Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટે ૯૭૭ ઉમેદવારો

એક બેઠક ઉપર સરેરાશ ૧૧ ઉમેદવારોઃ સૌથી વધુ ૨૭ ઉમેદવારો જામનગર (ગ્રામ્ય): બોટાદમાં ૨૫: સૌથી ઓછા ઝઘડીયા, ગાંડેવી પરઃ ૩-૩ ઉમેદવારો

નવી દિલ્હી તા. ૨૭ : ૯ ડિસેમ્બરના રોજ યોજાનાર ચૂંટણીના પ્રથમ તબક્કામાં કચ્છ- સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની ૮૯ સીટો પર ૯૭૭ ઉમેદવારો વચ્ચે જંગ જામશે. જેથી એક સીટ પર સરેરાશ ૧૧ ઉમેદવારો ચૂંટણીમાં લડશે. ગુજરાતમાં આજદિન સુધી યોજાયેલી ચૂંટણીઓમાં ઉમેદવારોની આ સંખ્યા બાબતે આ સંખ્યા બીજી સૌથી વધુ(સેકન્ડ હાઈએસ્ટ) છે. આ પહેલા ૧૯૯૫ની ચૂંટણીમાં સરેરાશ ૧૩.૯૮ ઉમેદવારો મેદાને હતા.

જો કે ૩૦ નવેમ્બરના રોજ ચિત્ર વધુ સ્પષ્ટ થશે, ૧૪ ડિસેમ્બરના રોજ યોજાનાર બીજા તબક્કાની ચૂંટણી માંથી ઉમેદવારી પાછી ખેંચવાની આ છેલ્લી તારીખ છે. પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ૨૪ નવેમ્બર જે ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ છે તે બાદ ૯૭૭ ઉમેદવારો ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવશે તેવું સ્પષ્ટ થયું છે. અધિકારીઓના જણાવ્યાનુસાર કોંગ્રેસ અને ભાજપના એક-એક ડમી ઉમેદવારને ગણીને પ્રથમ તબક્કા માટે ૧૫૦૦ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જો કે છેલ્લી તારીખે ૫૦૦ જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી રદ્દ કરાવી દીધી હતી.

ઉમેદવારોની નોંધણીની માહિતી અનુસાર, કચ્છ જિલ્લાની ૬ સીટો માટે ૮૦ ઉમેદવારોએ મેદાનમાં છે જયારે સૌરાષ્ટ્રની ૪૮ સીટો માટે ૫૭૮ ઉમેદવારો ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવશે. જયારે દક્ષિણ ગુજરાતની ૩૫ સીટો પર ૩૧૯ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. રાજકોટ પશ્ચિમ સીટ પર CM વિજય રૂપાણી સાથે અન્ય ૧૪ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. શકિતસિંહ ગોહિલનો મુકાબલો ૧૬ ઉમેદવારો સામે હશે, જયારે બાબુ બોખિરિયા સામે અર્જુન મોઢવાડિયા સહિત ૧૦ બીજા ચહેરા જોવા મળશે.

સૌથી વધારે ૨૭ ઉમેદવારો જામનગર ગ્રામ્ય સીટ પરથી ચૂંટણી લડશે. જયારે બીજા ક્રમાંકે ૨૫ ઉમેદવારો સાથે બોટાદ છે. જામનગર ઉત્તર સીટ પર ૨૪ ઉમેદવારો ચૂંટણીમાં નસીબ અજમાવશે. જયારે ખંભાળીયા સીટ પરથી ૨૦ ઉમેદવારો ચૂંટણી લડશે. જયારે સૌથી ઓછા ઝઘડિયા (ST), ગાંડેવી (ST)સીટો પર ૩-૩ ઉમેદવારો ચૂંટણીમાં ઝંપલાવશે.

(9:45 am IST)