Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

સત્તાની આવી અર્ધ શહેરી બેઠકોના મતદારો પાસે રહેશે

નાના અને મધ્યમ કદના નગરોથી જાય છે ગાંધીનગરનો રસ્તોઃ આ બેઠકો જે જીતશે તેને સિંહાસન

નવી દિલ્હી તા. ૨૭ : ગુજરાતમાં જેમણે પણ સત્તા હાંસલ કરવી છે તે રાજકીય પાર્ટીએ અહીં સારુ પ્રદર્શન કરવું પડે છે. મધ્ય ગુજરાત અથવા અર્બન બેઠકો પર જે પોતાનો કબજો જમાવશે તે જ સત્તાના સિંહાસન પર બેશસે. આ બેઠકો એટલે જે ગ્રામ્ય અને શહેરી વિધાનસભાની સંયુકત બેઠકો છે.

આંકડાકીય સ્થિતિ જોવા બેસીએ તો ૧૮૨ બેઠકો પૈકી રાજયમાં ૩૯ બેઠકો પૂર્ણરુપે શહેરી બેઠકો છે જયાં ભાજપ ખૂબ જ વધુ મોટી વોટબેંક સાથે વર્ચસ્વ ધરાવે છે. જયારે અન્ય ૪૫ જેટલી બેઠકોને ગ્રામ્ય-શહેરી બેઠકો તરીકે ગણી શકાય છે જે ક્ષેત્રમાં મતદારોમાં ગ્રામ્ય અને શહેરી મતદારોનું મિશ્રણ જોવા મળે છે. અમે નાના, મધ્ય અને મોટા કદના શહેરોની વાત કરી રહ્યા છે જયાં શહેરી અને ગ્રામ્ય મતાદોરો રેશીયો ૩૦:૭૦ થી ૭૦:૩૦ સુધીનો છે.

જેમ કે મહેસાણા, મોરબી, આણંદ, નડીયાદ જેવા મોટા શહેરો અને પારડી, જેતપુર, બોટાદ અને સોમનાથ જેવા નાના શહેરો. આ શહેરો એવા છે જેમની વસ્તી ૧ લાખથી ૩ લાખ સુધી છે. જેમાંની મોટાભાગની બેઠકો 'A' – 'B' કલાસની નગરપાલિકાઓ અંતર્ગત આવે છે. હવે પાછલી ૬ ચૂંટણીઓના પરિણામની સમિક્ષા કરીએ તો કોંગ્રેસ કરતા ભાજપનું પલડું આ જગ્યાએ દરેક ચૂંટણીમાં ભારે રહ્યું છે.

વર્ષ ૧૯૯૦માં ભાજપ અને જનતાદળે બંને ૧૭-૧૭ બેઠકો જીતી હતી અને કોંગ્રેસ ૫ બેઠકો પર સમિત થઈ ગયું હતું ત્યારથી જ દરેક ચૂંટણીમાં ભાજપ સતત ૩૦-૩૧ બેઠક જીતતું આવ્યું છે. જયારે કોંગ્રેસ ૭-૯ બેઠક વચ્ચે સમાઈ ગઈ છે. ફકત ૨૦૧૨માં કોંગ્રેસ આવી ૧૪ બેઠકો પર જીત નોંધાવી શકયું હતું. તેનું પણ કારણ એવું છે કે નવા સિમાંકન બાદ ઘણી ગ્રામ્ય બેઠકો આ શહેરી-ગ્રામ્ય વિસ્તારોમાં આવી ગઈ હતી.

જો રાજયની આગામી ચૂંટણીમાં સત્તાના સ્થાને બેસવું હોય તો કોંગ્રેસે આ વિસ્તારોમાં ખૂબ જ કામ કરવું પડશે. ચૂંટણીઓની વાત કરીએ તો રાજયમાં છેલ્લી ચૂંટણી ૨૦૧૫માં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ હતી જેમાં પણ પાટીદાર અનામતની આગ પૂરજોશમાં હોવા છતા કોંગ્રેસ તેનો ફાયદો ઉઠાવી શકી નહોતી. કુલ ૫૬ નગરપાલિકાઓમાં યોજાયેલ ચૂંટણીઓમાં ભાજપે ૪૫ પર ભગવો ફરકાવ્યો હતો જયારે કોંગ્રેસનો પંજો ૯ નગરપાલિકાઓ પર જ ફેલાઇ શકયો હતો. આજની સ્થિતિ જોઇએ તો રાજયનું કુલ ૨૨૫ નગરપાલિકાઓ પૈકી ૧૭૧માં ભાજપ અને ૪૬માં જ કોંગ્રેસ સત્તા પર છે.

હા, એટલું ચોક્કસ કહેવું પડે કે ૨૦૧૫માં વોટશેરની દ્રષ્ટીએ કોંગ્રેસનું પ્રદર્શન પાછલી ૨૦૧૦ની ચૂંટણીઓ કરતા સુધર્યું હતું. જે વધીને ૧૦.૧૨% થયું હતું. ભાજપના પ્રવકતા જયનારાયણ વ્યાસે કહ્યું કે, 'અમે પહેલાથી જ શહેરી અને અર્ધ શહેરી બેઠકો પર પ્રભુત્વ ધરાવીએ છીએ. કેમ કે અહીં અમારી પાસે કાર્યકર્તાઓની ટીમ છે.'

જયારે આ અંગે કોંગ્રેસના પ્રવકતા મનિષ દોષીએ કહ્યું કે, '૨૦૧૨માં અમે સારૂ પ્રદર્શન કર્યું હતું અને ૨૦૧૭માં અમે ભાજપની વોટબેંકમાં ગાબડા પાડીને સારૂ પ્રદર્શન કરીશું.

(9:44 am IST)