Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

૧૫૧ બેઠકો મેળવશું: ગુજરાતે કોંગ્રેસને કયારેય સ્વીકારેલ નથી

ચૂંટણીનું રણશીંગુ ફુંકતા વડાપ્રધાનઃ ભુજમાં જંગી જાહેરસભાને સંબોધનઃ કોંગ્રેસ પાસે ન નીતિ, ન નેતા, ન નિયત અને ન નાતો છે : સર્જિકલ સ્ટ્રાઇક - ડોકલામનો ઉલ્લેખઃ એક તરફ વિકાસનો વિશ્વાસ તો બીજી તરફ કોંગ્રેસનો વંશવાદઃ હવે ગુજરાત અપમાન સહન નહિ કરે

નરેન્દ્રભાઈએ ઉમેદવારોને હાથમાં કમળ સાથે આગવી રીતે રજુ કર્યાઃ ભુજઃ કચ્છની મુલાકાતે આવેલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ભુજની લાભન કોલેજ ખાતેની સભામાં કચ્છના ઉમેદવારોને અનોખી રીતે રજુ કર્યા હતા. નરેન્દ્રભાઈએ વાસણભાઈ આહિર અને નિમાબેન આચાર્યને હાથમાં કમળના કટઆઉટ સાથે ઉપસ્થિત વિશાળ જનમેદની સાથે આગવીરીતે પરિચય કરાવ્યો હતો. અન્ય તસ્વીરોમાં શ્રી નરેન્દ્રભાઇ જાહેરસભા સંબોધતા નજરે પડે છે. (તસ્વીરઃ વિનોદ ગાલા-ભુજ)

ભુજ તા. ૨૭ : ચૂંટણી પ્રચાર માટે આજથી ગુજરાતની બે દિવસના પ્રવાસે આવેલા પીએમે ભૂજની લાલન કોલેજ પરથી પોતાના પ્રચાર અભિયાનની શરુઆત કરી હતી. પીએેમ પોતાના પહેલા જ ભાષણમાં વિરોધીઓ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, આ વખતની ચૂંટણીમાં ભાજપને ૧૫૧ બેઠકો મળવાની છે. કચ્છમાં ૨૦૦૧ના ભૂકંપ પછી પોતાની સરકારે કરેલા કામોને પણ પીએમે ગણાવ્યા હતા. પીએમએ કહ્યું હતું કે, ૨૦મી સદીમાં કચ્છની વસ્તી ઘટતી હતી, અને ૨૧મી સદીમાં વસ્તી વધી રહી છે, લોકો પાછા આવવા લાગ્યા. બીજા રાજયના લોકો પણ રોજીરોટી માટે કચ્છને પસંદ કરવા લાગ્યા. વિરોધીઓ પર વરસતા પીએમે કહ્યું હતું કે, તમારી પાસે ન નીતિ છે, ન નિયત છે, ન નેતા છે અને ન તો ધરતી સાથે તમારો કોઈ નાતો છે.

પીએમે કહ્યું હતું કે, કોંગ્રેસના લોકો મારા પર આરોપ મૂકે છે કે હું લાલ કિલ્લા પરથી ભાષણ કરું ત્યારે જવાહરલાલ નહેરુનો ઉલ્લેખ કેમ નથી કરતો? જે પક્ષના નેતાને પોતાના જ નેતાઓના નામ નથી ખબર તે આવા સવાલ કરી રહ્યા છે. ઢેબરભાઈ ગુજરાતી હતા તે વર્તમાન નેતાઓને ખબર પણ નહીં હોય. જે લોકો પરિવારથી આગળ કશું જોતા નથી તે કશું કરી પણ નહીં શકે.

સર્જિકલ સ્ટ્રાઈકનો ઉલ્લેખ કરતા પીએમે કહ્યું હતું કે, ૨૬/૧૧નો હુમલો થયો ત્યારે તત્કાલિન સરકારે કશુંય નહોતું કર્યું, પણ ઉરીમાં હુમલો થયો ત્યારે સર્જિકલ સ્ટ્રાઈક કરી દુશ્મનને તેના દ્યરમાં દ્યૂસીને જવાબ અપાયો. જોકે, વિરોધીઓએ તેના પર પણ સવાલ ઉઠાવ્યો. જવાનને માન-સમ્માન ન આપી શકનારાઓએ કમસે કમ તે સમયે તો ચૂપ મરવું હતું.. નોટબંધી અંગે પણ પીએમે પ્રહાર કરતા કહ્યું હતું કે, એક વર્ષ પછી પણ આ લોકોની તકલીફ જતી નથી.

પીએમે કહ્યું હતું કે, સરવે કરનારા આ વખતે ભાજપને મળનારી બેઠકનો આંકડો ૧૪૦ પર લઈ જાય છે, જયારે ભાજપવાળા ૧૫૧ પર લઈ જાય છે. પરંતુ મને વિશ્વાસ છે કે, ગુજરાતની જનતા ૧૪૦નો આંકડો આપનારા લોકોને ખોટા પાડશે. તેમણે ૯મી ડિસેમ્બરે કચ્છના લોકોને ભરપૂર મતદાન કરવા પણ અપીલ કરી હતી.

વિરોધીઓ પર વરસતા પીએમે કહ્યું હતું કે, વરસાદ આવતા પહેલા જેમ ખેડૂત ખેતરમાં ઘણું-બધું કામ કરતો હોય છે, અને વરસાદ આવે ત્યારે બસ બીજ વાવો એટલે ગાડી આગળ ચાલવા લાગે. એમ છેલ્લા કેટલાક સમયથી જાતભાતના લોકોએ એટલો બધો કીચડ ઉછાળ્યો છે કે હવે કમળનું ખીલવાનું આસાન થઈ ગયું છે. જેમણે આવી કીચડ ઉડાવવાની કપરી મહેનત કરી, અને ખૂણે-ખૂણે જઈ મહેનત કરી કીચડ ઉછાળ્યો, તે તમામનો હું હૃદયથી આભાર માનું છું. કારણકે, કમળ ખીલવામાં આ કીચડ કમળની મોટી તાકાત બની જતો હોય છે, અને હું ગુજરાતની રગેરગ જાણનારો છું. ગણી લો, ૧૫૧ છે.

વિરોધીઓને આડે હાથે લેતા પીએમે કહ્યું હતું કે, મારા આટલા વર્ષના જાહેરજીવનમાં મારા પર એકેય દાગ નથી. પરંતુ તમારી આ હિંમત કે તમે ચૂંટણી ટાણે ગુજરાતના દીકરાને આવી ગમે તેમ ભાંડો, તેના પર ખોટા આરોપ મૂકો? સરદાર વખતે તો ગુજરાતે અપમાન સહન કરી લીધું, પરંતુ આ વખતે ગુજરાત પોતાના દીકરાનું અપમાન સહન નહીં કરી લે.

મોદીએ જણાવ્યું હતું કે, આ ચૂંટણી એક તરફ વિકાસનો વિશ્વાસ છે, અને બીજી તરફ વંશવાદનું વરવું રુપ છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે, ગુજરાત તમને કયારેય માફ નહીં કરે. આજથી જ નહીં, ગુજરાતે કયારેય કોંગ્રેસને નથી સ્વીકાર્યા. કારણકે, સરદાર વલ્લભભાઈ પટેલના જમાનાથી કોંગ્રેસે ગુજરાતને દાઢમાં રાખી ગુજરાતને પાછળ ધકેલવામાં કોઈ પાછી પાની નથી કરી. મહાગુજરાત આંદોલનમાં કોંગ્રેસના કાર્યાલય પરથી યુવાનો પર ગોળીઓ ચલાવાઈ હતી. ગુજરાત પ્રત્યે વેર વાળવામાં કોંગ્રેસે કયારેય કચાશ નથી રાખી.

આજથી ૩૦ વર્ષ પહેલા જો મા નર્મદાનું પાણી કચ્છમાં આવ્યું હોત તો આ કચ્છના લોકોને કયારેય હિજરત ન કરવી પડી હોત. હિન્દુસ્તાનના ગમે તે રાજયમાં જાઓ, તમને બે-પાંચ કચ્છી પરિવાર મળી જશે. આસામ, નાગાલેન્ડ અને મિઝોરમમાં પણ કચ્છીઓ રહે છે, કારણકે કચ્છમાં પાણીના વખા હોય તો કયાંક તો જવું પડે. ચોમાસું પૂરું થતાં જ હજારોની સંખ્યામાં માલધારીઓને હિજરત કરવી પડે છે.

પીએમે જણાવ્યું હતું કે, એક સમય હતો જયારે કચ્છમાં કોઈ સરકારી કર્મચારી આવવા તૈયાર નહોતો થતો. કોઈની જો કચ્છમાં બદલી થાય તો તેને કાળા પાણીની સજા થઈ તેમ મનાતું. કચ્છ દાણચોરી માટે જાણીતું હતું. આ બધું માત્ર અને માત્ર કોંગ્રેસના ઓરમાયા વર્તનને કારણે જ થયું.

૬૦ વર્ષ પહેલા કચ્છના અંજારમાં આવેલા ભૂકંપનો ઉલ્લેખ કરતા પીએમે કહ્યું હતું કે, તે ભૂકંપ એટલો ભયાનક હતો કે તે વખતના વડાપ્રધાન નહેરુને અહીં આવવું પડ્યું હતું. અંજારના ભૂકંપને ૬૦ વર્ષ થઈ ગયા, પણ એક કચ્છીમાંડુ બતાવે કે તે ભૂકંપ પછી એક પણ કામ સારું થયું? તેમના એકેય કામ નથી દેખાતા, અને અમારા કામનો હિસાબ માગનારાને હું કહેવા માગું છું કે, કચ્છમાં ભૂકંપ પછી થયેલું કામ જોઈ લે.

પીએમે જણાવ્યું હતું કે, કચ્છના ભૂકંપ પછી પીએમ વાજપેયીએ મને ગુજરાત મોકલી કામ કરવા જણાવ્યું. સીએમ બન્યા પછી વહીવટનો પહેલો ક હું કચ્છમાં શીખ્યો. શપથ લીધાના બીજા કે ત્રીજા દિવસે હું અહીં આવ્યો, બે દિવસ રોકાયો. લોકોને મળ્યો, મુસિબત જાણ્યો અને વહીવટ શું કહેવાય-મુસિબત શું કહેવાય તે બારીકાઈથી સમજી કામ કરવાની શરુઆત કરી. કચ્છના લોકોએ જ મારી ટ્રેનિંગ કરી છે.

ભુજથી ગુજરાતનાં વિધાનસભા ચૂંટણી જંગનો પ્રારંભ કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ફરી એક વાર આક્રમક જોવા મળ્યા હતા. કોંગ્રેસ ઉપર સીધો જ પ્રહાર કર્યો હતો કે ગુજરાતે કયારેય કોંગ્રેસને સ્વીકાર્યુ નથી. સરદાર પટેલના સમયથી કોંગ્રેસ દ્વારા કરાયેલ ગુજરાતની ઉપેક્ષા આજેય ગુજરાતની પ્રજાને ખટકે છે. કોંગ્રેસે હમેશા ગુજરાત પ્રત્યે ઓરમાયુ વર્તન કર્યુ છે. નર્મદાના મુદ્દે ૩૦ વર્ષથી અન્ય કરતાં કોંગ્રેસના કારણે જ કચ્છીઓએ રોજગાર માટે સ્થળાંતર કરવું પડયું છે. એ જ રીતે પાણી અછતથી કચ્છનાં બન્નીનાં માલધારીઓ કે રબારી પરિવારોને સતત સ્થળાંતર કરવું પડયું છે. જેનું કારણ કોંગ્રેસ નર્મદાનાં મુદ્દે અન્યાય કર્યો દાણચોરી અને ઘુસણખોરીનાં મુદ્દે સુરક્ષા ઉપર પ્રહાર કરતાં નરેન્દ્રભાઇ એ કુખ્યાત દાણચોર ઇભલા શેઠનો દાખલો આપતાં કોંગ્રેસની ભૂતકાળની સરકારો ઉપર કાયદો વ્યવસ્થાના મુદ્દે પ્રહારો કર્યા હતા. ૧૯પ૬નાં અંજારનાં ભૂકંપ સમયે તાત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂની કામગીરી અને પોતાનાં કાર્યકાળ દરમ્યાન ર૦૦૧માં નરેન્દ્રમોદીની સરકાર દ્વારા થયેલી કામગીરી સંદર્ભે પ્રજાને સરખામણી કરવા આહવાન કર્યુ હતું. ર૦૦૧માં તાત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી બાજપાયી નાં આદેશના કારણે હું ગુજરાતના મુખ્યમંત્રી બન્યો અને કચ્છના ભૂકંપે મને નવી જિંદગી જીવવા પ્રેરણા આપી, આજે હું દિલ્હી સુધી પહોંચ્યુ છું. મને તમારા ગુજરાતનાં દીકરાને ભોડનારાઓને તમે માફ કરશો ખરા ? એવો સીધા જ શાબ્દિક હુમલો કરતા જણાવ્યું હતું કે ગુજરાતના દિકરાનું ભોડનારાઓને કયારેય ગુજરાતની પ્રજા માફ નહિ કરે. વિકાસ કેવી રીતે કરાય તેનું ઉદાહરણ કચ્છનું રણ છે, જે રણથી લોકો ભાગતા હતા એ રણ આજે દેશનું તોરણ બન્યુ છે. કચ્છના રણને ભાજપે સરકાર જાજરમાન બનાવ્યું છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વધુમાં કહ્યું કે, કોંગ્રેસે હિન્દુસ્તાનની સેનાનું ગૌરવ નથી જાળવ્યું પણ ભાજપ સરકારે સર્જીકલ સ્ટ્રાઇકનો જવાબ માંગનારાઓને જવાબ આપવાનું જણાવ્યું હતું.

નોટબંધીના એક વરસ પછીયે કોંગ્રેસને તેની તકલીફ જતી નથી. નોટબંધીના એક વરસ પછીયે તેઓ આઘાતમાં છે. હું ગુજરાતની ધરતીનો, સરદાર પટેલની ધરતીનો પુત્ર છું હું લુંટ કરવાવાળી કોંગ્રેસથી ડરવાનો નથી. જી.એસ.ટી. માટે અમે નમ્ર છીએ. જીએસટીનો ફેરફાર નહિં કરવાનો અમારી સરકારનો અહંકાર નથી. અમે ખુરશી માટે નહિં પણ સવાસો કરોડ દેશવાસીઓ માટે કામ કરીએ છીએ. એટલે હજીયે જે કંઇપણ ફેરફાર જીએસટીમાં કરવાના હશે તે અમે કરીશું.

કચ્છમાં પણ માંડવીથી સુરત વચ્ચે રોરો ફેરી સર્વિસ શરૂ કરવાનો વાયદો નરેન્દ્રભાઇએ આપ્યો હતો. ગુજરાતની જનતા ૧ પ૧નાં ટારગેટને સાર્થક કરે તેવા આહવાન સાથે ભાજપને વિજયી બનાવવા અપીલ કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છીમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે મેં ગત વખતે નર્મદા કેનાલના ઉદ્દઘાટન સમયે આવ્યો હતો ત્યારે આપેલું વચન મેં પાળ્યું છે. આજે હું ફરી આપની વચ્ચે આવ્યું છે અમે જે કહીએ છીએ તે પાળીએ છીએ. કચ્છને અમેં વિશ્વના નકશામાં સ્થાન આપ્યું છે.

વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નરેન્દ્રભાઇ દ્વારા કચ્છથી શરૂ થઇ રહેલ ચુંટણી પ્રચાર સાથે સમગ્ર દેશમાંથી કોંગ્રેસના મૂળીયા સાફ કરવામાં નિમિત્ત બનશે એવું જણાવ્યું હતું.

ગુજરાતની આ છઠ્ઠા ચુંટણીમાં ફરી એકવાર લગલગાટ કોંગ્રેસને પરાજિત કરવામાં ભાજપ સફળ રહેશે એવો હુંકાર કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશને વિકાસની રાજનીતિ તરફ દોર્યા છે. કોંગ્રેસનાં ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ઉપર વ્યંગ છોડતાં શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે રાહુલ બાબા ખોટા આંકડા આપવાનું બંધ કરીને ઇટાલિયન ચશ્મા ઉતારો. દરેક ક્ષેત્રે ગુજરાત નંબર વન છે. નરેન્દ્રભાઇને આજે દેશની જનતાએ વિકાસ પુરૂષ તરીકે સ્વીકાર્યા છે. દેશનાં અન્ય રાજયોમાં જેમ કોંગ્રેસનો પરાજય થયો છે.

સુફી ગાયક હંસરાજ હંસની જમાવટ

આ કાર્યક્રમમાં સુફી ગાયક હંસરાજ હંસ દ્વારા ભાજપનો ચુંટણી પ્રચાર કરાયો હતો. પદમશ્રી ગાયક હંસરાજ હંસે નરેન્દ્રભાઇને સાચા અર્થમાં પ્રધાન સેવક ગણાવ્યા હતા. કચ્છ ભાજપનાં છ ઉમેદવારો છબીલભાઇ પટેલ, વિરેન્દ્રભાઇ જાડેજા, ડો. નીમાબેન આચાર્ય, વાસણભાઇ આહિર, માલતીબેન મહેશ્વરી અને પંકજ મહેતા, સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ, ભાજપનાં ચુંટણી ઇન્ચાર્જ સ્વતંત્રદેવસિંહ (યુપી), તારાચંદભાઇ છેડા, પ્રદેશ મહામંત્રી કે. સી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થા મીડીયા ઇન્ચાર્જ ઘનશ્યામ રસિકભાઇ ઠકર અને સાત્વિકદાન ગઢવીએ સંભાળી હતી.

(4:16 pm IST)