Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

કોઇ પણ સ્વનિર્ભર શાળા નફાખોરી ન જ રળી શકે

ગુજરાત સરકારની ધારદાર દલીલો રહી : વાલીઓ-વિદ્યાર્થીઓના વિશાળ હિતને ધ્યાનમાં રાખીને કાયદો બનાવ્યો હોવાની રજૂઆત સરકાર વતી થઇ હતી

અમદાવાદ,તા. ૨૭ : સ્કુલ ફી નિયમનના સંદર્ભમાં ગુજરાત હાઈકોર્ટ તરફથી આજે ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતો. રાજય સરકાર તરફથી મુખ્ય સરકારી વકીલ મનીષા લવકુમાર શાહે બહુ મહત્વપૂર્ણ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, સ્વનિર્ભર શાળાઓ શિક્ષણના નામે વ્યાપારીકરણ કે નફાખોરી રળી શકે નહી. સરકારે વાલીઓ અને વિદ્યાર્થીઓના વિશાળ હિતને ધ્યાનમાં રાખીને કાયદો અમલી બનાવ્યો છે. ખાનગી સ્વનિર્ભર શાળાઓ દ્વારા વાલીઓ પાસેથી ઉઘરાવાતી બેફામ અને અમર્યાદિત ફીને નિયંતિત્ર કરવાના ઉમદા હેતુસર જ સરકારે આ કાયદો લાગુ કર્યો છે. શાળાઓ એ ચેરિટેબલ ટ્રસ્ટ કે કંપનીના ધોરણે ચાલે છે અને તેથી તેઓ નફાખોરી રળી શકે નહી. સરકારે ફી નિર્ધારણ કમીટી બનાવી છે અને તે શાળાની ફી, ખર્ચ, ફુગાવા, શિક્ષકોના પગારધોરણ સહિતની બાબતોને ધ્યાનમાં લઇને ફી નક્કી કરશે. આ કાયદામાંથી સ્વનિર્ભર શાળાઓ, લઘુમતી શાળાઓ કે કોઇ બાકાત રહી શકે નહી કારણ કે, કાયદો સૌકોઇને એકસમાન રીતે જ લાગુ પડે. શાળાઓ તરફથી આરટીઇ એકટ હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને પ્રવેશ આપવાની જોગવાઇ હોવાથી આ કાયદાની જરૂરિયાત નહી હોવાનો જે મુદ્દો ઉપસ્થિત કર્યો હતો તે મુદ્દે સરકારે જણાવ્યું હતું કે, આરટીઇ એકટ અને સ્વનિર્ભર શાળા ફી નિયમન કાયદો બંને અલગ અલગ છે. આરટીઇ એકટમાં ૬થી ૧૪ વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જોગવાઇ છે, જયારે પ્રસ્તુત કાયદામાં ફી નિયંત્રિત કરવાની વાત છે, આમ બંને કાયદાનો હેતુ અને અમલીકરણ અલગ અલગ છે, તેથી શાળા સંચાલકોની રિટ અરજીઓ ટકી શકે તેમ નથી. કાયદાકીય અને બંધારણીય જોગવાઇ મુજબ, રાજયમાં શિક્ષણ મફત હોવું જોઇએ પરંતુ ખાનગી સ્વનિર્ભર શાળાઓના સંચાલકોને મફત કે યોગ્ય ફીના ધોરણે શિક્ષણ આપવામાં રસ નથી, તેઓને તેમની શાળાઓના તગડા ખર્ચાઓ કાઢવા અને નફાખોરી રળવામાં રસ છે. ખાનગી સ્વનિર્ભર શાળા સંચાલકોને તેમના ખર્ચાઓ કઇ રીતે વસૂલવા તેની ચિંતા છે પરંતુ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની ચિંતા નથી.

વાસ્તવમાં તેઓને સરસ્વતીની નહી, લક્ષ્મીની ચિંતા છે. ખાનગી સ્વનિર્ભર શાળા સંચાલકોને તેમના ખર્ચાઓ કાઢવાની અને નફાખોરી રળવાની ચિંતા છે પરંતુ કાયદેસર કે યોગ્ય ફી માં વિદ્યાર્થીઓને તેમના અધિકારનું શિક્ષણ પ્રાપ્ત થાય તેમાં જરાપણ રસ નથી. સરકારે બંધારણીય અને કાયદાકીય જોગવાઇને ધ્યાનમાં રાખીને જ વિદ્યાર્થીઓ અને વાલીઓના વિશાળ હિતમાં આ કાયદો અમલી બનાવ્યો છે, ત્યારે કાયદેસરતાને પડકારવાનો કોઇ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી, સંચાલકોની રિટ અરજીઓ ટકી શકે તેમ જ ના હોઇ હાઇકોર્ટે તેને ફગાવી દેવી જોઇએ. સરકારપક્ષની આ દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે ઉપરોકત સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો હતો. જેમાં સરકારની બહુ મોટી જીત થઇ છે.

ચુકાદાની અસર શું થશે

*    ગુજરાત હાઇકોર્ટના આ ચુકાદાને પગલે હવે રાજયભરની ખાનગી અને સ્વનિર્ભર શાળાઓ પોતાની મરજીમુજબની, મનસ્વી અને બેફામ ફી વસૂલી શકશે નહી

*    વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી ઉંચી તગડી ફી વસૂલવાની દુષ્પ્રવૃત્તિ પર રોક લાગશે

*    હાઇકોર્ટના આ ચુકાદાથી ખાનગી અને સ્વનિર્ભર શાળા અને તેના સંચાલકોની નૈતિક અને કાનૂની રીતે બહુ મોટી હાર થઇ છે

*    આ ચુકાદાને પગલે શાળા સંચાલકોની વર્ષોથી ચાલી આવતી ફી ની ઉઘાડી લૂંટની દુષ્પ્રવૃત્તિ સામે લગામ કસાશે

*    સરકારે કાયદામાં નિર્દિષ્ટ કરેલી જ ફી ખાનગી શાળાઓ વસૂલી શકશે

*    જો વધુ ફી વસૂલવી હશે તો તેના કારણો આપી ફી નિયમન કમીટી સમક્ષ રજૂઆત કરવી પડશે

*    શાળાની આ દરખાસ્ત પરત્વે ફી કમીટી કાયદાનુસાર નિર્ણય લેશે

(7:38 pm IST)