Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

હિમાચલમાં અનેક જળાશયો થીજી ગયાઃ તાપમાન માઇનસમાં

હિમાચલના પહાડી વિસ્તારમાં તાપમાન શૂન્યથી નીચે રહેતા સરોવર, ઝરણાં અને નદીઓમાં બરફ જામી ગયો છે

નવી દિલ્હી તા. ૨૭ : હિમચાલ પ્રદેશના પર્વતીય વિસ્તારોમાં તાપામાન શૂન્યથી નીચે જતાં હાલ આ વિસ્તારમાં કાતિલ ઠંડી પડી રહી છે. તાપમાન શૂન્યથી નીચે જતાં અનેક વિસ્તારમાં બરફ જામી જતાં રોહતાંગ સહિત અન્ય વિસ્તારમાં વાહનવ્યવહાર બંધ કરાવી દેવામાં આવ્યો છે. જયારે ઠંડી સાથે ગાઢ ધુમ્મસ છવાતાં રેલવે વિભાગે પહેલી ડિસેમ્બરથી ૧૩ ફ્રેબ્રુઆરી સુધી આ વિસ્તારમાં ૧૪ ટ્રેનની સેવા બંધ રાખવા નિર્ણય કર્યો છે.

હિમાચલના પહાડી વિસ્તારમાં તાપમાન શૂન્યથી નીચે રહેતાં સરોવર, ઝરણાં અને નદીઓમાં બરફ જામી ગયો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે કેલાંગમાં સૌથી ઓછું ૨.૯ ડિગ્રી તાપમાન નોંધાયું છે. જયારે કલ્પા, મનાલી અને ભૂતળમાં ક્રમશઃ ૦.૪, ૧ અને ૨ ડિગ્રી તાપમાન નોંધાયું છે. તેથી આ વિસ્તારમાં જનજીવન પર પણ માઠી અસર પડી છે. છેલ્લાં બે ત્રણ દિવસથી હિમાચલ પ્રદેશ સહિત આસપાસના વિસ્તારમાં તાપમાનનો પારો શૂન્યથી નીચે જતાં હાલ આ વિસ્તારમાં કાતિલ ઠંડી પડી રહી છે. જેના કારણે વાતાવરણમાં ગાઢ ધુમ્મસ છવાઈ રહેતા વાહનવ્યવહાર પર પણ વ્યાપક અસર જોવા મળી રહી છે.

દરમિયાન ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ છવાતાં રેલવે વિભાગે આ વિસ્તારની ૧૪ ટ્રેનોની સેવા પહેલી ડિસેમ્બરથી ૧૩ ફ્રેબ્રુઆરી સુધી બંધ રાખવા નિર્ણય કરતા આ વિસ્તારના યાત્રિકોની મુસીબતમાં વધારો થયો છે. રેલવે વિભાગે ગાઢ ધુમ્મસના કારણે બરેલી પ્રયાગ ઈન્ટરસિટી અને બનારસ-દહેરાદૂન જનતા એકસપ્રેસ, વારાણસી-બરેલી એકસપ્રેસ, ફૈઝાબાદ ઈન્ટરસીટીને પહેલી ડિસેમ્બરથી ૧૩ ફ્રેબ્રુઆરી સુધી બંધ રાખવા નિર્ણય લેવાયો છે. આ બંને ટ્રેનો દર બુધવાર અને ગુરુવારે બંધ રહેશે.

હિમાચલ પ્રદેશ સહિત ઉત્ત્।ર ભારતમાં કાતિલ ઠંડીનું પ્રમાણ વધી રહ્યુ છે ત્યારે આ વિસ્તારમાં જનજીવન પર તેની માઠી અસર જોવા મળી રહી છે. હિમાચલમાં ગઈ કાલે તાપમાનનો પારો શૂન્યથી નીચે જતાં આ વિસ્તારમાં અનેક સ્થળે બરફ જામી જતાં ખાસ કરીને વાહનવ્યવહાર પર તેની સ્પષ્ટ અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે ત્રણ દિવસ તાપામાનનો પારો હજુ થોડો નીચે ઉતરે તેવી સંભાવના છે તેથી આ વિસ્તારમાં આગામી દિવસોમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે.

(4:35 pm IST)