Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

યુવકના પેટમાંથી ૨૬૩ સિક્કા, ૧૫૦ ખીલી અને કૂતરાને બાંધવાની ચેઇન નીકળી

મધ્યપ્રદેશના રિવા જિલ્લામાં વિચિત્ર કિસ્સોઃ યુવાનને વિવિધ ચીજો ખાવાનો શોખ

ભોપાલ તા. ૨૭ : મધ્યપ્રદેશના રિવા જિલ્લામાં એક અત્યંત વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવકના પેટમાંથી ૧૫૦ ખીલીઓ, ૨૬૩ સિક્કા, કૂતરાને બાંધવાની એક સ્ટીલની ચેઈન, થોડી સેફટી પિન્સ અને એક સળિયો નીકળતા સૌ કોઈ ચોંકી ગયા હતા. રસપ્રદ એ છે કે આ યુવાનને આવી ચીજો ખાવાનો શોખ છે.

ડોકટરે કહ્યું હતું કે દર્દીને ડિપ્રેશનની બીમારી હતી. આ બીમારીના કારણે તેને મેટલ ખાવાની આદત પડી ગઈ હતી. જો કે તેના પરિવારને આ વાતની જાણ નહોતી. જયારે એ યુવકને પેટમાં ખૂબ પીડા થવા લાગી ત્યારે તેને ડોકટર પાસે લઈ ગયા હતા.

એક સ્થાનિક ડોકટર યુવકને ટીબી હોવાનું કહીને તેનો ઈલાજ પણ કરવા લાગ્યો હતો. ૬ મહિના પછી પણ તબિયત ન સુધરતા તેને રિવાની સંજય ગાંધી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ડોકટરોએ જયારે તેનો એકસ-રે કરાવ્યો તો તેઓ પણ વિસ્મયમાં પડી ગયા હતા.

સર્જરી વિભાગના એચઓડી ડો. એપીએસ ગહરવારે કહ્યું હતું કે સામાન્ય રીતે લોકોની માનસિક સ્થિતિ બરાબર ન હોય ત્યારે તેઓ આ પ્રકારની અસામાન્ય હરકત શરૂ કરી દે છે. યુવક છેલ્લા એક વર્ષથી મેટલની ચીજો ખાી રહ્યો હતો પણ તેણે કયારેય કોઈને તેના વિશે કહ્યું નહોતું.

યુવકની સર્જરી કરવા કઠિન હતું. પરંતુ ડોકટરો પાસે અન્ય વિકલ્પ નહોતો. સર્જરી કરી તો તેના પેટમાંથી ૨૦૦૦ રૂપિયાના ૧, ૨ અને ૫ના સિક્કા નીકળ્યા હતા. આ ઉપરાંત ૨ કિલો મેટલ અને એક ચેઈન પણ નીકળી હતી.

(10:12 am IST)