Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

સમીર વાનખેડેની બહેને ખોલ્યો મોરચો :નવાબ માલિક સામે પોલીસ ફરિયાદ કરી :રાષ્ટ્રીય મહિલા આયોગને પત્ર લખ્યો

સમીર વાનખેડેની બહેને કહ્યું, 'તે નવાબ મલિક કોણ છે જે અધિકારીનું જન્મ પ્રમાણપત્ર શોધી રહ્યો છે? તેમની રિસર્ચ ટીમે આ તસવીર દુબઈથી બોમ્બે પોસ્ટ કરી છે. અમને જાનથી મારી નાખવાની ધમકીના કોલ મળી રહ્યા છે

મુંબઈ : NCB અધિકારી સમીર વાનખેડે સામેના આરોપની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ડ્રગ્સ ડીલ અને ડ્રામામાં વધુ એક ટ્વિસ્ટ છે. બદલાની લડાઈમાં ધર્મનો પ્રવેશ થયો અને એક વિચિત્ર સંયોગ સર્જાયો. તપાસ કરનારાઓ જ તપાસ હેઠળ આવ્યા છે. સમીર વાનખેડે જે આર્યન ડ્રગ્સ કેસની તપાસ કરી રહ્યા હતા. હવે તેઓ છેડતી અને નકલી દસ્તાવેજો બનાવી લગ્ન કરવાના આરોપોથી ઘેરાયેલા છે. તેની આંતરિક તપાસ NCB દ્વારા જ કરવામાં આવી રહી છે.

મહારષ્ટ્ર સરકારના મંત્રી અને NCP નેતા નવાબ મલિકે આરોપ મૂક્યો હતો કે વાનખેડેનો જન્મ મુસ્લિમ તરીકે થયો હતો, પરંતુ બનાવટી જાતિના પ્રમાણપત્રો અને અન્ય બનાવટી દસ્તાવેજોની મદદથી સમીરે આરક્ષણ હેઠળ નોકરી મેળવવા માટે હિન્દુ દલિત હોવાનો ડોળ કર્યો અને યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા આપી પાસ થયા.

નવાબ મલિકના આરોપો બદલ સમીર વાનખેડેની બહેન યાસ્મીન વાનખેડેએ મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ સાથે યાસ્મિને રાષ્ટ્રીય મહિલા આયોગને એક પત્ર પણ લખીને એક મહિલા તરીકે તેના બંધારણીય અધિકારોનું રક્ષણ કરવાની વિનંતી કરી છે.

અગાઉ યાસ્મિને સમીર વાનખેડેના નામને લઈને નવાબ મલિક દ્વારા લગાવવામાં આવેલા આરોપોનો જવાબ આપ્યો હતો. સમીર વાનખેડેની બહેને કહ્યું, 'તે નવાબ મલિક કોણ છે જે અધિકારીનું જન્મ પ્રમાણપત્ર શોધી રહ્યો છે? તેમની રિસર્ચ ટીમે આ તસવીર દુબઈથી બોમ્બે પોસ્ટ કરી છે. અમને જાનથી મારી નાખવાની ધમકીના કોલ મળી રહ્યા છે. મને લાગે છે કે મારે પણ રોજેરોજ ખોટા પુરાવા રજૂ કરવા જોઈએ.'

સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકરે બુધવારે કહ્યું કે તેનો પતિ જન્મથી હિન્દુ હતો અને તેણે ક્યારેય ધર્મ બદલ્યો નથી. ક્રાંતિ રેડકરે 2006માં સમીર વાનખેડેના પ્રથમ લગ્ન કરાવનાર કાઝી દ્વારા કરવામાં આવેલા દાવાનો પણ વિરોધ કર્યો હતો, જેમાં કાઝીએ કહ્યું હતું કે નિકાહ સમયે સમીર મુસ્લિમ હતો.

(11:43 pm IST)