Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

કોંગ્રેસે રાજ્યના ચાર-ચાર પાટીદાર મુખ્યમંત્રીઓને હેરાન-પરેશાન કર્યા

જસદણમાં વડાપ્રધાન મોદીના કોંગ્રેસ ઉપર તીખા પ્રહારોઃ બાબભાઇ જસુભાઇ પટેલ, ચીમનભાઇ પટેલ, કેશુભાઇ પટેલ અને આનંદીબેન પટેલને શાંતિથી કામ કરવા ન દીધુ કોંગ્રેસેઃ કોંગ્રેસને ગુજરાત ગમતુ નથીઃ ગુજરાતને બદનામ કરવુ એ કોંગ્રેસનો ઇતિહાસ છેઃ ચા વેચીશ પણ દેશને નહિ વેચુ, દરેક સમસ્યાનું સમાધાન વિકાસમાં છેઃ ભાજપે દરેક ખેતર સુધી વિજળી-પાણી પહોંચાડયાઃ ગુજરાતને સમૃધ્ધ કરવુ છેઃ કોંગ્રેસ જાતિવાદનું ઝેર ફેલાવે છેઃ ભાજપને વિજય બનાવવા લોકોને અપીલ

જસદણમાં નરેન્દ્રભાઇ મોદીનું ભવ્ય સ્વાગતઃ લોકોનું અભિવાદનઃ જનમેદની ઉમટીઃ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી આજે જસદણ ખાતે આવી પહોંચ્યા હતા જયાં જાહેરસભા સંબોધી હતી. જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. ઉપરોકત તસ્વીરમાં લોકોનું અભિવાદન ઝીલી રહેલા નરેન્દ્રભાઇ મોદી. બાજુની તસ્વીરમાં જસદણના ભાજપના ઉમેદવાર ડો.ભરતભાઇ બોઘરા શ્રી મોદીનુ અભિવાદન કરતા નજરે પડે છે. બાજુની તસ્વીરમાં ભાજપના હોદેદારો પુષ્પહાર પહેરાવીને શ્રી મોદીનું સન્માન કરતા નજરે પડે છે. નીચેની તસ્વીરમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે મોહનભાઇ કુંડારીયા, મનસુખભાઇ માંડવીયા, ડો.ભરતભાઇ બોઘરા, રાજેશભાઇ ચુડાસમા સહિતના નજરે પડે છે. નીચેની તસ્વીરમાં જનમેદની શ્રી નરેન્દ્રભાઇ મોદી કાઠીયાવાડી પાઘડી સાથે લાક્ષણિક મુદ્રામાં નજરે પડે છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

આટકોટ તા. ૨૭: આજે બપોરે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અહીં એક જંગી જાહેર સભાને સંબોધન કરતા કોંગ્રેસ ઉપર તીખા તમતમતા પ્રહારો કર્યા હતાં અને કહ્યું હતું કે, કોંગ્રેસને ગુજરાત ગમતું નથી અને કોંગ્રેસે ગુજરાતના ચાર-ચાર મુખ્યમંત્રીઓને હેરાન-પરેશાન કરી સારી રીતે શાસન કરવા દીધુ નહોતું. તેમણે દાખલો આપતા કહ્યું હતું કે, ચીમનભાઇ પટેલની સરકાર હોય, બાબભાઇ જશભાઇ પટેલની સરકાર હોય, ચીમનભાઇ પટેલની સરકાર હોય કે પછી આનંદીબેન પટેલની સરકાર હોય, કોંગ્રેસે વિવિધ ષડયંત્રો રચી આ સરકારોને ચાલવા નથી દીધી. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસે ગુજરાતને બદનામ કરવાનું કામ કર્યું છે. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે દરેક સમસ્યાનું સમાધાન વિકાસમાં છે. વિકાસ એ નિરંતર ચાલવો જોઇએ, નહીં કે અટકવો જોઇએ. તેમણે પોતાના પ્રવચન દરમ્યાન જણાવ્યું હતું કે કોંગ્રેસ જાતિવાદનું ઝેર ફેલાવી રહ્યું છે. ભાજપને વિકાસમાં રસ છે. તેમણે ઉમેર્યુ હતું કે, ભાજપના શાસનમાં દરેક ખેતર સુધી વિજળી અને પાણી મળ્યા છે. હાઇ-વે અને નવા એરપોર્ટ પણ મળ્યા છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વધુમાં જણાવ્યુ કે, ચા વેચીશ પણ દેશ બદનામ થાય તેવુ કૃત્ય નહી કરૂ. દરેક સમસ્યાનુ સમાધાન વિકાસમાં છે. ભાજપે દરેક ખેતર સુધી વિજળી-પાણી પહોંચાડયા છે. ગુજરાતને સમૃધ્ધ કરવુ છે ત્યારે કોંગ્રેસ જાતિવાદનું ઝેર ફેલાવે છે.    નરેન્દ્રભાઇ મોદીએ દુહો લલકારી પ્રવચન શરૂ કર્યુ હતુ.

ખડ પાણીને ખાખરા, પાણાનો નહિ પાર, વગર દિવે વાળુ કરે એ દેવ ભુમિ પાંચાળ

નરેન્દ્રભાઇ મોદીનું ભાજપના ઉમેદવાર ડો.ભરતભાઇ બોઘરા સહિતનાએ કાઠીયાવાડી પાઘડી પહેરાવીને પરંપરાગત સ્વાગત કર્યુ હતુ. નરેન્દ્રભાઇ મોદીએ જીએસટી મુદે જણાવ્યુ હતુ કે, સરકાર જીએસટીમાં સુધારો લાવવા માટે પ્રયત્નો કરી રહી છે અને વેપારીઓના હિતમાં નિર્ણય લેવામાં આવશે. ગુજરાત અગાઉ ઉભા પાક સળગાવી દેવામાં આવતા હતા અને કોઇ સલામતી ન હતી ત્યારે ભાજપે ખેડુતોના હિતમાં સલામતી ઉભી કરીને અસામાજીક તત્વોને નીચે બેસાડી દીધા છે. નરેન્દ્રભાઇ મોદીએ વધુમાં જણાવ્યુ કે, હું તમારા સુખ-દુઃખમાં સાથી તરીકે રહીશ. ધરતી મારી માં છે, હું તેનુ ઋુણ ચુકવવા માટે રાત-દિવસ એક કરીશ. મોરારજીભાઇ દેસાઇએ કોંગ્રેસે ડુંગળી-બટેટાની જેમ કાઢી મુકયા હતા. કોંગ્રેસે વર્ષોથી ગુજરાતનું બદનામ કરવાનુ કામ કર્યુ છે.(૩-૧૮)

 

(4:00 pm IST)