Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

પતિએ ૧ કરોડનો વીમો પકાવવા જીવિત પત્નીને 'મારી' નાખી

હૈદરાબાદમાં વીમા કંપનીએ તપાસ કરતા ભાંડો ફૂટયો, પત્નીની ધરપકડ

હૈદરાબાદ તા. ૨૭ : પત્નીના મોતનો ખોટો દાવો કરીને વીમા કંપની પાસેથી એક કરોડ રૂપિયા પડાવી લેવાનું ષડયંત્ર પત્ની જીવિત મળી આવતા ઉલટું પડી ગયું હતું. હૈદરાબાદની આ ઘટનામાં બંજારા હિલ્સ પોલીસે પત્નીની ધરપકડ કરી છે જયારે મુખ્ય આરોપીની શોધખોળ ચાલુ છે.

પોલીસે કહ્યું હતું કે નાઝિયા શકીલની છેતરપિંડીના આરોપમાં ધરપકડ કરાઈ છે. તેના પર જુની હવેલી સ્થિત પ્રિન્સેસ દુરૂ શેહવર હોસ્પિટલના રેકોર્ડમાં હેરફેર કરવાની સાથે ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી મૃત્યુનું પ્રમાણપત્ર પ્રાપ્ત કરતા પહેલા કબ્રસ્તાનની જમીનના રેકોર્ડમાં પણ છેડછાડ કર્યાનો આરોપ છે.

નાઝિયા શકીલ અને તેના પતિ સઈદ આલમે ૨૦૧૨માં એક વીમા પોલિસી ખરીદી હતી અને એક કરોડની કુલ રકમ માટે દર વર્ષે ૧૧૦૦૦ રૂપિયા પ્રીમિયમ ભરી રહ્યા હતા. ૨૯ સપ્ટેમ્બરે બંજારા હિલ્સ રોડ ખાતે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલના અધિકારીઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવાયું હતું કે નાઝિયા શકીલના નામથી એક કલેઈમ એપ્લિકેશન મળી છે જેના પર પતિએ દાવો ઠોકયો છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે દાબીરપુરા વિસ્તારમાં જ આરોપીના પડોશમાં રહેતી મલ્લિકા બેગમનું મોત થયું હતું. આરોપીએ મલ્લિકાના તમામ ડોકયુમેન્ટ્સમાં નામ બદલીને નાઝિયાનું નામ લખ્યું હતું.

(10:14 am IST)