Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

મુંબઇ એરપોર્ટ બનાવ્યો અકલ્પનીય વર્લ્ડ રેકોર્ડઃ એક જ રનવે પર ઉડયા ૯૬૯ પ્લેન

મુંબઇ રનવે બન્યો દુનિયાનો સૌથી બીઝી રનવે : ટૂંક સમયમાં જ ૧૦૦૦ ફલાઇટનો આંકડો કરશે પારઃ ઓથોરિટી

મુંબઈ તા. ૨૭ : શુક્રવારે મુંબઈ એરપોર્ટ એટલું વ્યસ્ત હતું કે ૨૪ કલાકમાં અહીંના એક જ રનવે પર કુલ ૯૬૯ જેટલા પ્લેને ટેક ઓફ અને લેન્ડિંગ કર્યું હતું. આ સાથે જ મુંબઈ એરપોર્ટે એક નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે. મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ લિમિટેડના પ્રવકતાએ કહ્યું કે, આ નવા રેકોર્ડ સાથે મુંબઈના જ આ પહેલાના વર્લ્ડ રેકોર્ડને અમે તોડ્યો છે. આ પહેલા અમે ૯૩૫ ફલાઇટનો રેકોર્ડ બનાવ્યો હતો.

મેગા સિટીઝ જેવા કે ન્યુયોર્ક, લંડન, દુબઈ અને દિલ્હી સહિતના શહેરોમાં ૨ અથવા તેનાથી વધુ રનવે છે અને એકસાથે કામ કરે છે. જયારે મુંબઈમાં રનવે તો બે છે પરંતુ બંને એકબીજને ક્રોસ કરે છે જેના કારણે કોઈપણ સમયે એક જ રનવે ઉપયોગમાં લઈ શકાય છે. જેના કારણે ટેકિનકલી મુંબઈ એરપોર્ટ સિંગલ રનવે એરપોર્ટની કેટેગરીમાં આવે છે.

મુંબઈ એરપોર્ટ દરરોજ ૯૦૦થી વધુ વિમાનોનં સંચાલન કરે છે. એરપોર્ટ અધિકારીનું કહેવું છે કે અમે ખૂબ જ નજીકના સમયમાં ૧૦૦૦નો આંકડો પાર કરી જઇશું. વૈશ્વિક વિમાન કંસલ્ટન્સી સંસ્થાના સેન્ટર ફોર એશિયા પેસિફિકના અધિકારી કપિલ કૌલનું કહેવું છે કે વિશ્વમાં લંડનનું ગેટવિક એરપોર્ટ એકમાત્ર એરપોર્ટ છે જે નિયમિત રુપે પ્રતિ એક કલાકમાં ૫૦થી વધુ વિમાનોનનું ટેકઓફ  કરાવે છે. જયારે બીજા બધા એરપોર્ટ પર ૪૨ અથવા તેનાથી ઓછા પ્લેનનું આવન-જાવન છે. હવે મુંબઈ પણ ૫૦થી વધુ પ્લેનના આંકડાને પાર કરી આવું બીજુ એરપોર્ટ બન્યું છે.

(11:46 am IST)