Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

સેંસેક્સ ૪૫ પોઇન્ટ ઉછળી ૩૩,૭૨૪ની સપાટી ઉપર

સતત આઠમાં કારોબારી સેશનમાં જોરદાર તેજી : નિફ્ટી પણ ૧૦ પોઇન્ટ ઉછળી ૧૦૩૯૯ની સપાટી પર મિડકેપ-સ્મોલકેપ ઇન્ડેક્સમાં ઉછાળો રહેતા ખુશીનું મોજુ

મુંબઇ,તા. ૨૭ : શેરબજારમાં આજે ભારે ઉથલપાથલ વચ્ચે સતત આઠમાં કારોબારી સેશનમાં તેજી રહી હતી. નિફ્ટી ૧૦૪૦૦ની જાદુઈ સપાટીથી એક પોઇન્ટ રહીને બંધ થયો હતો. ગુરુવારના દિવસે નવેમ્બર સિરીઝની ડેરિવેટિવ્ઝ પૂર્ણાહૂતિ પહેલા નિફ્ટીએ મહત્વની સપાટી હાંસલ કરી લીધી છે. આજે કારોબારના અંતે ૪૫ પોઇન્ટ ઉછળીને ૩૩૭૨૪ની સપાટીએ રહ્યો હતો. બ્રોડર નિફ્ટી ૧૦ પોઇન્ટ ઉછળીને ૧૦૩૯૯ની સપાટીએ રહ્યો હતો. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં ક્રમશઃ ૦.૫ અને ૦.૭ ટકાનો ઉછાળો નોંધાયો હતો. અત્રે નોંધનીય છે કે ૨૪૦૦૦ કરોડ રૂપિયાના આઇટી શેર બાયબેકની પ્રક્રિયા હવે શરૂ કરવામાં આવી રહી છે. આઈટી કંપનીઓના બાયબેકની પ્રક્રિયા આગામી સપ્તાહથી શરૂ થઇ રહી છે. વિપ્રો દ્વારા યુનિટદીઠ ૩૨૦ રૂપિયામાં ૨૯મી નવેમ્બરના દિવસે ૧૧૦૦૦ કરોડના શેર બાયબેક સ્કીમ શરૂ કરશે. ૮.૬ ટકાના પ્રિમિયમની બાબત આમા રાખવામાં આવી છે. આવી જ રીતે ભારતની બીજી સૌથી મોટી આઈટી કંપની ઇન્ફોસીસે કહ્યું છે કે, તેની ૧૩૦૦૦ કરોડની બાયબેકની ઓફર ૩૦મી નવેમ્બરના દિવસે શરૂ થશે અને ૧૪મી ડિસેમ્બરે બંધ થશે. કંપનીના ૩૬ વર્ષના લાંબા ઇતિહાસમાં પ્રથમ વખત શેર બાયબેકની સ્કીમ લાવવામાં આવી છે. ૧૧૫૦ પ્રતિ શેરમાં ૧૧.૩૦ કરોડ શેર બાયબેક કરવાની યોજના છે.એકબાજુ મૂડીએ દેશના રેટિંગમાં ૧૩ વર્ષના ગાળા દરમિયાન સુધારો કર્યો હતો. બીજી બાજુ એસ એન્ડ પી સંસ્થાએ પણ ભારતની રેટિંગને સ્થિર રાખીને સ્થિરઆઉટલુંકનુ ચિત્ર રજૂ કર્યું હતું. છેલ્લા સપ્તાહ દરમિયાન શેરબજારમાં તેજી રહી હતી. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન શેરબજારમાં તેજી રહી હતી. સેંસેક્સ ૩૩૬ પોઇન્ટ ઉછળીને બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૦૬ પોઇન્ટ ઉછળીને બંધ રહ્યો હતો. શુક્રવારના દિવસે સેંસેક્સમાં ૯૧ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો જેથી સેંસેક્સ ૩૩૬૭૯ અને નિફ્ટી ૧૦૩૮૯ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટીમાં શુક્રવારના દિવસે ૪૧ પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. જીડીપીના આંકડાને લઇને પણ આશા દેખાઈ રહી છે. સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળા માટે જીડીપીના આંકડા ગુરુવારના દિવસે જારી કરાશે. જૂન ૨૦૧૭માં જીડીપી ગ્રોથરેટ ઘટીને ૭.૫ ટકા થયો હતો. જીએસટીને લઇને સ્પષ્ટતા અને સારા મોનસુનની સ્થિતિના લીધે જીડીપી ગ્રોથરેટમાં સુધારો થશે. આવી જ રીતે અન્ય માઇક્રો આંકડા પણ જારી કરવામાં આવનાર છે. ઓક્ટોબર ૨૦૧૭ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેટા ૩૦મી નવેમ્બરના દિવસે શેરબજારના ગાળા બાદ જારી કરવામાં આવનાર છે. શુક્રવારના દિવસે નવેમ્બર માટેના પીએમઆઈના આંકડા જારી કરાશે.

તેજીની સાથે સાથે.....

*    શેરબજારમાં સતત આઠમાં કારોબારી સેશનમાં તેજી

*    નિફ્ટી ડેરિવેટિવ્સ પૂર્ણાહૂતિ પહેલા ૧૦૪૦૦ની ઉંચી સપાટીથી એક પોઇન્ટ નીચે

*    રેટિંગ સંસ્થાઓ દ્વારા ભારતનું આશાસ્પદ ચિત્ર રજૂ કરાયા બાદ તેજીનો દોર

*    સેંસેક્સ ૪૫ પોઇન્ટ સુધરી ૩૩૭૨૪ની સપાટીએ

*    નિફ્ટી ૧૦ પોઇન્ટ ઉછળી ૧૦૩૯૯ની સપાટીએ

*    અશોક લેલેન્ડના શેરમાં ચાર ટકાનો મોટો ઉછાળો

*    એશિયન બજારમાં નજીવો સુધારો રહ્યો

*    શ્રેણીબદ્ધ માઇક્રો ડેટાને લઇને આશા

*    નવા આંકડા ટૂંક સમયમાં જ જારી કરવામાં આવનાર છે

*    શેરબજારમાં રોકાણકારોનો વિશ્વાસ અકબંધ

 

(7:45 pm IST)