Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

કેન્દ્ર સરકારે મનરેગા યોજનાને સુધારવા માટે એક સમિતિ બનાવી : ત્રણ મહિનામાં આપશે અહેવાલ

સમિતિ ગરીબી નાબૂદીના સાધન તરીકે આ યોજનાની અસરકારકતાની તપાસ કરશે: ફેબ્રુઆરીમાં રજૂ થનારા બજેટ પહેલાં તેનો અહેવાલ રજૂ કરશે.

નવી દિલ્હી :કેન્દ્ર સરકારે મનરેગા યોજનાને સુધારવા માટે એક સમિતિની રચના કરી છે. આ સમિતિ ગરીબી નાબૂદીના સાધન તરીકે આ યોજનાની અસરકારકતાની તપાસ કરશે. પૂર્વ ગ્રામીણ વિકાસ સચિવ અમરજીત સિંહાની અધ્યક્ષતામાં આ સમિતિની પ્રથમ બેઠક 21 નવેમ્બરે મળી હતી. તેને તેના સૂચનો આપવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આ સમિતિ ફેબ્રુઆરીમાં રજૂ થનારા બજેટ પહેલાં તેનો અહેવાલ રજૂ કરશે.

મનરેગાનું પુરૂ નામ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો (MNREGA) છે. વિશ્વની સૌથી મોટી સામાજિક સુરક્ષા યોજનાઓમાંની એક, ગ્રામીણ વિસ્તારોમાં દર વર્ષે ઓછામાં ઓછા 100 દિવસની રોજગારી પૂરી પાડવાનું લક્ષ્ય રાખે છે. તેને 2006માં લાવવામાં આવી હતી અને હાલમાં આ યોજના હેઠળ 15 કરોડથી વધુ કામદાર આ યોજનામાં રજિસ્ટર્ડ છે. લૉકડાઉન દરમિયાન શહેરમાંથી પરત ફરેલા ગ્રામીણ લોકોને મનરેગા દ્વારા રોજગારી મળી છે

 સિંહા સમિતિને મનરેગાના કામ પાછળની માંગ, ખર્ચ પેટર્ન, રાજ્યોમાં માંગમાં તફાવત અને યોજનાની શરૂઆતથી રોજગાર પ્રદાન કરવાના વધારાના ખર્ચની સમીક્ષા કરવા કહેવામાં આવ્યું છે. તેમજ આ કમિટી આ યોજનાને વધુ અસરકારક બનાવવા શું ફેરફારો કરી શકાય તે અંગે સૂચન કરશે. સમિતિએ ગરીબ વિસ્તારોમાં યોજનાના વધુ સારી રીતે અમલીકરણ માટે ભલામણો પણ રજૂ કરવાની રહેશે.

 

ધ હિન્દુ અનુસાર, એક અધિકારીએ જણાવ્યું કે આ યોજના ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી દૂર કરવાના સાધન તરીકે રજૂ કરવામાં આવી હતી, પરંતુ ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યો કે જ્યાં ગરીબીનું સ્તર ઊંચું છે, તેમણે આ યોજનાનો યોગ્ય લાભ લીધો નથી. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે યોજનાના મૂળભૂત માળખામાં કોઈ ફેરફારની શક્યતા ઓછી છે કારણ કે મોટા ફેરફારોને સંસદ દ્વારા મંજૂર કરવામાં આવે છે.

 

કમિટીના એક સભ્યએ કહ્યું કે આવી યોજનાઓમાં ઘણીવાર મોટો તફાવત જોવા મળે છે. ઉદાહરણ તરીકે, બિહારમાં ગરીબીનું સ્તર ઊંચું છે, પરંતુ અહીં આ યોજનામાં પૂરતું કામ થઈ રહ્યું નથી. બીજી તરફ, આર્થિક રીતે વધુ સક્ષમ કેરળ આ યોજનાનો વધુ સારો ઉપયોગ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે બિહારને મનરેગાની વધુ જરૂર છે, પરંતુ કેરળને પણ પૈસા નકારી શકાય નહીં. આ જ કારણ છે કે મનરેગાની ટીકા થાય છે.

ટીકાકારનું કહેવું છે કે મનરેગા દ્વારા આવા કામ મજૂરો પાસેથી લેવામાં આવતા નથી, જેથી સંપત્તિનું સર્જન થઈ શકે. હવે આ કમિટી એ પણ જોશે કે આ યોજના હેઠળ થતા કામમાં ફેરફાર કરવાની જરૂર છે કે કેમ. જણાવી દઈએ કે આ વર્ષે આ યોજના માટે 73,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, જેમાંથી લગભગ 60,000 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે કેન્દ્ર સરકાર પાસે વધુ 25,000 કરોડની માંગણી કરી છે. મહામારી દરમિયાન મનરેગાએ મોટો ટેકો આપ્યો હતો. તમામ ટીકાઓ છતાં, આ યોજનાએ કોરોના રોગચાળા દરમિયાન રક્ષણાત્મક કવચ તરીકે કામ કર્યું. શહેરોમાંથી પાછા ફરેલા પરપ્રાંતિય મજૂરોને મનરેગા હેઠળ કામ મળ્યું અને તેમનું ગુજરાન ચાલ્યું

(12:01 am IST)