાંથી નોટોનો વરસાદ થઈ રહ્યો છે. અભેદ લોકરોમાંથી ૧૨૫ કિલો સોનુ મળી ચૂકયુ છે.
દરોડામાં રોકડ અને સોનાની સાથે મોટી સંખ્યામાં પ્રોપર્ટીના દસ્તાવેજ પણ મળ્યા છે. અત્યાર સુધી કાનપુરમાં ૪, કનૌજમાં ૭, મુંબઈમાં ૨, દિલ્હીમાં ૧ અને દુબઈમાં ૨ પ્રોપર્ટી સામે આવી છે. બધી જ સંપત્તિઓ વૈભવી વિસ્તારોમાં છે.
કનૌજમાં પિયુષ જૈનના ઘરની દિવાલોમાંથી સોનુ બહાર નિકળી રહ્યુ છે. જ્યારે જમીનમાંથી રૂપિયાના બંડલો મળી રહ્યા છે. ગઈકાલ સાંજ સુધી ૧૨૫ કિલો સોનુ મળ્યુ છે. ૯ કોથળા ભરી રોકડ મળી છે. ૫૦થી વધુ કોથળામાં ઓફિસરોએ ૩૫૦ ફાઈલો અને ૨૭૦૦ દસ્તાવેજો મુકયા છે. આ રોકડા પિયુષના બેડરૂમમાં બેડની અંદરથી મળી આવ્યા છે. રૂમમાં જ બેડની નીચેથી લોકર મળ્યા છે.
ઓફિસરોને કનૌજ સ્થિત સંકુલોમાંથી ૫૦૦ ચાવી મળી છે. તાળા ખોલવામાં ઓફિસરોને મહેનત પડી રહી છે. કારીગરોને બોલાવવામાં આવી રહ્યા છે. અમુક તાળા તોડવામાં આવી રહ્યા છે.
પિયુષ જૈનના કિલેનુમા ઘરની દિવાલો તોડતા અને જમીન ખોદતા મોટી સફળતા મળી. જ્યાંથી ગુપ્ત દસ્તાવેજો મળ્યા, દિવાલોની વચ્ચે કે જમીનની નીચે તિજોરી છે. એકસ-રે મશીનોની મદદ લેવામાં આવી છે.
જેના ઘરમાંથી ૧૮૫ કરોડ રૂપિયા મળે તેની પાસે ઓછામાં ઓછી બે-ચાર કાર હોય તે મામુલી બાબત ગણાય પણ પિયુષનો હિસાબ કિતાબ અલગ છે. પૈસાની ગંધ બહાર ન જાય તે માટે તા સાદુ જીવન જીવે છે. ૧૫ વર્ષ જૂની ગાડી વેચી હાલમાં નવી ગાડી લીધી હતી પણ પિયુષ ખુદ બાઈક ચલાવે છે. તેણે નોટો ભરવા માટે ઘરની સુરક્ષા પર ભારે ખર્ચ કર્યો છે. ચારેતરફ કાંટાળી વાડ લગાડી છે.
ઓફિસરો સાથે પોલીસ પણ મદદમાં છે.

 

(10:25 am IST)