Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

૨૦૨૨માં વૈશ્વિક અર્થતંત્રની ગાડી આવશે પાટા પર ! પ્રથમ વખત ૧૦૦ લાખ કરોડ ડોલરને પાર થશે વર્લ્ડ ઇકોનોમી

૨૦૨૨માં ભારતીય અર્થતંત્ર ફ્રાન્સના અર્થતંત્રથી આગળ વધી જશે

નવી દિલ્હી,તા. ૨૭: વૈશ્વિક અર્થતંત્ર પ્રથમ વખત ૨૦૨૨માં ૧૦૦ લાખ કરોડ ડોલરને પાર થઇ જશે તેમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. આ અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વના પ્રથમ નંબરના અર્થતંત્ર તરીકે અમેરિકાનું સ્થાન લેવામાં ચીનને ધારણા કરતા વધુ વર્ષો લાગશે.

બ્રિટિશ કન્સલટન્સી સીઇબીઆરના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ૨૦૩૦માં ચીન વિશ્વનું પ્રથમ નંબરનું અર્થતંત્ર બની જશે. આ અગાઉ વર્લ્ડ ઇકોનોમિક લીગ ટેબલ રિપોર્ટમાં અંદાજ મૂકવામાં આવ્યો હતો કે ૨૦૨૮માં ચીન અમેરિકાને પછાડીને વિશ્વનું પ્રથમ નંબરનું અર્થતંત્ર બની જશે.

સીઇબીઆરના જણાવ્યા અનુસાર ૨૦૨૨માં ભારતીય અર્થતંત્ર ફ્રાન્સના અર્થતંત્રથી આગળ વધી જશે. ત્યારબાદ ૨૦૨૩માં ભારતીય અર્થતંત્ર બ્રિટનથી આગળ નીકળીને વિશ્વનું છઠ્ઠા નંબરનું અર્થતંત્ર બની જશે.

સીઇબીઆરના ડેપ્યુટી ચરેમેન ડોગલાસ મેકવિલિયમ્સના જણાવ્યા અનુસાર ૨૦૨૧થી ૨૦૩૦ સુધીના વર્ષોમાં સૌથી મોટો પડકાર એ છે કે વિશ્વના અર્થતંત્રો કેવી રીતે ફુગાવાનો સામનો કરશે. અમેરિકામાં ફુગાવો વધીને ૬.૮ ટકા થઇ ગયોે છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે કેટલીક વસ્તુઓ ફુગાવાને અંકુશમાં રાખશે અને જો એમ નહીં થાય તો વિશ્વને ૨૦૨૩ અને ૨૦૨૪માં મંદીનો સામનો કરવો પડશે. આ અહેવાલ મુજબ ૨૦૩૩માં જર્મનીનું અર્થતંત્ર જાપાનના અર્થતંત્રથી આગળ વધી જશે. રશિયા ૨૦૩૬ સુધીમાં વિશ્વના ટોચના ૧૦ અર્થતંત્રોમાં સામેલ થઇ જશે. ૨૦૩૪માં ઇન્ડોનેશિયા નવમા ક્રમે આવી જશે.

(10:03 am IST)