Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

ફર્સ્ટ ટાઇમ વોટર્સઃ દર ૧૦૦૦ પુરૂષ સામે માત્ર ૬૧૬ સ્ત્રી મતદારો

ચૂંટણી પંચના '૧૦૦ ટકા નોંધણી'ના સૂત્ર છતા નવા મતદારોની નોંધણીમાં સ્ત્રીઓની સંખ્યામાં નજીવો સુધારો થયો છે

નવી દિલ્હી તા. ૨૭ : અલ્ટ્રાસાઉન્ડ મશીનને કારણે ગેરકાયદેસરરીતે ભ્રૂણની લિંગ તપાસને કારણે સર્જાયેલ અપ્રમાણસર લિંગ ગુણોત્તરમાં જે અસંતુલન સર્જાયું છે તેવું જ અસંતુલન મતદારોની નોંધણી બાબતે પણ સર્જાયું હોવાનું જોવા મળી રહ્યું છે. સરકારી તંત્ર અને ચૂંટણી પંચ દ્વારા ભેગી કરાયેલ માહિતી અનુસાર ગુજરાતમાં ૨૦૧૧ની વસતી ગણતરી અનુસાર ૧૮-૧૯ વર્ષના વયજૂથ માટે સરેરાશ લિંગ ગુણોત્તર ૧૦૦૦ છોકરાઓએ ૮૮૦ છોકરીઓ જેટલું છે. જયારે વાત ફર્સ્ટ ટાઈમ વોટર રજિસ્ટ્રેશનની આવે છે ત્યારે આ ગુણોત્તર દર ૧૦૦૦ છોકરાઓએ ૬૧૬ છોકરીઓ સુધી ઘટી જાય છે. જેનો અર્થ એ છે કે એક કે બીજા કારણે દર ૧૦૦૦ છોકરાઓએ ૨૬૪ છોકરીઓ મતદાર યાદીમાં નામ નોંધાવતી નથી.

૨૦૧૨ની સરખામણીએ ફર્સ્ટ ટાઈમ વોટર્સમાં છોકરીઓની સંખ્યામાં સરેરાશ ૬૦૧ હતી જેમાં ૧૫ પોઈન્ટના વધારા સાથે દર ૧૦૦૦ છોકરીઓની સંખ્યા ૬૧૬ થઈ ગઈ છે. ચૂંટણી પંચના '૧૦૦ ટકા નોંધણી'ના સૂત્ર છતા નવા મતદારોની નોંધણીમાં સ્ત્રીઓની સંખ્યામાં નજીવો સુધારો થયો છે. ગુજરાતમાં ૧૮-૧૯ના વયજૂથમાં આવતા મતદારોની સંખ્યા ઘટીને ૧.૦૨ લાખ રૂ. થઈ ગઈ છે. વર્ષ ૨૦૧૧ની વસતી ગણતરી અનુસાર ૧૮-૧૯ વર્ષના વયજૂથમાં ૨૩.૫૫ લાખ લોકો હોવા છતા વર્ષ ૨૦૧૭ની ચૂંટણી માટે ૧૧.૮૫ લાખ નવા મતદારોએ જ નોંધણી કરાવી છે.

નોંધનીય છે કે ૨૦૧૧ની વસતી ગણતરી પ્રમાણે ગુજરાતમાં દર ૧૦૦૦ પુરુષોએ ૯૧૯ સ્ત્રીઓ છે. આ તમામ આંકડા ગુજરાતમાં ગેરકાયદેસર રીતે થતા લિંગ પરિક્ષણો તરફ આંગળી ચીંધે છે. ૧૯૮૦માં એમ્નીયોસેન્ટેસિસ નામની પ્રક્રિયા દ્વારા લિંગ પરિક્ષણ કરાતું. જયારે ૧૯૯૦ના દાયકામાં સોનોગ્રાફી મશીન દ્વારા આ પ્રક્રિયા હાથ ધરાતી હતી. તમને જાણીને વિશ્વાસ નહીં થાય કે જે જિલ્લાઓ હાલ ખરાબ સેકસ રેશિયો માટે બદનામ છે તેમાં ૧૦૦ વર્ષ પહેલા સ્ત્રીઓની સંખ્યા પુરુષો કરતા વધુ હતી. ૧૯૦૨ અને ૧૯૭૧ વચ્ચેના ૭૦ વર્ષ દરમિયાન કચ્છમાં અનુક્રમે દર હજાર પુરુષોએ ૧૦૯૫ અને ૧૦૧૨ સ્ત્રીઓ હતી. આ પરિસ્થિતિ ૧૯૯૧માં વધુ વણસી આ સમયે જિલ્લામાં દર ૧૦૦૦ સ્ત્રીઓની સંખ્યા ૯૬૪ થઈ ગઈ જે ૨૦૧૧માં ઘટીને ૯૦૭ સુધી પહોંચી ગઈ.

મહેસાણા જેની દેશભરમાં ખરાબ સેકસ રેશિયો માટે ટીકા કરાઈ હતી. ૨૦૦૧ અને ૨૦૧૧ની વસતી ગણતરી અનુસાર મહેસાણા જિલ્લામાં દર ૧૦૦૦ પુરુષોએ ૯૨૬ સ્ત્રીઓ છે. જયારે ૧૯૨૧માં આ સંખ્યા ૧૦૦૩ હતી. આ સિવાય વલસાડ, નવસારી અને પોરબંદરમાં પણ સેકસ રેશિયો આ સમય દરમિયાન સારો હતો. આ અંગે સમાજશાસ્ત્રી ગૌરાંગ જાનીએ કહ્યું હતું કે, 'બે દાયકા સુધી લિંગ પરીક્ષણ કરાયા હોવાને કારણે આ સમસ્યા હજુ ગુજરાત સામે આવતી જ રહેશે. વર્ષ ૨૦૦૧માં ચાઈલ્ડ સેકસ રેશિયો ૮૮૬ હતો જયારે ૨૦૧૧માં તે ૮૮૯ સુધી પહોંચ્યો. ઘણા જિલ્લાઓમાં તો ચાઈલ્ડ સેકસ રેશિયો ૭૦૦ કરતા પણ વધુ ઘટી ગયો છે. આજકાલ ઘણા નવવિવાહિત દંપતીઓ પોતાની ફેમિલી જો પ્રથમ બાળક છોકરો જન્મે તો માત્ર એક બાળક સુધી સીમિત રાખે છે. તેમજ પહેલું બાળક છોકરી હોય તો પોતાની ફેમિલી બે બાળકો સુધી વધારવા માટે વિચાર કરવામાં આવે છે.'

નેશન ઈન્સપેકશન એન્ડ મોનિટરિંગ કમિટીના ડો. સાબુ જયોર્જે આ મુદ્દે ગયા વર્ષે TOI સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, 'આ દુર્દશા માટે અલ્ટ્રા સાઉન્ડ મશીન સૌથી વધુ જવાબદાર છે. અમે છેલ્લા દોઢ દાયકામાં આ મશીનના કારણે ૬૦ લાખ દિકરીઓ ગુમાવવી પડી છે. ૨૦૨૧ સુધી ગુજરાત, UP, હરિયાણા અને પંજાબમાં સ્થિતિ વધારે ખરાબ બનશે તેવું હું માનું છું.'

(10:17 am IST)