Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ઉત્તરાયણ બાદ ટીમ રાહુલને લઇને ચિત્ર સ્પષ્ટ થઇ શકે છે

હાલમાં જુની ટીમ જ કામ કરી રહી છે : રિપોર્ટ : રાહુલે હાલ સંગઠનમાં ફેરફાર કરવાની તૈયારી કરી નથી

નવી દિલ્હી તા. ૨૭ : કોંગ્રેસના પ્રમુખ તરીકે રાહુલ ગાંધીની તાજપોશીને બે સપ્તાહથી વધારે સમય થઇ ગયો હોવા છતાં હજુ સુધી તેમની ટીમને લઇને કોઇ ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યુ નથી. કોંગ્રેસમાં હાલમાં એજ ટીમ કામ કરી રહી છે જે પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની હતી. રાહુલે હાલમાં સંગઠનમાં ફેરફાર કરવા માટેની કોઇ ઉતાવળ દર્શાવી નથી. અલબત્ત ટીમને લઇને કવાયત અને ચર્ચા ચાલી રહી છે. એમ માનવામાં આવે છે કે રાહુલ ગાંધી ટીમને લઇને અંતિમ નિર્ણય માતા સોનિયા ગાંધી અને બહેન પ્રિયંકા વાઢેરા ગાધી સાથે કર્યા બાદ કરશે. ઉત્તરાયણ બાદ જ કોઇ નિર્ણય કરવામાં આવી શકે છે. સંગઠનમાં ફેરફાર ચોક્કસપણે કરવામાં આવનાર છે. હકીકત એ છે કે ટીમ રાહુલમાં જે કઇ પણ ફેરફાર થશે તે લોકસભાની સાથે સાથે કેટલાક રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇને કરવામાં આવનાર છે. હજુ પણ સોનિયા ગાંધીની કોર ટીમ જ મોટા ભાગના મામલામાં રણનિતી નક્કી કરી રહી છે. જેમાં અહેમદ પટેલ અને મોતીલાલ વોરા જેવા નેતા સામેલ છે. જો કે સંગઠનમાં હાલમાં એક મોટો પ્રશ્ન અહેમદ પટેલની ભૂમિકાને લઇને છે. પટેલ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના રાજકીય સચિવ તરીકે છે. આવનાર દિવસોમાં તેમની ભૂમિકા શુ રહેશે તેને લઇને કોઇ વાત હજુ સુધી કરવામાં આવી નથી.

રાહુલ ગાંધીના રાજકીય સચિવ કોણ રહેશે તે અંગે કોઇ નિર્ણય કરાયો નથી. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યુ છે કે પટેલ સોનિયા ગાંધીના નહીં બલ્કે કોંગ્રેસના પ્રમુખના રાજકીય સચિવ તરીકે કામ કરે છે. હાઇ કમાન્ડ ઇચ્છે તો હાલમાં આ વ્યવસ્થા જારી રાખવામાં આવી શકે છે. એક સમય સોનિયા ગાંધી અને પટેલ વચ્ચે ખુબ અંતરની સ્થિતી હતી. છેલ્લા એક વર્ષમાં સ્થિતી બદલાઇ ગઇ છે.

(3:45 pm IST)