Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

'ઉદય' કોવિડની આગમાં પાંચ જીવનો અકાળે 'અસ્ત': ૨૮ બચી ગયાઃ લાખોની ફી પણ સુવિધાના નામે મીંડુઃ સ્વજનોનો આક્રોશ

રાજકોટના આનંદ બંગલા ચોકમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડીરાતે મોતનું તાંડવઃ નાસભાગ-બચવા માટે અમુક દર્દીઓ બાથરૂમમાં સંતાયાઃ કાચ તોડી બહાર કઢાયાઃ ગ્રાઉન્ડ ફલોરમાં લાગેલી આગ ઉપરના માળે આઇસીયુ સુધી પહોંચ્યાની શકયતાઃ સેનેટાઇઝર-ઓકિસજનને કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યાની શકયતા : રાજકોટ સામા કાંઠાની શકિત સોસાયટીના કેશુભાઇ લાલજીભાઇ અકબરી (ઉ.વ.૫૦), પ્રહલાદ પ્લોટના સંજયભાઇ અમૃતલાલ રાઠોડ (ઉ.વ.૫૭), મોરબીના નિતીનભાઇ મણીલાલ બદાણી (ઉ.વ.૬૧), જસદણના નિવૃત એએસઆઇ રામશીભાઇ મોતીભાઇ લોહ (ઉ.વ.૬૨) અને ગોંડલના રસિકલાલ શાંતિલાલ અગ્રાવત (ઉ.વ.૬૯)ના મોતઃફોરેન્સિક પેનલથી પોસ્ટ મોર્ટમઃ હોસ્પિટલ સીલ કરાઇ : વેન્ટીલેટરમાં સ્પાર્ક થયા બાદ ઓકિસજન પ્રવાહને કારણે આગ લાગ્યાનું પણ તારણ

મોતની પથારી : જે સાજા થઇ આવશે એવી આશા હતી, તેમના ભડથું થયેલા મૃતદેહ મળ્યા : આનંદ બંગલા ચોકમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાતે આઇસીયુમાં લાગેલી આગથી પાંચ-પાંચ જિંદગી અકાળે અસ્ત થઇ ગઇ છે. તસ્વીરમાં આઇસીયુની જે પથારીઓ હતી તે દર્દીઓ માટે મોતની પથારી બની ગઇ હતી. ભયાનક દ્રશ્ય જોઇ શકાય છે. બાજુની તસ્વીરોમાં જેમનો દૂર્ઘટનામાં ભોગ લેવાયો તે હતભાગીઓ રાજકોટના ન્યુ શકિત સોસાયટીના કેશુભાઇ અકબરી, પ્રહલાદ પ્લોટના સંજયભાઇ રાઠોડ, નીચે મોરબીના નિતીનભાઇ બદાણી અને જસદણના નિવૃત એએઅસાઇ રામશીભાઇ લોહની ફાઇલ તસ્વીરો..જે હવે સ્વજનો માટે સંભારણુ બની ગઇ છે તે તથા ગોંડલના રસિકલાલ અગ્રાવત સારવારમાં હતાં ત્યારે વિડીયો કોલ વખતે લેવાયેલી તસ્વીર જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૭: શહેરના મવડી રોડ પર આનંદ બંગલા ચોક જયંત કે. જી. સોસાયટી પાસે આવેલી ઉદય શિવાનંદ ગોકુલ યુનિટ કોવિડ સેન્ટર નામની હોસ્પિટલમાં મોડી રાતે સાડા બારેક વાગ્યે અચાનક આઇસીયુ વિભાગમાં આગ ભભૂકી ઉઠતાં નાસભાગ મચી ગઇ હતી. અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. દર્દીઓ બચવા માટે બાથરૂમમાં છુપાઇ ગયા હતાં. જો કે આ હતભાગી દૂર્ઘટનામાં કોરોનાની સારવાર લઇ રહેલા રાજકોટના બે, મોરબીના એક, જસદણના એક અને ગોંડલના એક મળી પાંચ દર્દીઓની જિંદગીનો અકાળે 'અસ્ત' થઇ જતાં પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો. પાંચેય મૃતદેહોને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. દૂર્ઘટનામાં ભોગ બનેલા પૈકીના એકાદ બે મૃતકના સ્વજનોએ ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે લાખોની ફી પણ સુવિધાના નામે મીંડુ, અમે તો અમારા સ્વજન સાજા થઇને બહાર આવે તેની રાહમાં હતાં. પણ અમને તેઓના ભડથું થઇ ગયેલા મૃતદેહ જ મળ્યા હતાં. સમગ્ર ઘટનાની તપાસ કરાવવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આદેશ આપ્યો છે.

ખળભળાટ મચાવતી આ દૂર્ઘટનાની વિગતો જોઇએ તો રાત્રીના સાડા બારેક વાગ્યે ઉદય કોવિડ હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફલોરથી ઉપરના માળે આવેલા આઇસીયુ યુનિટમાં આગ ભભૂકી ઉઠ્યાની જાણ થતાં ફાયર બ્રિગેડની છ ગાડીઓ પહોંચી ગઇ હતી. હોસ્પિટલના પહેલા માળે આઇસીયુ યુનિટ કે જ્યાં ૧૧ દર્દીઓ દાખલ હતાં ત્યાં આગ લાગ્યાનું જણાતાં ફાયર બ્રિગેડની ટીમોએ બચાવ કામગીરી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડની ટીમો આવી એ પહેલા હોસ્પિટલના સ્ટાફે કાચ તોડીને દર્દીઓને બચાવવા પ્રયાસ કર્યો હતો. જો કે ત્રણ દર્દીઓના આઇસીયુમાં જ ભડથું થઇ જતાં મોત નિપજ્યા હતાં. જ્યારે બાકીના બે ગંભીર રીતે દાઝયા હોઇ તેને બીજી હોસ્પિટલમાં લઇ જતી વખતે રસ્તામાં મોત નિપજ્યા હતા.

હોસ્પિટલમાં કુલ ૩૩ દર્દીઓ હતાં. જેમાં ૧૧ આઇસીયુમાં અને ૨૨ જનરલ વોર્ડમાં હતાં. ૩૩માંથી પાંચના મોત નિપજ્યા હતાં. જ્યારે બચી ગયેલા ૨૮માંથી ૨૩ને કુવાડવા રોડ પરની ગોકુલ હોસ્પિટલમાં અને બાકીના ૬ને વિદ્યાનગર રોડ પરની ગોકુલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આ તમામ દાઝયા નથી પણ કોરોનાની સારવાર માટે દાખલ કરવામાં આવ્યાનું જાણવા મળ્યું છે.

આગની આ દૂર્ઘટનામાં ત્રણ દર્દીઓ મોરબી સનાળા બાયપાસ ઇસ્કોન ફલેટમાં રહેતાં નિતીનભાઇ મણીલાલ બદાણી (જૈન વણિક) (ઉ.વ.૬૧), જસદણ અર્જુન પાર્કમાં રહેતાં રાજકોટ રૂરલના નિવૃત એએસઆઇ રામશીભાઇ મોતીભાઇ લોહ (રબારી) (ઉ.વ.૬૨) તથા ગોંડલના રસિકલાલ શાંતિલાલ અગ્રાવત (બાવાજી) (ઉ.વ.૬૯)ના આઇસીયુમાં જ ભડથું થઇ જતાં મોત નિપજ્યા હતાં. અન્ય બે દર્દીઓ જે ગંભીર રીતે દાઝી ગયા હતાં તે પ્રહલાદ પ્લોટ-૪૧માં કેદાર કૃપામાં રહેતાં સંજયભાઇ અમૃતલાલ રાઠોડ (કડીયા) (ઉ.વ.૫૭) અને રાજકોટ સામા કાંઠે ન્યુ શકિત સોસાયટી અંકુર પાનવાળી શેરીમાં આડા પેડક રોડ પર રહેતાં કેશુભાઇ લાલજીભાઇ અકબરી (લેઉવા પટેલ) (ઉ.વ.૫૦)ને કુવાડવા રોડ પરની હોસ્પિટલે લઇ જતી વખતે રસ્તામાં જ દમ તોડી દીધો હતો.

ઘટનાની જાણ થતાં પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમ, એસીપી પી. કે. દિયોરા, તાલુકા પીઆઇ જે. વી. ધોળા, યુનિવર્સિટી પીઆઇ એ. એસ. ચાવડા, માલવીયાનગર પીએસઆઇ વી. કે. ઝાલા, પરેશભાઇ જારીયા, મયુરભાઇ મિંયાત્રા સહિતનો સ્ટાફ તેમજ ક્રાઇમ બ્રાંચનો કાફલો પણ હોસ્પિટલે પહોંચ્યા હતાં અને તપાસ શરૂ કરી હતી.

ફાયર બ્રિગેડની ટીમોએ ભારે જહેમત ઉઠાવી આગ કાબુમાં લીધી હતી. પ્રાથમિક તારણ મુજબ વેન્ટીલેટરમાં સ્પાર્ક થતાં અથવા તો ગ્રાઉન્ડ ફલોરમાં શોર્ટ સરકિટ થયા બાદ ઉપરના આઇસીયુ યુનિટમાં આગ ભભુકયાની શકયતા છે. જો કે ફોરેન્સિક નિષ્ણાંતો અને સીસીટીવી ફૂટેજને તપાસ બાદ જ આગ કઇ રીતે લાગી તેની સાચી વિગતો બહાર આવશે.

પાંચેય મૃતદેહોને ફોરેન્સિક પેનલથી પોસ્ટ મોર્ટમ કરાવવા માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ મૃતકો પૈકીના કેશુભાઇ અકબરીના સ્વજનોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે લાખોનું બીલ વસુલવમાં આવતું હતું પરંતુ સુવિધાના નામે મીંડુ હતું. ફાયર સેફટીની પણ સુવિધા ન હોય તેવી અમને શંકા છે. અમે તો અમારા સ્વજન સાજા થઇને જલ્દી બહાર આવે તેની રાહ જોઇ રહ્યા હતાં પરંતુ હોસ્પિટલ તંત્રની બેદરકારીને કારણે અમારા પરિવારજનનો ભડથું થઇ ગયેલો મૃતદેહ અમારા હાથમાં આવ્યો છે.

અન્ય મૃતકોના સ્વજનોએ પણ હોસ્પિટલ સામે આક્ષેપો કરી આક્રોશ ઠાલવ્યો હતો. અમુકે તો હજુ ગઇકાલે જ પોતાના સ્વજન સાથે વિડીયો કોલીંગથી વાતો કરી હતી અને તેઓ જલ્દી સ્વસ્થ થઇ જશે તેવી આશા સેવી હતી. પણ કોઇને કયાં ખબર હતી કે મધરાતે આ સ્વજનની જિંદગીનો જ ઉદય કોવિડમાં અસ્ત થઇ જશે!?

ઘટનામાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ તાકીદે તપાસ કરવા આદેશ આપ્યા હોઇ પોલીસ કમિશનરશ્રીની દેખરેખ હેઠળ અને ડીસીપી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એસીપી જે. એસ. ગેડમ, પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ વી. કે. ઝાલા સહિતની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ દૂર્ઘટનાએ સોૈ કોઇને સ્તબ્ધ કરી દીધા છે. હોસ્પિટલના અંદરના દ્રશ્યો પણ હૈયા હચમચાવી મુકે તેવા હતાં. રાત્રે મૃતકના સ્વજનોને ઘટનાની જાણ થતાં હોસ્પિટલે દોડી આવતાં કરૂણ દ્રશ્યો સર્જાયા હતાં.

  • હોસ્પિટલમાં નાઇટ ડ્યુટીમાં ૪૦નો સ્ટાફ હતો
  • રાતે ૧૨ાા પછી અચાનક ધડાકો સંભળાયો, દોડીને ઉપર ગયો તો ધૂમાડાના ગોટા દેખાયા, તુરત મેં ફાયર બ્રિગેડને જાણ કરીઃ બધુ દસ જ મિનીટમાં પુરૂ થઇ ગયું:ફાર્માસીસ્ટ ધવલભાઇ

ઘટના કઇ રીતે અને કેટલા વાગ્યે બની તે જાણવાનો પ્રયાસ કરતાં ફાર્માસીસ્ટ ધવલભાઇ ખડંચાએ જણાવ્યું હતું કે  હું રાત્રે સાડા બાર પછી હોસ્પિટલના નીચેના ભાગે હતો. અચાનક ધડાકાના અવાજ સંભળાતા હું દોટ મુકીને ઉપર જતાં ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતાં. આગ લાગ્યાનું જણાતાં તુરત જ મેં ફાયર બ્રિગેડને જાણ કરતાં છ ગાડીઓ થોડી વારમાં જ આવીગઇ હતી. જો કે દસેક મિનીટમાં જ આખુ આઇસીયુ યુનિટ ખાક થઇ ગયું હતું. ચાર માળની હોસ્પિટલમાં નાઇટ ડ્યુટીમાં કુલ ૪૦નો સ્ટાફ હતો. અમુક સ્ટાફ અગાસી પર સ્ટાફ માટે બનાવાયેલા ટેન્ટમાં હતો. ત્યાં રાત્રી રસોડુ નાસ્તાની વ્યવસ્થા રખાઇ છે. ફાયર બ્રિગેડની ટીમે રાતે ૧૨:૪૬થી કામગીરી શરૂ કરી હતી જે વહેલી સવાર સુધી ચાલી હતી.

  • જ્યાં આગ લાગી એ હોસ્પિટલમાં દાખલ હતાં એ ૩૩ દર્દીઓની આ રહી નામાવલી

આનંદ બંગલા ચોકમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં રાત્રે સાડા બારેક વાગ્યે આઇસીયુ વિભાગમાં આગ ભભૂકતાં પાંચ દર્દીઓ ભડથું થઇ ગયા હતાં. હોસ્પિટલમાં કુલ ૩૩ દર્દીઓ સારવાર હેઠળ હતાં. તેમની નામાવલી 'અકિલા' પાસે આવી છે. જે આ મુજબ છે. જેમાં મૃતકોના નામ પણ સામેલ છે.

(૧) રામશીભાઇ મોતીભાઇ લોહ (૨) કેશુભાઇ અકબરી (૩) રસિકભાઇ અગ્રાવત (૪) સંજયભાઇ રાઠોડ (૫) નિતીનભાઇ બદાણી (૬) થાવરભાઇ મહેશભાઇ મહેશ્વરી (૭) અજીતભાઇ ભાટીયા (૮) મનસુખભાઇ આરદેસણા (૯) શોભનાબેન (૧૦) યોગીનીબેન બુચ (૧૧) ચારૂલત્તાબેન કોઠારી (૧૨) કિશોરભાઇ ધસંડીયા (આટલા દર્દીઓ આઇસીયુમાં હતાં) બાકીના જનરલ વોર્ડમાં દાખલ દર્દીઓમાં (૧૩) નયનાબેન નિશરાલીયા (૧૪) રંજનબા ઝાલા (૧૫) ગોવિંદભાઇ અકબરી (૧૬) નિર્મલાબેન રાઠોડ (૧૭) જયેન્દ્રસિંહ જાડેજા (૧૮) મંજુલાબેન રાણપુરા (૧૯) ગિરીશભાઇ ભીમાણી (૨૦) જલ્પાબેન તન્ના (૨૧) શ્રીધર બાંધા (૨૨) ગોવાભાઇ આંબલીયા (૨૩) પ્રવિણચંદ્ર લાખાણી (૨૪) વૈશાલી નંદાસણા (૨૬) તરૂલત્તાબેન પરમાર (૨૭) ઉર્મિલાબેન પરમાર (૨૮) બીપીનભાઇ બ્રહ્મભટ્ટ (૨૯) ભરતભાઇ અમૃતીયા (૩૦) રવિરાજસિંહ જાડેજા (૩૧) પ્રવિણાબા જાડેજા (૩૨) દિલીપભાઇ કુબેરભાઇ અને (૩૩) હસમુખભાઇ સીમરીયાનો સમાવેશ થાય છે.

ઉપરોકત નામવલીમાં પ્રથમ પાંચ દર્દીઓના મૃત્યુ થયા છે. જે બચી ગયા છે તે ૬ થી ૩૩ને કુવાડવા રોડ તથા વિદ્યાનગર રોડની ગોકુલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ વી. કે. ઝાલા, પરેશભાઇ જારીયા સહિતે વધુ તપાસ હાથ ધરી છે.

(3:11 pm IST)