Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

કેન્દ્રીય મંત્રીના સંવિધાનના નિવેદન પર સંસદમાં હોબાળો

સંસદસત્ર શરૂ થયાના ૧૦ દિવસ પછી પણ કાર્યવાહી ઠપ્પઃ મોદીની માફી પર કોંગ્રેસ અડગ :લોકસભાની કાર્યવાહી સ્થગિત

નવી દિલ્હી તા. ૨૭ : કેન્દ્રીય મંત્રી અનંતકુમાર હેગડેનું ધર્મનિરપેક્ષતા પર બનેલા મજાક હવે વિવાદાસ્પદ રહ્યું છે અને આ વિવાદના કારણે સંસદનો આજનો દિવસ પણ હોબાળામાં જ ગયો હતો. લોકસભામાં કોંગ્રેસના સખ્ત વિરોધ બાદ કાર્યવાહી સ્થગિત કરાઇ. ગઇકાલે હેગડેએ કહ્યું હતું કે, જો તમે ધર્મ નિરપેક્ષ હોવાનો દાવો કરો છો, તો એ શંકા સર્જાય છે કે, તમે કોન છો? હેગડેએ કહ્યું કે, તેઓ સંવિધાનનું સમ્માન કરે છે પરંતુ આવનારા દિવસોમાં તેને બદલવું પડશે.

પાંચ વારના લોકસભા સાંસદ અને કેન્દ્રીય મંત્રીના આ નિવેદન પર સંસદમાં ભારે હોબાળો જોવા મળ્યો. સંસદ શરૂ થતાની સાથે જ રાજ્યસભામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, જો કોઇ નેતાને સંવિધાનમાં વિશ્વાસ નથી તો તેને સંસદસભ્ય હોવાનો પણ કોઇ હક નથી. સંસદનું શિયાળુ સત્ર આ વખતે પણ ખાલીખમ જોવા મળી રહ્યું છે. સંસદ સત્રને શરૂ થયાના ૧૦ દિવસ થયા પરંતુ કોઇ કાર્યવાહી થઇ નથી. મનમોહનસિંહ પર મોદીએ ગુજરાત ચુંટણી દરમિયાન લગાવેલા આરોપની માફી પર કોંગ્રેસ અડગ છે. કોંગ્રેસે નિયમ ૨૬૭ મુજબ રાજ્યસભાને સ્થગિત કરવાની માંગ કરી છે. ભાજપે નોટીસ જાહેર કરીને લોકસભામાં પોતાના બધા સાંસદોને હાજર રહેવાનો આદેશ કર્યો છે.

(3:56 pm IST)