Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ઘીના ઠામમાં ઘી પડી ગયું...!

અરુણ જેટલીએ કર્યા ચાર લાઈનોના બે નિવેદનો અને વિપક્ષોએ પૂરું કરી દીધું મનમોહનસિંહ પરનુ સંસદનું 'ડેડલોક'

નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ અને પૂર્વ વાઇસ પ્રેસિડન્ટ હમીદ અન્સારી પરના નિવેદન બાદ સંસદની મડાગાંઠ આજે બુધવારે પૂરી થઈ હતી. મુખ્ય વિરોધ પક્ષ કૉંગ્રેસની માંગ બાદ આજે નાતાલની રજાઓ પછી સંસદ સત્ર શરૂ થયું ત્યારે નાણાપ્રધાન અરુણ જેટલીએ રાજ્યસભામાં આ મુદ્દે સરકાર વતી સફાઈ આપી હતી.

ગૃહના નેતા અરૂણ જેટલીએ બે વાક્યના નિવેદનમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એ ટીપ્પણીયો નો જવાબ આપ્યો હતો જેના માટે છેલ્લા ઘણા દિવસથી કોંગ્રેસપક્ષ સંસદની કાર્યવાહીને ચાલવા દેતો ન હતો.

લંચ પછી, અરુણ જેટલીએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અથવા પૂર્વ વાઇસ પ્રેસિડન્ટ હમીદ અન્સારીની દેશભક્તિ અને નિષ્ઠા અંગે કોઈ પ્રશ્ન ઉઠાવ્યો નથી અને તેમનો આવો કોઈ પણ પ્રકારનો ઇરાદો પણ નથી. આવી ધારણાઓ ખોટી છે. અમે આ નેતાઓનો આદર કરીએ છીએ, તેમજ દેશ માટે તેમની પ્રતિબદ્ધતા ને પણ સ્વીકારીએ છીએ.

જેટલીના સંક્ષિપ્ત નિવેદન બાદ, વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ ગુલામ નબી આઝાદે પણ રાજ્યસભામાં નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે  'અમે ગૃહના નેતાના નિવેદનોનો આદર કરીએ છીએ. હું એ પણ કહેવા માગું છું કે અમે પોતે પણ વડાપ્રધાનના પદની પ્રતિષ્ઠાને નીચી પાડવા નથી માંગતા. તેથી, અમે ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન સામે કરેલી કોઈપણ ટિપ્પણી અને નિવેદનોને પણ સમર્થન આપતા નથી. વડાપ્રધાન સામે કોઈ અપમાનજનક નિવેદન આપવું જોઈએ નહીં. '

જો કે, જ્યારે અરૂણ જેટલીએ આ નિવેદન કર્યું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે સમયે સદનમાં હાજર ન હતા. જ્યારે વડાપ્રધાન પોતે સદનમાં આ મુદ્દે નિવેદન આપે એવી માંગ કરતો કોંગ્રેસ પક્ષ, પછીથી સંમત થઈ ગયો હતો કે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં ભાજપના કોઈ નેતા આ મુદ્દા પર પ્રતિક્રિયા આપે.

અરુણ જેટલીના જવાબ સાથે સંસદની કાર્યવાહી, જે છેલ્લા અઠવાડિયાથી સારીરીતે ચાલી શક્તિ નહોતી, તે સારીરીતે રીતે શરૂ થઈ ગઈ હતી. કોંગ્રેસે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તે સદનને ભવિષ્યમાં પણ યોગ્ય રીતે ચાલુ રેહવા દેશે. હવે કહી શકાય ને આને ' ઘીના ઠામમાં ઘી પડી ગયું...!'

(7:39 pm IST)