Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

પત્ર વિવાદઃ ગાંધીનગરના કેથોલિક પાદરીને નોટીસ

ચૂંટણી પંચની સૂચના બાદ જિલ્લા કલેકટરે પાઠવી કારણદર્શક નોટીસ : રાષ્ટ્રવાદી તાકતોથી દેશને બચાવવાની અપીલ કરી'તીઃ લોકપ્રતિનિધિ ધારા હેઠળ નોંધાઇ શકે છે ફરિયાદ

નવી દિલ્હી તા. ૨૭ : ગાંધીનગર જિલ્લા કલેકટરે ઇલેકશન કમિશન તરફથી ગાંધીનગરના કેથોલિક આર્કબિશપ થોમસ મેકવાનને વિવાદિત વીડિયો બાબતે નોટિસ પાઠવી છે. આ પ્રમુખ કેથોલિક બિશપનો એક વીડિયો તાજેતરમાં વાયલર થયો હતો જેમાં તેમણે ગાંધીનગરના પોતાના પ્રમુખ ચર્ચ હેઠળ આવતા જુદા જુદા ચર્ચ અને પાદરીઓને ચૂંટણી બાબતે વિવાદિત આપતો પત્ર લખ્યો હતો.

પોતાના પત્રમાં તેમણે પાદરીઓને કહ્યું કે, 'દેશના લોકતંત્રને રાષ્ટ્રવાદી તાકતોથી બચાવવા માટે પ્રાર્થના કરે. તેમણે નામ લીધા વગર કહ્યું હતું કે આજે દેશમાં લઘુમતિ, OBC, SC અને ST, દલિત અને મુસ્લિમોમાં એક ભયની લાગણી છે.' રાજકીય વર્તુળોમાં આ પત્રે ભાજપ વિરુદ્ઘ વોટ આપવા માટે લોકોને અપીલ કરતો ગણવામાં આવી રહ્યો છે.

ગાંધીનગર કલેકટર સતિશ પટેલે જણાવ્યું કે, 'ચૂંટણી કમિશન ઓફ ઇન્ડિયાના સૂચના મુજબ પ્રમુખ પાદરી થોમસ મેકવાનને નોટિસ ફટકારી છે. તેમજ આ પ્રકારના પત્ર તથા વીડિયો પાછળ સત્ત્।ાવાર રીતે તેમનો આશય સ્પષ્ટ કરવા જણાવ્યું છે.'

પટેલે વધુંમાં જણાવ્યું કે, 'રીપ્રેઝન્ટ ઓફ પીપલ્સ એકટ મુજબ આપવામાં આવેલ આદર્શ આચારસંહિતા અનુસાર કોઈપણ ધર્મગુરુ દ્વારા કોઇપણ જાતની એવા નિવેદન અથવા અપીલ કે જેનાથી મતદાતા કોઈ ખાસ પાર્ટી તરફ વોટ કરવા પ્રેરિત થાય છે તેવા સંજોગોમાં આવું નિવેદન અથવા પ્રવચન અથવા અપીલ ઈલેકશન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા સ્ક્રુટિની કરવામાં આવે છે. એકવાર પાદરી મેકવાન આ નોટિસનો જવાબ આપશે ત્યાર બાદ તેને ઇલેકશન કમિશનને પાઠવી દેવામાં આવશે. જે બાદ કમિશન આગળની કાર્યવાહી નક્કી કરશે.'

તેમણે વધુમાં કહ્યું કે, 'પત્રનું લખાણ જોતા લઘુમતિ સમાજના મતદારોને કન્ફયુઝનમાં નાખીને તેમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.' ઉલ્લેખનીય છે કે પ્રમુખ કેથોલિક પાદરી મેકવાને પોતાના ૨૧ નવેમ્બરના સત્ત્।વાર પત્રમાં લખ્યું હતું કે, 'આપણે ચર્ચ અને કોન્વેન્ટ્સમાં પ્રાર્થના સભા કરવાની જરુર છે જેથી આપણે આગામી ચૂંટણીમાં એવા લોકોને ચૂંટી શકીએ કે જેઓ ભારતના બંધારણને ધ્યાનમાં રાખીને ભેદભાવ વગર દરેક લોકોનું ધ્યાન રાખે.'

તેમણે વધુમાં કહ્યું કે, 'હાલના દિવસોમાં લોકોના માનવાધિકારોનું હનન થઈ રહ્યું છે. બંધારણીય હક્કો છીનવાઈ રહ્યા છે. એક પણ એવો દિવસ નથી કે જેમાં ચર્ચ પર અથવા તેના વિશ્વાસુ લોકો પર હુમલો ન થતો હોય.' પ્રમુખ બિશપે લોકોને હોલી રોઝરીની પ્રાર્થના કરવા અને વધુને વધુ લોકોને આ પ્રાર્થનાસભા માટે પ્રોત્સાહિત કરવા આહ્વાહન કર્યું હતું.

 

(11:28 am IST)