Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

કાલથી ઇવાન્કા ટ્રમ્પની મુલાકાતઃ હૈદરાબાદમાં લોખંડી સુરક્ષા

મોદી હાજર રહેશેઃ ૧૫૦૦ પ્રતિનિધિઓ પણ ભાગ લેશે

હૈદરાબાદ તા. ૨૭ : આવતા મંગળવારથી અહીં શરૂ થનાર ગ્લોબલ ઓન્ટ્રપ્યૂનરશિપ સમિટ (GES શિખર સંમેલન)માં યૂએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી ઈવાન્કા ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપવાનાં છે. એ માટે સમગ્ર શહેરમાં સલામતીનો અત્યંત કડક બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. ૧૦ હજારથી પણ વધુ પોલીસ જવાનોને સુરક્ષા માટે તહેનાત કરવામાં આવનાર છે.

તેલંગણા રાજયના પોલીસ વડા એમ. મહેન્દર રેડ્ડીએ કહ્યું છે કે ત્રણ-દિવસ શિખર સંમેલન શાંતિપૂર્વક અને સરળતાપૂર્વક પાર પડે એ માટે તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવનાર છે. ભારત, અમેરિકા તથા અન્ય દેશોમાંથી ૧,૫૦૦ જેટલા પ્રતિનિધિઓ, વ્યવસાયીઓ આ સંમેલનમાં ભાગ લેવાના છે.

ઈવાન્કા ટ્રમ્પ ૨૮ નવેમ્બરે વહેલી સવારે શમશાબાદ ખાતેના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવી પહોંચશે અને ૨૯ નવેમ્બરની સાંજે અમેરિકા જવા રવાના થશે.

મોદી મંગળવારે બપોરે બેગમપેટ એરપોર્ટ ખાતે આવશે અને હેલિકોપ્ટર દ્વારા મિયાપુર પહોંચશે. ત્યાં હૈદરાબાદ મેટ્રો યોજવાનું ઉદઘાટન કરશે અને કુકટપલ્લીથી ટ્રેનમાં સફર કરી મિયાપુર જશે. તેઓ હેલિકોપ્ટર દ્વારા હૈદરાબાદ ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર જશે.

જીઈએસના ઉદઘાટન સત્રમાં હાજરી આપ્યા બાદ મોદી, ઈવાન્કા તથા અન્ય ડેલીગેટ્સ જૂના શહેરમાં આવેલી પેલેસ હોટેલ – તાજ ફલકનુમા પહોંચશે, જયાં ભારત સરકાર વતી ડિનરનું આયોજન કરવામાં આવશે. ડિનર પતી ગયા બાદ મોદી શમશાબાદ એરપોર્ટ ખાતે રવાના થશે.

સુરક્ષા કાફલામાં એન્ટી-ટેરરિસ્ટ યુનિટ 'ઓકટોપસ', એન્ટી-માઓઈસ્ટ ફોર્સ, ૫૦ ડોગ સ્કવોડ્સ, એન્ટી-સેબોટેજ ચેકસ માટેની ૪૦ ટૂકડીઓને તહેનાત કરાશે.

તમામ સુરક્ષા વ્યવસ્થા યૂએસ સિકયૂરિટી એજન્સીઓ તથા ભારતના સ્પેશિયલ પ્રોટેકશન ગ્રુપ સાથે સંકલન કરીને કરવામાં આવી છે.

 

(10:18 am IST)