Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

પત્નીને સાથે રાખવા માટે પતિ પર દબાણ ન કરી શકાયઃ સુપ્રીમ કોર્ટ

પત્ની - બાળકના ભરણપોષણ માટે રૂ. ૧૦ લાખનું વળતર આપવા આદેશ

નવી દિલ્હી તા. ૨૭ : સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વના ચુકાદામાં કહ્યું છે કે કોર્ટ પત્નીને સાથે રાખવા માટે પતિ પર દબાણ ન કરી શકે. કોર્ટે એક પાયલટ પતિને તેનાથી અલગ રહેતી પત્ની અને બાળકના ભરણપોષણ માટે રૂ. ૧૦ લાખનું વચગાળાનું ભરણપોષણ જમા કરાવવાનો આદેશ કર્યો છે.

સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઇકોર્ટના જામીનના એ આદેશને ફરી બહાલ કરી દીધો છે, જે અગાઉ રદ કરી દેવાયો હતો. કારણ કે તે સમયે પાઈલટ પતિએ સમાધાનના કરારને માનવાનો ઈનકાર કરી દીધો હતો. જસ્ટિસ આદર્શ ગોયલ અને યુયુ લલિતની બેન્ચે કહ્યું હતું કે 'પત્નીને સાથે રાખવા પતિ પર અમે દબાણ ન કરી શકીએ. આ એક માનવીય સંબંધ છે.'

પાઈલટ પતિ તરફથી હાજર રહેલા વકીલે ભરણપોષણની રકમ ઘટાડવાની અપીલ કરી તો અદાલતે કહ્યું કે આ ફેમિલ કોર્ટ નથી,  તેથી તેમાં કોઈ બાંધછોડ ન થઈ શકે. કોર્ટે કહ્યું કે જો તે ૧૦ લાખ રૂપિયાનું ભરણપોષણ ચાર સપ્તાહમાં  આપવા સંમત થાય તો જ તેના જામીન મંજૂર થશે.

આ કેસની વિગત એવી છે કે પત્નીએ તેના પાઈલટ પતિ પર દહેજ માટે હેરાન કરવા સહિતના અનેક કેસ કર્યા હતા. તેને પત્ની અને બાળકોને સાથે રાખવાની સમજૂતીની શરતે જામીન અપાયા હતા. પરંતુ પતિએ પત્નીને સાથે રાખવાનો ઇનકાર કરી દીધો હતો. એ પછી મદ્રાસ હાઇકોર્ટની મદુરાઇ બેન્ચે પતિની આગોતરી જામીન અરજી રદ કરી દીધી હતી.

કોર્ટે કહ્યું કે આ રકમ આગળની પ્રક્રિયા મુજબ એડજસ્ટ કરી શકાય છે. એની સાથે જ બન્ને પક્ષો સમજૂતી માટે પણ મુકત છે. ટ્રાયલ કોર્ટમાં પેન્ડિંગ કાર્યવાહી હાઇકોર્ટના નિર્દેશ મુજબ ત્રણ મહિનામાં પૂરી કરી શકાય છે.

(10:15 am IST)